કચ્છખબરડૉટકોમ, ભુજઃ લાંચ ‘ખાવા’નો પ્રયાસ કરતા રંગેહાથ ઝડપાયેલા વાયોર પોલીસ મથકના લોકરક્ષક દળ (વર્ગ ૩)ના કોન્સ્ટેબલને આજે ભુજની કૉર્ટે દોષી ઠેરવીને પાંચ વર્ષની સખત કેદ સાથે દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. લાંચરૂશ્વતના બનાવ અંગે ૨૨-૦૭-૨૦૨૦ના રોજ કોન્સ્ટેબલ મયૂરસિંહ અજીતસિંહ સોઢા વિરુધ્ધ ભુજ એસીબીએ ગુનો નોંધ્યો હતો. દેશી દારૂના બૂટલેગર પાસે લાંચ માગેલી
દેશી દારુની ગાળવાની ભઠ્ઠી ચલાવતા બૂટલેગર સામે ભઠ્ઠીનો ગુનો નહીં નોધવાની અવેજમાં મયૂરે ૧૫ હજાર રૂપિયાની લાંચ માગેલી. જેમાંથી ૮ હજાર રૂપિયાનો પહેલો હપ્તો મેળવી લીધો હતો અને બાકીના ૭ હજાર રૂપિયા માટે તે બૂટલેગરને વારંવાર ફોન કરી ઉઘરાણાં કરતો હતો. બૂટલેગરે લાંચની રકમની માંગણી અંગેની વાતચીતનું રેકોર્ડિંગ કરી લઈને એસીબીને રજૂઆત કરેલી. જેના પગલે એસીબીએ સરકારી પંચોની હાજરીમાં છટકું ગોઠવીને મયૂરને રોકડાં રૂપિયા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
નોટો ચાવી જઈ પુરાવાનો નાશ કરવા પ્રયાસ કરેલો
રોકડાં ચાર હજાર રૂપિયા સ્વિકાર્યા બાદ મયૂરને એસીબી ટ્રેપની ગંધ આવી ગયેલી. જેથી તેણે પુરાવાનો નાશ કરવા ચલણી નોટોને મોઢામાં મૂકીને ચાવી પ્રયાસ કર્યો હતો. એસીબીની ટીમે સરકારી તબીબની હાજરીમાં તેના મોઢામાંથી ચલણી નોટો બહાર કઢાવી હતી.
ચલણી નોટો પર ચોંટેલી લાળ આરોપીની હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા, તેનું ડીએનએ પ્રોફાઈલીંગ કરવા માટે નોટોને ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપી હતી. જેમાં નોટો પરની લાળ આરોપીની જ હોવાનું સાબિત થઈ ગયું હતું.
આ કેસમાં એસીબીએ આરોપી વિરુધ્ધ ૩૭ દસ્તાવેજી આધારો અને ૭ સાક્ષીઓ સાથે ચાર્જશીટ રજૂ કર્યું હતું. આજે આ ગુનામાં ભુજના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.પી. મહિડાએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ અને કલમ ૧૩ (૧) (અ) તથા ૧૩ (૨) હેઠળ આરોપીને અપરાધી ઠેરવી પાંચ પાંચ વર્ષની સખ્ત કેદ અને પાંચ પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવા હુકમ કર્યો છે.
આ કેસમાં એસીબીના પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને સાક્ષીઓ તપાસી દલીલો કરી હતી.
Share it on
|