કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના જમીન દલાલને દારુ જુગારના ખોટાં કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને દર મહિને વીસ હજાર રૂપિયાનો હપ્તો માગવાના ગુનામાં ઝડપાયેલા કથિત પત્રકાર વાજીદ અલસાદ ચાકીની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ભુજના જમીન લે-વેચના ધંધાર્થી મોહમ્મદ હનીફ આમદ સમેજાએ દસ દિવસ અગાઉ વાજીદ ચાકી અને તેના સાગરીત પત્રકાર અલી મામદ ચાકી વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આઠમા અધિક સેશન્સ જજ તુષાર એન. ખંધડીયાએ બંને પક્ષના ધારાશાસ્ત્રીઓની દલીલો સાંભળીને નિયમિત જામીન અરજી નામંજૂર કરતાં જણાવ્યું કે આરોપીએ ફરિયાદીના બાળકો પર હુમલો કરાવેલો અને તેમના અપહરણ કરી મારી નખાવવાની પણ ધમકી આપેલી.
ગુનામાં જનમટીપની સજાને પાત્ર કલમો હેઠળના આરોપ છે.
આજના સમયમાં મીડિયા સમાજમાં એક ‘વાઈટલ ફોર્સ’ ગણાય છે, તેના શિરે લોકોનો વિશ્વાસ ટકાવી રાખવાની મહત્વની જવાબદારી છે. આરોપી સામે ૨૦૨૨માં એક ગુનો નોંધાયેલો અને આ ફરિયાદ નોંધાયા બાદ બીજા બે ગુના દાખલ થયેલાં છે.
એક ગુનામાં તો આરોપીએ ખંડણી પણ મેળવેલી છે. આમ, સમગ્રતયા જોતાં આ પ્રથમદર્શનીય કેસ છે.
તપાસ મહત્વના તબક્કે છે ત્યારે યોગ્ય અને ન્યાયી તપાસ માટે કૉર્ટ આરોપીને જામીન આપવાનું મુનાસિબ માનતી નથી.
સરકારી વકીલે કહ્યું છૂટશે તો બીજા આગળ નહીં આવે
ચુકાદા અગાઉ ફરિયાદ પક્ષ વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલ કરી હતી કે આરોપી સામે પ્રથમદર્શનીય રીતે મજબૂત કેસ છે, પત્રકાર હોવાના ઓઠાં તળે લોકોમાં ભય સર્જ્યો છે અને તેની પાસેથી હથિયાર પણ રિકવર કરાયેલું છે. આ ગુનો નોંધાયા બાદ અન્ય લોકો પણ ફરિયાદો નોંધાવવા આગળ આવી રહ્યાં છે ત્યારે આ તબક્કે જો તેને જામીન પર છોડાય તો અન્ય નિર્દોષ લોકો ફરિયાદ નોંધાવવા આગળ નહીં આવે.
Share it on
|