કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર પાસે આવેલી વેલસ્પન કંપનીએ અજાપર ગામના ગૌચર જમીનમાં વીજ લાઈન પસાર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરતાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ગ્રામજનોએ વેલસ્પન કંપનીની હાય હાય બોલાવી સખત વિરોધ કર્યો હતો. અંજાર તાલુકાના ચાર ગામોમાંથી વેલસ્પનની વીજ લાઈન પસાર થવાની છે. ગામના પશુઓના ચરિયાણ માટેની અનામત જમીન હડપ કરવા સામે ગામમાં અગાઉથી જ આક્રોશ પ્રવર્તે છે. સારાં વરસાદના લીધે ગૌચરમાં ઘાસચારો ઊગી નીકળતાં ગ્રામજનોએ ચોમાસા પૂરતી કામગીરી બંધ રાખવા અગાઉ કોંગ્રેસના નેજા તળે રજૂઆત કરેલી.
આજે પોલીસ બંદોબસ્ત સાથે વીજ ટાવર ઊભો કરવા માટેની કામગીરી શરૂ થતાં ગ્રામજનો વીફર્યાં હતા.
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું કે પોલીસના બળે આવી બળજબરી જરાય સાંખી શકાય નહીં. ઘાસચારો ઉગી નીકળે તેમ છતાં કામ શરૂ કરીને પશુધનને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે.
સરકારી નિયમો મુજબ ગૌચર જમીનનું વળતર પણ સ્થાનિક પંચાયતને આપવાની જોગવાઈ છે, જેનું કંપનીએ પાલન કર્યું નથી.
હુંબલે ગ્રામજનો વતી પોલીસ બંદોબસ્તનો ઓર્ડર પરત ખેંચવા અને આ કામગીરી તત્કાળ અસરથી બંધ કરાવવા કલેક્ટરને અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે ગામના લોકોમાં ખૂબ જ આક્રોશ છે અને માહોલ બગડે તેમ છે. ગામલોકોથી વાતચીત કરી સંકલન કરી, યોગ્ય વળતર આપી નિયમો મુજબ કામ કરાય તે જરૂરી છે.
વેલસ્પનની દાદાગીરી સામે લોકોમાં આક્રોશ ભભૂકી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ ચૂપ રહીને તમાશો નિહાળી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ કંપની ભૂતકાળમાં પણ અન્ય ગંભીર વિવાદોમાં આવી ચૂકેલી છે.
Share it on
|