કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા હસ્તકની બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે મુંદરામાં ગેરકાયદે જોખમી રીતે જ્વલનશીલ સોલવન્ટના સંગ્રહ અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ કરીને ૯૬ લાખ ૩૮ હજારના મૂલ્યનું સોલવન્ટ જપ્ત કર્યું છે. મુંદરાના સમાઘોઘા પાસે આવેલા ખાલી કન્ટેઈનર રાખવાના વાડા શિવ કન્ટેઈનર યાર્ડમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ પર ગત મધરાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે કન્ટેઈનર યાર્ડમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાં ૯ મોટી ટેન્ક જોવા મળી હતી. ટેન્કમાં લગાડેલાં મોટા હોસ પાઈપથી ફાઈટર મશીન વડે અંદર રહેલું જ્વલનશીલ પ્રવાહી સોલવન્ટ ત્યાં ઊભેલા બે ટેન્કરમાં ભરવામાં આવતું હતું. સ્થળ પર હાજર સુપરવાઈઝર અમિત પાઠકે પોલીસને જણાવ્યું કે યાર્ડનો કબજેદાર સુશીલ નાથાલાલ શર્મા (રહે. પૂર્વી પાર્ક, અદાણી કોલોની પાસે, નાના કપાયા, મુંદરા) છે, જે હાલ હાજર નથી. દરોડાના પગલે તે નાસી ગયો હતો.
પોલીસે દસ્તાવેજો ચેક કરતાં બીલ ઑફ એન્ટ્રી મુજબ આ ટેન્કોમાં ૯૬ લાખ ૩૮ હજારના મૂલ્યનું ૧ લાખ ૬૭ હજાર ૨૪૫ કિલોગ્રામ પ્રવાહી સોલવન્ટ ભરવામાં આવ્યું હતું.
પોલીસના આગમન પહેલાં સોલવન્ટ ભરેલાં બે ટેન્કર રવાના પણ થઈ ગયા હતા. કન્ટેઈનર યાર્ડના જવાબદારો પાસે જ્વલનશીલ સોલવન્ટના વેચાણ અને હેરફેર માટે કોઈ જ આધાર પુરાવા નથી. એટલું જ નહીં, માનવ જીવન જોખમમાં મૂકે તેવી આ કામગીરી સંદર્ભે સ્થળ પર જરૂરી સેફ્ટી મેઝર્સ અને સેફ્ટી ઉપકરણોનો અભાવ હતો.
સવા કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ૯૬.૩૮ લાખનું સોલવન્ટ, ૯ લાખની ૯ ટેન્ક, ૨૦ લાખના બે ટેન્કર, ૫૦ હજારની કિંમતના હૉસ પાઈપ અને ફાઈટર મશીન મળી કુલ ૧ કરોડ ૨૫ લાખ ૮૩ હજારનો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કરી યાર્ડના કબજેદાર સુશીલ શર્મા વિરુધ્ધ સરકાર તરફે મુંદરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૭ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં સોલવન્ટના ગેરકાયદે સ્મગલિંગના રેકેટનો પણ પર્દાફાશ થાય તેવી શક્યતા છે. આગળની તપાસ સાયબર ક્રાઈમ પોલીસે જ હાથ ધરી છે.
Share it on
|