કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના ખીરસરા ગામની સર્વે નંબર ૭૪ની જમીનના વેચાણ મામલે સગાં ભાઈ બહેન વચ્ચે ચાલતાં ફોજદારી અને દિવાની જંગમાં નવો વળાંક આવ્યો છે. હાઈકૉર્ટના હુકમ બાદ અંજાર સેશન્સ કૉર્ટે ૬૮ વર્ષિય મોટી બહેને કરેલી આગોતરા જામીન અરજીની ફેર સુનાવણી કરી અરજી ફગાવી દીધી છે. કેસની ટૂંક વિગત એવી છે કે નયા અંજારની જૈન કોલોનીમાં રહેતા ૫૩ વર્ષિય મોહનલાલ વ્રજલાલ ગામોટે મોટી બહેન પાર્વતી W/o ઠાકરશી દાદલ (રહે. રામકૃષ્ણ મહાવીરનગર, અંજાર)ની માલિકીની ખીરસરાની જમીન ૧૩ લાખ રૂપિયામાં ખરીદવા નક્કી કરેલું. મોહનલાલે ૨૯-૦૯-૨૦૧૬થી ૦૧-૦૯-૨૦૨૦ દરમિયાન ટૂકડે ટૂકડે રોકડે અને ચેકથી મોટી બહેન પાર્વતીને ૧૩ લાખ રૂપિયા ચૂક્તે કર્યાં હતાં. પાર્વતીબેને વેચાણ કરેલી જમીનની જનરલ પાવર ઑફ એટર્ની ૧૧-૦૫-૨૦૦૭ના રોજ તેમના સૌથી મોટા ભાઈ ડાહ્યાલાલના પુત્ર બિપીનના નામે કરી આપી હતી. પેમેન્ટ થયાં બાદ પાવરદાર બિપીને કાકા મોહનલાલના નામે વેચાણ દસ્તાવેજ લખી આપ્યો હતો.
વેચાણ બાદ મોટી બેનની નોંધ રદ્દ કરવા અરજી
મોટી બહેન પાર્વતી પાસેથી ખરીદેલી જમીનની કાચી નોંધ પ્રમાણિત થાય તે પહેલાં પાર્વતીબેને નાયબ કલેક્ટરને અરજી કરેલી કે કાચી નોંધ રદ્દ કરવામાં આવે. કારણ કે, ૨૦૦૭માં ભત્રીજાના નામે જે પાવરનામું કરી આપેલું તે તેમણે ૧૧-૧૨-૨૦૧૦ના રોજ રદ્દ કરાવી નાખ્યું હતું. તે પાવરનામાનો દુરુપયોગ થયો છે. પાર્વતીબેનની વાંધા અરજીને માન્ય રાખી નાયબ કલેક્ટરે મોહનલાલની કાચી નોંધ રદ્દ કરી નાખી હતી.
ખાનગી એફએસએલ એક્સપર્ટની મદદ લેવાઈ
૧૩ લાખ રૂપિયા લીધાં બાદ મોટી બહેન આ રીતે ‘ફરી જશે’ તેવી મોહનલાલને કલ્પના નહોતી. તેમણે ભત્રીજા બિપીનને પૂછતાં તેણે જણાવ્યું હતું કે પાવરનામું રદ્દ થયા અંગે તેને ફોઈ તરફથી ક્યારેય કોઈ જાહેર નોટીસ મળી નથી. એટલું જ નહીં, પાવરનામું રદ્દ થયા અંગે ફોઈએ રજૂ કરેલાં દસ્તાવેજમાં તેના નામની સહી પણ બોગસ છે. મોહનલાલે પ્રાઈવેટ ફોરેન્સિક એક્સપર્ટની મદદથી પાવરનામું રદ્દ થયા અંગેના દસ્તાવેજમાં ભત્રીજાએ કરેલી સહી સાચી છે કે ખોટી તે તપાસ કરાવતાં સહી બોગસ હોવાનું સ્પષ્ટ થયું હતું.
મોટા ભાઈએ ૨૦૨૨માં ફોજદારી ફરિયાદ કરેલી
મોહનલાલે આ મામલે જરૂરી આધાર પૂરાવા સાથે અંજાર પોલીસ મથકે મોટી બહેન વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધવા ૦૧-૧૧-૨૦૨૧ના રોજ અરજી આપેલી. પોલીસે લાંબી તપાસ કર્યાં બાદ અંતે ૨૭-૦૩-૨૦૨૨ના રોજ પાર્વતીબેન સામે ઈપીકો કલમ ૪૦૬ અને ૪૨૦ (વિશ્વાસઘાત અને છેતરપિંડી) હેઠળ ગુનો નોંધેલો. જેમાં પાછળથી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ (દસ્તાવેજમાં ખોટી સહી, ચેડાં કરી તે સાચાં હોવાનું ગણાવી ગુનો કરવો)નો ઉમેરો કર્યો હતો. એ જ રીતે, નાયબ કલેક્ટરના હુકમને સચિવ સ્તરે પડકારેલો અને સચિવે વેચાણ નોંધ પ્રમાણિત કરવા હુકમ કર્યો હતો.
હાઈકૉર્ટે રીમાન્ડ બેક કર્યાં બાદ આગોતરા રદ્દ
ફોજદારી ફરિયાદ સામે પાર્વતીબેને અંજાર કૉર્ટમાં આગોતરા જામીન અરજી કરતાં કૉર્ટે ૧૭-૦૪-૨૦૨૩ના રોજ અરજી મંજૂર કરેલી. જેની સામે મોહનલાલે હાઈકૉર્ટના દ્વાર ખટખટાવતાં હાઈકૉર્ટે ૧૬-૦૧-૨૦૨૪ના રોજ કેસ ફેર સુનાવણી અર્થે રીમાન્ડ બૅક કર્યો હતો. જે સંદર્ભે અંજાર સેશન્સ કૉર્ટે ફેર સુનાવણી હાથ ધરીને તાજેતરમાં ત્રીજા અધિક સેશન્સ કે.કે. શુક્લએ પાર્વતીબેનની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છે.
જાણો, બંને પક્ષના વકીલોની દલીલો
બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે પોલીસે ખાનગી ફોરેન્સિક એક્સપર્ટના અભિપ્રાયના આધારે સહી બોગસ હોવાનું માનીને પાર્વતીબેન સામે ખોટી ફરિયાદ દાખલ કરી છે, આરોપી ૬૮ વર્ષના વૃધ્ધ મહિલા છે, ધરપકડ કરી કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાની કશી જરૂર નથી. ફરિયાદ રદ્દ કરવા હાઈકૉર્ટમાં ક્વૅશિંગ પીટીશન દાખલ કરેલી છે. સામા પક્ષે સરકારી વકીલ આશિષ પંડ્યાએ દલીલ કરી હતી કે આરોપી પાર્વતીબેન ફરિયાદીની સગી મોટી બેન છે તેથી ખોટી ફરિયાદમાં ફસાવી દેવાનું કોઈ કારણ નથી. એફઆઈઆર આરોપીના નામજોગ થયેલી છે. પ્રથમદ્રષ્ટિએ જ ઠગાઈનો હેતુ હોવાનું સ્પષ્ટ થાય છે. આરોપીએ જમીન વેચાણ પેટે મેળવેલી રકમ પણ પરત કરી નથી. કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂર છે કે નહીં તે તપાસકર્તા અમલદારે નક્કી કરવાનું છે. ક્વૅશિંગ પીટીશનની સુનાવણી પડતર છે, હાઈકૉર્ટે તેમાં કોઈ હુકમ કર્યો નથી.
Share it on
|