કચ્છખબરડૉટકોમ, રાપરઃ અયોધ્યામાં ભગવાન રામનું રાજ હતું ત્યારે કોઈ ગુના થતાં નહોતાં. લોકો ઘરના દરવાજા ખુલ્લાં રાખી ગમે ત્યાં ફરે કોઈ ચોરી થતી નહોતી તેમ કહેવાય છે. જો કે, રામના નામે ચરી ખાતાં કળિયુગી નેતાઓના રાજમાં આવી ‘અયોધ્યાપુરી’ સલામત નથી. રાપરના અયોધ્યાપુરી વિસ્તારના બંધ રહેણાક મકાનમાં ત્રાટકેલાં તસ્કરો ૧.૯૦ લાખ રોકડાં રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં મળી ૭.૧૫ લાખની માલમતા ચોરી જતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. ચોરીનો બનાવ ગત સોમવાર અને મંગળવારની રાત્રે બન્યો હતો. અહીં રહેતા ૩૦ વર્ષિય ઘરધણી બળદેવ ગણેશભાઈ વીડીયા (રાજપૂત)એ પોલીસને જણાવ્યું કે તે મૂળ કિડીયાનગરનો વતની છે. પરિવાર થોડાંક દિવસોથી કિડીયાનગર ગયો હોઈ તે પણ કિડીયાનગરથી પોતાની દુકાને આવ-જા કરતો હતો. સોમવારે સાંજે ઘરે જઈને તાળું મારી કિડીયાનગર ગયેલો અને બીજા દિવસે સવારે પાછો ફર્યો તો ઘરના મુખ્ય પ્રવેશદ્વારના ઈન્ટરલૉક સહિતના દરવાજાઓના તાળાં તૂટેલાં હતા.
તસ્કરો આટલી રોકડ અને દાગીના ચોરી ગયાં
ઘરમાં પ્રવેશેલાં અજાણ્યા તસ્કરો કબાટના લૉક તોડીને તેમાં રાખેલા ૧.૯૦ લાખ રોકડાં, ૩.૬૦ લાખની કિંમતનું સોનાનું સાડા ૪ તોલાનું મંગળસૂત્ર, ૧.૨૦ લાખના મૂલ્યની દોઢ તોલા સોનાની ચેઈન, ૨૫ હજારની કિંમતનો સોનાનો ૩ ગ્રામનો પારો અને ૨૦ હજારની કિંમતના ચાંદીના બે જોડ સાંકળા મળી કુલ ૭ લાખ ૧૫ હજારની માલમતા ચોરી ગયાં હતા. ઘરના દરવાજાના તૂટેલાં લૉક જોઈને બળદેવે તુરંત પોલીસને જાણ કરેલી અને પોલીસ આવ્યા બાદ તેમની સાથે ઘરમાં પ્રવેશ્યો હતો.
બારીમાં સ્પાય કેમ ગોઠવેલો પણ..
ફરિયાદી બળદેવ પોતે રાપરમાં સીસીટીવી કેમેરાના ઈન્સ્ટોલેશન અને રિપેરીંગની દુકાન ધરાવે છે. કચ્છખબર સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે બનાવની રાત્રે તેણે બારીમાં એક સ્પાય કેમેરા મૂક્યો હતો. પરંતુ, વરસાદી વાતાવરણ અને વાયરાના લીધે આ કેમેરા પર બારીનો પડદો આડો આવી ગયેલો અને ઘરમાં પ્રવેશેલાં તસ્કરોના ચહેરાં કે ગતિવિધિ રેકોર્ડ થઈ શકી નહોતી. બનાવ અંગે રાપર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Share it on
|