|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ભાગોળે મુંદરા જતા રોડ પર આવેલા જલારામનગરમાં એક રહેણાક મકાનની પછવાડે આવેલી જગ્યામાં મધરાતે કોઈ વ્યક્તિ નવજાત બાળકીને ત્યજીને જતી રહેતાં પોલીસ ચાર દિવસથી માથું ખંજવાળી રહી છે. પોલીસે તપાસના ઘોડા ચોમેર દોડાવ્યાં છે પરંતુ નક્કર કડી મળતી નથી. આ બનાવમાં કોઈ જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જલારામનગરમાં રહેતા ૪૦ વર્ષિય અનિલ નવલસિંહ મેડા (ભીલ) મૂળ દાહોદના વતની છે, ભુજમાં તે ઈલેક્ટ્રિકલ ચીજવસ્તુના રીપેરીંગનું કામ કરે છે અને છેલ્લાં ૧૮ વર્ષથી સ્થાયી થયેલાં છે. અનિલભાઈને સંતાનમાં પાંચ દીકરીઓ છે. જલારામનગરમાં બે માળના મકાનમાં રહે છે.
૨૪મીની રાતે ઘરની પછવાડે નવજાત બાળકી રડતી હતી
૨૪ ઓક્ટોબરની રાતે સાડા ચાર વાગ્યે તેમની સૌથી મોટી ૧૭ વર્ષની દીકરી હાથમાં નવજાત બાળકીને લઈ ઉપરના રૂમમાં આવેલી અને માતા પિતાને જગાડીને જણાવેલું કે આ બાળકી નીચે બેડરૂમ પાછળ આવેલી દિવાલબંધ જગ્યા નીચે કોઈ મૂકી ગયું છે.
બાળકીના રડવાનો અવાજ સાંભળીને મોટી દીકરી જાગી ગયેલી. તેને તેડીને લઈ માતા પિતા પાસે લઈ આવેલી.
નવજાત બાળકીને પોતાના ઘરની પછવાડે કોણ મૂકી ગયું હશે તે વિચારમાં આખો પરિવાર પડી ગયેલો. તત્કાળ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવેલી. પોલીસ સાથે અનિલભાઈ બાળકીને લઈ જી.કે. જનરલ હોસ્પિટલ પહોંચેલાં. બાળકી હાલ હોસ્પિટલમાં દાખલ છે અને એકદમ સ્વસ્થ છે.
તપાસમાં પોલીસ બરાબરની ગોથે ચઢી છે
અનિલભાઈની કેફિયતના આધારે ભુજ બી ડિવિઝન પોલીસે અજાણી વ્યક્તિ વિરુધ્ધ નવજાત શિશુને ત્યજી દેવા બદલ અને ગેરકાયદે ગૃહપ્રવેશ બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસમાં પોલીસ જબરી ગોથે ચઢી છે. કારણ કે સોસાયટી અને આસપાસના વિસ્તારમાંથી જે સીસીટીવી ફૂટેજ કબજે કરી ચેક કર્યાં તેમાં કોઈ જ પ્રકારની ગતિવિધિ નજરે ચઢી નથી.
બાળકી એક કે બે દિવસ અગાઉ જન્મેલી છે અને તેની ગર્ભનાળ આડેધડ રીતે કપાયેલી છે.
તબીબો અને જાણકારોની પૂછપરછના અંતે પોલીસ એ તારણ પર આવી છે કે સંભવતઃ કોઈ દાયણ પાસે ઘરમાં જ પ્રસૂતાની ડિલિવરી કરાઈ હશે.
૬ ફૂટની દિવાલ કૂદી આ જ ઘરમાં કોણ બાળકી મૂકી ગયું?
સોસાયટીમાં આ મકાન છેવાડે આવેલું છે. મકાનની પછવાડે બાળકી ત્યજી દેવાયેલી તેની દિવાલ છ ફૂટ ઊંચી છે. અર્થાત્, એકથી વધુ વ્યક્તિ સામેલ હોવાની આશંકા છે. સીસીટીવી કેમેરામાં કોઈ હિલચાલ કેદ ના થાય તેવી કાળજી રાખીને આ રીતે ૬ ફૂટની દિવાલ કૂદીને ચોક્કસ આ જ ઘરમાં કોણ નવજાત બાળકી મૂકી ગયું તે મુદ્દે પોલીસ માથું ખંજવાળી રહી છે.
પોલીસે આ વિસ્તારમાં સગર્ભા માતાઓની સંભાળ લેતી આશા વર્કર બહેનોની મદદ મેળવવાનું નક્કી કર્યું છે. તો, અનિલભાઈના પરિચિત હોય તેવા દાહોદ બાજુના શ્રમિક લોકોની વિગતો પણ મેળવી છે.
પોલીસે મોબાઈલ ફોન એક્ટિવ હશે તેમ માનીને ટાવર ડમ્પ મેળવવા પણ તજવીજ હાથ ધરી છે. પીઆઈ એસ.એમ. રાણાના માર્ગદર્શનમાં પીએસઆઈ કે.એચ. આહીર તપાસ કરી રહ્યાં છે.
Share it on
|