click here to go to advertiser's link
Visitors :  
01-Oct-2026, Thursday
Home -> Bhuj -> Brothers released on bail within a week of FIR as extortion case is settled
Wednesday, 30-Sep-2026 - Bhuj 1508 views
જે FIR પર કોઠારા પોલીસે કરોડોનો માલ જપ્ત કર્યો તે ભાઈઓનું ફરિયાદી જોડે સમાધાન!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોઠારાનાં બે સગાં ભાઈની વ્યાજખોરીના ગુનામાં ધરપકડ કરી, પોણા ચાર કરોડની માલ મિલકત જપ્ત કરી પશ્ચિમ કચ્છ પોલીસે જેને ઐતિહાસિક કામગીરી ગણાવેલી તે આરોપી ભાઈઓ એક જ સપ્તાહમાં જામીન પર છૂટી ગયાં છે. પોલીસ જેને ઐતિહાસિક કામગીરી ગણાવી રહી છે તે આરોપીઓનું ફરિયાદી જોડે સમાધાન થઈ ગયું છે! જેને ધ્યાને લઈ નીચલી કૉર્ટે બંને ભાઈઓને જામીન પર મુક્ત કરી દીધાં છે.
ફરી પકડવા વધુ એક FIR દાખલ કરાઈ

આઝાદ થઈ ગયેલાં આરોપી સહોદરોને ફરી પાંજરે પૂરવા માટે કોઠારા પોલીસે તેમની સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ વ્યાજખોરીની નહીં પરંતુ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની છે અને ભેદી કારણોસર પોલીસે સામાન્ય જનતાથી એફઆઈઆરની વિગતો છૂપાવવા પ્રયાસ કર્યો છે!

જાણો, ફરિયાદ અને ઐતિહાસિક સર્ચ એન્ડ સીઝર

કોઠારાના આમદ મામદ મંધરા અને ઓસમાણ મામદ મંધરા વિરુધ્ધ ગત ૨૨ સપ્ટેમ્બર મંગળવારે કોઠારાના જાવેદ હુસેન હજામે ૧૦ ટકા ઊંચા વ્યાજે મેળવેલાં ૪.૫૦ લાખ રૂપિયા સામે ૩૬.૪૮ લાખ રૂપિયા વસૂલ્યાં હોવાની ફરિયાદ નોંધાવેલી. આરોપીઓએ નાણાં વસૂલવા માટે જાવેદનું ખેતર વેચી મરાવ્યું હોવાનો અને કારનો વેચાણ કરાર કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાવેલી.

♦ફરિયાદ બાદ પોલીસે બેઉ ભાઈઓની ધરપકડ કરી રાયધણપરમાં રહેતા તેમના કૌટુંબિક ભાઈ ઓસમાણ ઊર્ફે ગની મંધરાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરતાં સવા કરોડ રોકડાં રૂપિયા અને એક કરોડના ઘરેણાં સહિત વિવિધ મિલકતના દસ્તાવેજ, ચેકબૂક, એટીએમ કાર્ડ વગેરે જપ્ત કર્યાં હતા.

પોલીસે આ જપ્તીને ઐતિહાસિક ગણાવી હતી.

ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજના સંજોગનગરમાં રહેતા આમદ મંધરાના સાળા રઝાક ઓસમાણ સોતાના ઘરે તપાસ કરીને વધુ એક કરોડના ઘરેણાં અને રોકડ રકમ જપ્ત કરેલી. તો, કોઠારા પોલીસે આરોપી ભાઈઓના મિત્ર નીલેશ ગોસ્વામીના કબજામાંથી આરોપીઓના કબજાના મનાતાં  સોના ચાંદીના ઘરેણાં, વેગન આર કાર, હિસાબની ચોપડીઓ અને દસ્તાવેજો મળી વધુ ૫૫.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સર્ચ એન્ડ સીઝર વચ્ચે સમાધાન અને જામીન મુક્તિ

એકતરફ, રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી વિકાસ સુંડા, નલિયાના DySP મનીષા દેસાઈનાઓની સૂચના, માર્ગદર્શન તળે કોઠારા પોલીસ અને LCBનું ઐતિહાસિક સર્ચ એન્ડ સીઝર ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યાં રિમાન્ડ પૂરાં થવા સાથે જ ગઈકાલે આરોપીઓએ નલિયાના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કૉર્ટમાં જામીન અરજી કરેલી.

અરજી સાથે ફરિયાદી જાવેદ હુસેન હજામના વકીલે આરોપીઓ જોડે સમાધાન થઈ ગયું હોઈ તેમને જામીન પર છોડાય તો વાંધો નથી તેવી રજૂઆત કરતી એફિડેવિટ રજૂ કરેલી.

કૉર્ટે મહત્તમ દસ વર્ષ સુધીની સજાને પાત્ર ગુનો હોવાની, જ્યુ. મેજિસ્ટ્રેટ એમ.જી. વાદીએ કૉર્ટ પાસે ટ્રાયલ ચલાવવાની સત્તા હોવાની, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોઈ જામીન પર છોડાય તો પુરાવાને નુકસાન થવાની શક્યતા રહેતી ના હોવાના આધાર પર એક લાખના મુચરકા પર જામીન મુક્ત કરી દીધાં હતા.

આજે ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાઈ

વ્યાજખોરીના ગુનાના આરોપી ભાઈઓ જામીન પર છૂટી ગયાં બાદ કોઠારા પોલીસ મથકે આજે બેઉ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે.

►હરિયાણાના કુરુક્ષેત્રના સુરેન્દ્રકુમાર ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે બંને ભાઈઓએ તેને અને સુશીલકુમારને વિશ્વાસમાં લઈને તેની ૩૫.૨૦ લાખની જમીનની બદલામાં તેને ૫ લાખ અને મકાન આપવાની વાત કરીને પોતાના અને મળતિયાઓના નામે જમીનનો દસ્તાવેજ લખાવી લીધેલો.

►ત્યારબાદ મકાનના સાટા કરારમાં છેતરપિંડીથી ૨૮ લાખ રૂપિયા લખાવેલાં પરંતુ દસ્તાવેજ કરાવ્યાં નહોતા. એટલું જ નહીં, ફરિયાદી અને સુશીલકુમારની કોરાં કાગળોમાં સહી લઈ મકાન ખાલી કરાવી દઈ છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો હતો.

૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન ગુનાનો સમયગાળો દર્શાવાયો છે. કોઠારા પોલીસે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ની કલમો તળે ફરિયાદ દાખલ કરી બેઉ ભાઈઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે. જો કે, આ ગુનો પણ મહત્તમ સાત વર્ષની સજાને પાત્ર હોઈ ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાંથી જ જામીનલાયક છે.

ત્રણ દિવસ અગાઉ ઐતિહાસિક કામગીરીના દાવા ઠોકનારી પશ્ચિમ કચ્છ પોલીસ એવી શરમાઈ ગઈ છે કે ઈ-ગુજકોપ પોર્ટલ પર FIRને સંવેદનશીલ કરી દીધી છે જેથી તેની ઓનલાઈન કોપી ફરિયાદીને ઉપલબ્ધ ના થાય!

પોલીસે જે માલમતા કબજે કરી છે તે ગુના કામની હોવાનું પૂરવાર ના થાય તો તે માલ મિલકત પણ પરત દેવી પડશે તેમ કાયદાવિદ્દો જણાવે છે.

Share it on
   

Recent News  
૪ વર્ષની દીકરીને સાચવવી ના પડે તે ઈરાદે પાલક પિતાએ તેની હત્યા કર્યાની ફરિયાદ
 
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
 
‘ઉપરની’ ભલામણ અને પ્રસાદીના પગલે માંડવીના વાંઢમાં બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી