|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મતદાર યાદીની સઘન સુધારણાની કામગીરી બાદ અંજારમાં ફોર્મ નંબર ૭ મારફતે ૮૮ મતદારોના નામ કમી કરાવવા માટેનો કારસો રચાયો હોવાનો ખુદ બુથ લેવલ ઑફિસરે ભાંડો ફોડ્યો છે. અંજારના બીએલઓ મેહુલકુમાર દવેએ પ્રાંત અધિકારીને વિગતવાર પત્ર લખીને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરનારા અરજદારો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી છે. પ્રાંત અધિકારીની કચેરીમાં સીધા ફોર્મ રજૂ થયાં
દવેએ રજૂઆત કરી છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમના ખાસ ચાર દિવસો દરમિયાન એકપણ અરજી બીએલઓને મળી નહોતી. પરંતુ, કાર્યક્રમ પૂરો થયાના અમુક દિવસો બાદ સીધા પ્રાંત અધિકારીની કચેરીમાં ફોર્મ નંબર ૭ જમા કરાવી દેવામાં આવેલાં. આ બાબત શંકાસ્પદ છે.
અરજદારોએ કર્યાં છે આ સ્પષ્ટ નિયમભંગ
મેહુલભાઈએ પત્રમાં લખ્યું છે કે ૮૮ મતદારોના નામ કમી કરાવવા માટે જે ફોર્મ નંબર ૭ રજૂ કરાયાં છે તેને તપાસતાં જાણવા મળ્યું છે કે જે મતદારોના નામ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે તમામ મતદારો અંજાર વિધાનસભા ભાગ નંબર ૨૫૩ (નયા અંજાર વિસ્તાર)ની વિવિધ સોસાયટીમાં વર્તમાનમાં રહેતાં રહેવાસીઓ છે.
નિયમ મુજબ વાંધો લેનાર અરજદાર પણ આ જ વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ પરંતુ ફોર્મ નંબર સાત જમા કરાવનાર એકેય અરજદાર આ વિસ્તારનો રહેવાસી નથી.
એ જ રીતે, નિયમ મુજબ એક વાંધેદાર એકસાથે પાંચ ફોર્મ ભરી શકે છે પરંતુ રજૂ થયેલાં ફોર્મ જોતાં આઠ અરજદારે એકસાથે ૧૦-૧૦ ફોર્મ ભર્યાં છે અને એક અરજદારે ૮ ફોર્મ રજૂ કર્યાં છે.
ચૂંટણી કાર્ડ અને મોબાઈલ નંબરમાં ધુપ્પલ
ફોર્મ ભરનારાં ૯ અરજદારે ફોર્મ સાથે જે પોતાના ચૂંટણી ઓળખપત્રની નકલ રજૂ કરી છે તેની ખરાઈ કરતાં કેવળ ૩ જ ચૂંટણી ઓળખપત્ર સાચાં નીકળ્યાં છે, બાકીના ૬ ચૂંટણી કાર્ડનો કોઈ જ ડેટા ઓનલાઈન જોવા મળતો નથી. એ જ રીતે, ફક્ત ૩ જ મોબાઈલ નંબર કાર્યરત છે અન્ય ૬ મોબાઈલ નંબર અસ્તિત્વમાં જ નથી. અમુક ફોર્મમાં મોબાઈલ નંબર દસના બદલે નવ આંકડાના છે તો ચૂંટણી કાર્ડમાં પ્રથમ ત્રણ આલ્ફાબેટ પછી સાત આંક આવે તેના બદલે ક્યાંક છ અંક છે તો ક્યાંક આઠ અંક છે.
મતદાર યાદી સાથે છેડછાડ કરવાનો કારસો
જે મતદારોના નામ સામે વાંધા ફોર્મ ભરવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગના મતદારો એક જ સોસાયટી કે વિસ્તારના રહેવાસીઓ છે.
આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ફોર્મ નંબર સાત ભરવાનું કૌભાંડ વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરવા માટે જાણીજોઈને કોઈના ચોક્કસ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હોય તેમ જણાઈ આવે છે.
ચોક્કસ વ્યક્તિ કે સમૂહ દ્વારા શિક્ષકો દ્વારા કરવામાં આવેલી મતદાર યાદી સઘન સુધારણાની કામગીરી બગાડવા માટે અથવા તો આગામી ચૂંટણીને ધ્યાને લઈ બહાર પડનારી નવી મતદાર યાદી સાથે છેડછાડ કરવાના આયોજનપૂર્વકના હેતુ સાથે આ ફોર્મ ભરવામાં આવ્યાં છે.
ફોર્મ ભરનારાં લોકો સામે ફોજદારી કરવા માગ
જો કોઈ બીએલઓ દ્વારા કામગીરીમાં ચૂક થાય તો તેને લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવે છે ત્યારે આ ખોટાં ફોર્મ રજૂ કરનાર લોકો સામે પણ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે તે અપેક્ષિત છે. મેહુલભાઈએ તેમના પત્રની નકલ અંજારના ચીફ ઑફિસર, આડા, કચ્છ કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ મોકલી આપી છે. બીએલઓની આ રજૂઆત ‘વોટ ચોરી’ના સુવ્યવસ્થિત ષડયંત્રનો પર્દાફાશ કરી રહી છે. પરંતુ, ચૂંટણી અધિકારીઓના મોંઢે ખંભાતી તાળાં લટકે છે.
કોંગ્રેસના કાલે ભુજમાં પ્રતીક ધરણાં
ભારતના બંધારણે આપેલા મત અધિકાર અને લોકશાહીને બચાવવા માટે કચ્છની જનતા જાગે તે સમયની માગ છે તેવો અનુરોધ કરી, રાહુલ ગાંધીએ સરના નામે વોટ ચોરીના જે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તે જ આ કૌભાંડ હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું છે. કોંગ્રેસે વોટ ચોરીના કારસા સામે આવતીકાલ ગુરુવારે ભુજ કલેક્ટર કચેરી ખાતે બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી ધરણાંનું આયોજન કર્યું છે. જેમાં જિલ્લા અને તાલુકા સંગઠન, વિવિધ પાંખ-સેલના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ જોડાશે.
Share it on
|