કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં રહેતી ૨૩ વર્ષની કુંવારી યુવતીને નોકરીએ લગાડી દેવાની, તેની સાથે લગ્ન કરી તેની તમામ જવાબદારી નીભાવવાના ખોટાં વચન આપીને એક વકીલે મહિલા મિત્ર સાથે મળીને પરાણે શરીર સંબંધો બાંધી ધાક ધમકી કર્યાનો બનાવ બહાર આવ્યો છે. અંજાર પોલીસે એડવોકેટ રમેશ કે. આહીર (રહે. એકતાનગર) અને તેની મહિલા મિત્ર આરતી W/o નીતિન ખાખલા (રહે. ગ્રીનલેન્ડ સોસાયટી, હની બેકરી પાછળ, મેઘપર કું.) વિરુધ્ધ BNS કલમ ૬૯, ૩૫૧ (૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુનાનો ભોગ બનનાર યુવતીના ભાઈ પર ચાલતા એક કેસ સબબ તે રમેશ આહીરની ઑફિસે ગયેલી. ત્યારબાદ રમેશે આહીરે સ્નેપચેટ પર તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મૈત્રી બાંધી હતી.
રમેશે તેને નોકરીએ લગાડી દેવાનું, તેની સાથે લગ્ન કરી બધી જવાબદારી નીભાવવાનું વચન આપીને ૨૧ જૂલાઈના રોજ યુવતીને તેના ઘરેથી કારમાં બેસાડીને ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહેતી તેની મિત્ર આરતી ખાખલાના ઘેર મૂકી ગયેલો. યુવતીને તેણે અહીં થોડાં દિવસ રહેવા જણાવેલું.
રમેશના કહ્યા મુજબ પોલીસ સ્ટેશને નિવેદન લખાવેલું
યુવતીના પરિવારજનોએ અંજાર પોલીસ મથકે ગુમ નોંધ લખાવતાં રમેશના કહેવા મુજબ યુવતીએ પોલીસ મથકે હાજર થઈને પોતે માતા પિતા જોડે જવા નથી માગતી, આરતી જોડે જવા માગે છે તેવું નિવેદન લખાવેલું.
યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધી લગ્નનો ઈન્કાર
૨૯ જૂલાઈની બપોરે સાડા ત્રણના અરસામાં રમેશ આરતીના ઘરે આવેલો. આરતી ક્યાંક જતી રહી હતી. તે સમયે રમેશે યુવતીની ઈચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. અઠવાડિયા બાદ ફરી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ લગ્ન કરવા દબાણ શરૂ કરતા રમેશે પોતે પરિણીત હોઈ તેની જોડે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
બદનામ કરી દેવાની બેઉ જણે ધમકી આપેલી
રમેશ અને આરતી બેઉ જણ યુવતીને ધમકી આપવા માંડેલા કે જો તું અમારી સામે કેસ કરીશ તો તને બદનામ કરી નાખશું અને જાનથી મારી નાખશું. તેમની ધમકીથી ડરી જઈને યુવતીએ ઘર બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. બે દિવસ અગાઉ તક મળતાં તે આરતીના ઘરેથી સરકીને તેની માતાને ઓળખતી મહિલાના ઘરે પહોંચી ગયેલી અને તેને બધી વાત કર્યા બાદ માતા અને તે મહિલા સાથે ગઈકાલે સાંજે અંજાર પોલીસ મથકે આવીને રમેશ આહીર અને આરતી ખાખલા સામે ફરિયાદ નોંધાવી હતી. અંજાર પોલીસ ઈન્સ્પેક્ટર અજયસિંહ રણજીતસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.
Share it on
|