|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અદાણી ગૃપ સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ આજે વિશ્વ સ્ટ્રોક દિવસ નિમિત્તે લાલબત્તી આગળ ધરી છે. એક જમાનામાં બ્રેઇન સ્ટ્રોક વડીલોની સમસ્યા ગણાતો હતો. જો કે, આજે બિન આરોગ્યપ્રદ ખાણીપીણી, સતત ટેન્શન અને અસંયમિત લાઈફ સ્ટાઈલના યુવાનોમાં પણ સ્ટ્રોકનું જોખમ વધ્યું છે. ગેઈમ્સના મેડિસિન વિભાગના ડૉ. દેવિકા ભાટે સ્ટ્રોક, તેના લક્ષણો અને બચાવના ઉપાય અંગે જણાવ્યું કે સ્ટ્રોક એ મગજની ગંભીર બીમારી છે બ્રેઈન સ્ટ્રોકના આ લક્ષણો જાણી લો
સ્ટ્રોક ત્યારે આવે છે જ્યારે મગજના એક ભાગમાં રક્તનો પ્રવાહ પહોંચતો નથી. પરિણામે, ઓક્સિજન પણ પહોંચી શકતું નથી જેથી પેરાલિસીસ અર્થાત્ લકવો થાય છે. સ્ટ્રોકને કારણે બોલવાની સમસ્યા સર્જાય છે. ચહેરાનો અડધો ભાગ પણ તેનાથી પ્રભાવિત થાય છે. એક હાથ સુન્ન થઈ જાય છે. એટલું જ નહીં, સ્ટ્રોક ક્યારેક જીવલેણ પણ બની શકે છે. માથામાં તીવ્ર દુઃખાવો, અચાનક દ્રષ્ટિ ધૂંધળી થાય, ચક્કર આવે, શરીરનું સંતુલન ના રહે વગેરે જેવા લક્ષણો જણાય તો વિનાવિલંબે હોસ્પિટલભેગાં થવું હિતાવહ છે.
સીનિઅર તબીબોની આ સોનેરી સલાહ ગાંઠે બાંધી લ્યો
જી.કે. જનરલના મેડિસિન વિભાગના સીનિઅર તબીબ ડૉ. કશ્યપ બુચ અને ડૉ. યેશા ચૌહાણે આપેલી માહિતી મુજબ આ જોખમ જીવનશૈલીની જેમ આનુવંશિક પણ હોય છે. પારિવારિક ઇતિહાસ અને આનુવંશિક લક્ષણો બદલી નથી શકાતા. પરંતુ સ્ટ્રોકને નિમંત્રણ આપતી કેટલીક બાબતો વ્યક્તિના નિયંત્રણમાં હોય છે. હાઈ બી.પી., ડાયાબિટીસ, વધુ કોલેસ્ટેરોલ, સ્મોકિંગ, આલ્કોહોલ, મેદસ્વિતા પણ સ્ટ્રોક માટે જવાબદાર હોય છે. નિયમિત તપાસ, સારવાર કરાવી તેને નિયંત્રિત કરી શકાય છે.
બ્રેઈન સ્ટ્રોકથી બચવું શકય છે
સમયસરની જાગૃતિ અને ઉપચાર એ જ સ્ટ્રોકથી બચવાનો ઉપચાર છે. એક સંશોધન અનુસાર ૭૫ ટકા લોકોને આ રીતે બ્રેઈન સ્ટ્રોકથી બચાવી શકાય છે. નિયમિત તપાસ અને જરૂર જણાય તો નિયમિત દવા લેવી. સંતુલિત આહાર જેમકે ફળ, શાકભાજી, આખું અનાજ લેવું. ખાંડ, નમક અને તળેલાં ખોરાકથી દૂર રહેવું. નિયમિત વ્યાયામ, ધુમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું. વજન નિયંત્રણમાં રાખવું. ટેન્શનથી દૂર રહેવું અને નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવવી. હ્રદય સંબંધી રોગના લક્ષણો ઓળખી જો તેને નિયંત્રણમાં રાખી શકાય તો દર્દીને બ્રેઇન સ્ટ્રોકથી બચાવી શકાય છે.
Share it on
|