|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ સામખિયાળીમાં નાણાંની લેતી-દેતી મામલે પડોશી યુવકની છરી મારી હત્યા કરવાના ગુનામાં ભચાઉ સેશન્સ કૉર્ટે આરોપીને દોષી ઠેરવી આજીવન કારાવાસ સાથે ૫૦નો દંડ ફટકાર્યો છે. હત્યાનો બનાવ ૨ વર્ષ ૧૦ મહિના અગાઉ ૨૩-૧૧-૨૦૨૩ની મધરાતે બન્યો હતો. મરણ જનાર ગફૂર ઈસ્માઈલ મન્સુરી અને પડોશમાં રહેતો વિનોદ અમરશી લુહાર (રાઠોડ) સામખિયાળીના શાંતિનગરમાં દશામાના મંદિર પાસે રહેતા હતા. બેઉનો પરિવાર પશુપાલન સાથે સંકળાયેલો હતો. ઉછીના ૫૦ હજાર પરત માંગતા છરી વડે હત્યા કરેલી
વિનોદે પશુઓનો ચારો ખરીદવા માટે ગફૂર પાસેથી દસ પંદર દિવસ માટે ઉછીના ૫૦ હજાર રૂપિયા લીધા હતા. મુદ્દત વીત્યાં બાદ ગફૂરે વિનોદ પાસે ઉછીના નાણાં પરત માંગવાનું શરૂ કરેલું. બનાવની રાત્રે બાર વાગ્યે વિનોદ દશામાના મંદિર પાસે ઊભો હતો ત્યારે તેને જોઈ જતાં ગફૂરે તેની પાસે જઈને નાણાંની ઉઘરાણી કરેલી. ઉશ્કેરાઈને વિનોદ ભેઠમાં રાખેલી છરી કાઢી તેના પર તૂટી પડ્યો હતો. ગફૂરને હાથે, સાથળ અને માથામાં છરીના ઘા ઝીંક્યાં હતા.
યુવકની માતાની નજર સમક્ષ હત્યા થયેલી
હુમલા સમયે ગફૂરની માતા ઝુલેખાબેન ઘર બહાર આવેલી અને પોતાની નજર સમક્ષ પુત્રને છરી મારતાં વિનોદને જોયેલો. ઘાયલ હાલતમાં નીચે પડેલાં ગફૂર પાસે દોડી ગયેલી અને રાડારાડ કરેલી. ગફૂરે માતાને જણાવેલું કે ‘ઉછીના પચાસ હજાર રૂપિયાની માંગણી કરતાં વિનોદે તેને છરી મારી છે’ ગફૂરને તત્કાળ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ગંભીર ઈજાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
હત્યારો વિનોદ મુંબઈ નાસી ગયેલો
હત્યા બાદ વિનોદ બાઈક લઈને નાસી ગયો હતો. તેણે પોતાના પરિચિતોને ત્યાં આશરો લેવા પ્રયાસ કરેલો પરંતુ કોઈએ આશરો આપ્યો નહોતો. બાદમાં તે લોહીવાળી છરી બાવળની ઝાડીમાં નાખીને મુંબઈ નાસી ગયેલો. ૨૭-૧૧-૨૦૨૩ના રોજ વિનોદ પરત સામખિયાળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
આ કેસમાં પીઆઈ વી.આર. પટેલે તપાસ કરીને ચાર્જશીટ ફાઈલ કરેલી. સરકાર તરફે રજૂ કરાયેલાં ૨૨ સાક્ષી અને ૫૩ દસ્તાવેજી આધારો પર ભચાઉના સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ પેરવી કરી હતી.
ભચાઉના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ભરત એલ. ચૌઈથાણીએ આ ગુનામાં હત્યા બદલ વિનોદ લુહારને આજીવન કારાવાસ સાથે પચાસ હજારનો દંડ તથા પુરાવાનો નાશ કરવા બદલ ૪ વર્ષની સખ્ત કેદ સાથે ૧૦ હજારનો દંડ, ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ ૧ માસની કેદ ફટકારી છે. કૉર્ટે મૃતકની માતાને વળતર ચૂકવવા DLSAને ભલામણ કરી છે.
બે હોસ્ટાઈલ સાક્ષીને કારણદર્શક નોટિસ
આ કેસમાં સરકાર તરફે રજૂ થયેલાં બે સાક્ષી તૈયબ ગુલમામદ માણેક (રહે. શિકારપુર, ભચાઉ) અને સલીમ સુભાન કટિયા (રહે. માળિયા મિંયાણા)ની CrPC ૧૬૪ અંતર્ગત મેજિસ્ટ્રેટ સમક્ષ જુબાની નોંધવામાં આવી હતી. જો કે, ટ્રાયલ સમયે બંને જણ પોતાની જુબાનીમાંથી ફરી ગયાં હતા. આ બાબતને ગંભીર ગણી કૉર્ટે બેઉ જણને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૮૩ હેઠળ કારણદર્શક નોટિસ ફટકારીને ૫મી ઓક્ટોબરે એડવોકેટ સાથે હાજર રહેવા જણાવ્યું છે.
Share it on
|