|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના કોટડા (ચકાર) ગામના સીમાડે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ધાણી પાસાની જુગાર ક્લબ પર પાડેલા દરોડામાં સંચાલિકા તરીકે જેનું નામ ખૂલેલું તે સલમા સુલેમાન ગંઢને ભુજ સેશન્સ કૉર્ટે ઝટકો આપ્યો છે. અંજારના સિનુગ્રા ગામની ઉપ સરપંચ સલમા સુલેમાન ગંઢ (ઉ.વ. ૫૨, રહે. લીલાશાનગર, પાણીની ટાંકી પાસે, ગાંધીધામ)એ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ગત ચોથી ઓક્ટોબરની સાંજે એસએમસીએ દરોડો પાડીને ૪.૬૩ લાખ રોકડાં, ૮ કાર અને ૬ દ્વિચક્રી વાહનો, ૧૫ મોબાઈલ ફોન સહિત ૫૩.૫૧ લાખની કિંમતના મુદ્દામાલ સાથે ૧૨ ખેલીઓને પકડેલાં. દરોડા પૂર્વે સલમા અને તેના અન્ય બે પાર્ટનર રેહાનો લિસ્ટેડ બૂટલેગર ગુલાબ ખેતુભાઈ જાડેજા અને કોટડા (ચ)નો પપ્પુ જાડેજા સહિત અન્ય કેટલાંક ખેલીઓ નાસી છૂટેલાં.
મહિલાને શોભે નહીં તેવા કામ કરે છેઃ વકીલ
સલમાના વકીલે કૉર્ટમાં વિવિધ મુદ્દે રજૂઆત કરીને જણાવેલું કે તે સમાજમાં સારી નામના ધરાવે છે, અટક થાય તો સમાજમાં બદનામી થાય તેમ છે. સરકારી વકીલ ડી.જે. ઠક્કરે અરજી ફગાવી દેવા રજૂઆત કરતાં જણાવેલું કે સલમાનું નામ આવા જ બે કેસમાં અગાઉ અંજાર પોલીસના ચોપડે ચીતરાયેલું છે.
એ જ રીતે, પોતાના કર્મચારીને મરવા માટે મજબૂર કરવાના તથા આર્મ્સ એક્ટના અન્ય બે ગુનામાં પણ ગાંધીધામ પોલીસના ચોપડે ચઢી ચૂકેલી છે.
ગુનો નોંધાયો ત્યારથી પોલીસથી નાસતી રહીને તપાસમાં સહકાર આપતી નથી.
સલમા જુગાર રમાડવાનું કામ કરે છે જે કોઈ મહિલાને શોભે નહીં. આગોતરા અપાય તો પુરાવા સાથે ચેડાં કરી શકે છે.
સેશન્સ જજ દિલીપ મહિડાએ પણ ઉપલબ્ધ રેકર્ડ અને બંને પક્ષની દલીલો સાંભળી અરજી ફગાવતાં જણાવ્યું કે આ ગુનામાં તે સૂત્રધાર જણાય છે, પ્રથમથી જ એફઆઈઆરમાં તેનું નામ છે, ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
Share it on
|