|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ ગુજરાત સહિત દેશભરમાં ઊંચા વ્યાજ અથવા નાણાં ડબલ કરવાની લાલચ આપીને અનેક રોકાણકારોના કરોડો રૂપિયા હજમ કરી જનારી અમદાવાદની યુનિક કંપની સામે અંજારમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કંપનીના એમડી, ચેરમેન, જનરલ મેનેજર સહિત પાંચ લોકો સામે ૮૬ જેટલાં રોકાણકારો પાસેથી ૧ કરોડ ૫૩ લાખ રૂપિયા મેળવીને પાકતી મુદ્દતે વ્યાજ સહિત પરત આપવાની થતી રૂપિયા નહીં આપીને વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. વાર્ષિક ૯.૭૫ ટકા વ્યાજ સાથે ફોરેન ટૂરની લાલચ
અંજારની જયહિન્દ સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષિય સંજય રમેશચંદ્ર મડિયારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઑગસ્ટ ૨૦૧૩માં તેમને કંપનીનો ભુજનો એજન્ટ રાજુભાઈ ઠક્કર અને અંજારનો એજન્ટ દિલીપ કોડરાણી મળવા આવેલાં. બેઉ જણે પોતે યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ અને યુનિક મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડના કચ્છ રીજનના સિનિયર લીડર તરીકે ઓળખ આપીને કંપનીના એજન્ટ બનવા જણાવેલું. રોકાણકારોને પાકતી મુદ્દતે વાર્ષિક ૯.૭૫ ટકા વ્યાજ મળવાની લાલચ આપેલી અને એજન્ટ તથા ઈન્વેસ્ટરોને વિદેશ ટૂરની પણ લાલચ આપેલી.
પાકતી મુદ્દતે કોઈને કાણી પાઈ પણ ના મળી
બેઉના ભરોસે ફરિયાદીએ ૮૬ રોકાણકારો પાસેથી ૧.૫૩ કરોડથી વધુ રૂપિયા ફિક્સ ડિપોઝીટ પેટે મેળવીને કંપનીમાં જમા કરાવેલાં. જો કે, પાકતી મુદ્દતે રોકાણકારોને રૂપિયા પરત મળ્યાં નહોતા. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ફરિયાદી અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી કંપનીની ઑફિસમાં ધક્કા ખાતાં હતા. કંપનીના સંચાલકો ટૂંક સમયમાં રૂપિયા પરત મળી જવાના વાયદા કરતા હતા પરંતુ આજ દિન સુધી કોઈ રોકાણકારને કાણી પાઈ પરત મળી નથી.
ભુજ ગાંધીધામમાં અગાઉ ફરિયાદો થયેલી છે
અંજાર પોલીસે કંપનીના ચેરમેન રાજકુમાર કૈલાસ રાય, એમડી રાહુલ રાજકુમાર રાય, ઉત્કર્ષ રાજકુમાર રાય, ઉષા રાજકુમાર રાય અને જનરલ મેનેજર હસમુખ ડોડિયા સામે ગુજરાત પ્રોટેક્શન ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝીટર્સ એક્ટ ૨૦૦૩ની કલમ ૩ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬ (૨), ૩૧૮ (૩) અને (૪), ૫૪ની કલમો તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અગાઉ આ કંપની સામે ભુજ અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં આ જ પ્રકારની ફરિયાદો નોંધાયેલી છે. જેમાં એમડી ઉત્કર્ષ રાય અને જીએમ હસમુખ ડોડિયાની ધરપકડ થયેલી.
બેઉ હાલ પાલારા જેલની હવા ખાઈ રહ્યાં છે. અંજાર પીઆઈ એ.આર. ગોહિલે જણાવ્યું કે ફરિયાદ સંદર્ભે બેઉ આરોપીઓનો જેલમાંથી કબજો લઈ પૂછપરછ કરાશે.
અમદાવાદની કચેરીએ અગાઉ ભારે હોબાળો થયેલો
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ કંપની સામે અગાઉ જામનગર, મહેસાણા, અમદાવાદ, હૈદ્રાબાદ સહિતના સ્થળોએ છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. અમારી કંપની ૧૧ હોટેલ ધરાવે છે અને વિવિધ વિસ્તારોમાં પ્લોટીંગની સ્કિમ ધરાવે છે તેમ જણાવી કંપની રોકાણકારોને બાટલીમાં ઉતારતી હતી. કોરોનાના લીધે નાણાંભીડ હોવાનું બહાનું આગળ ધરીને કંપની રોકાણકારોને રૂપિયા આપવામાં હાથ અધ્ધર કરી વાયદાબાજી કરતી રહી છે. દસેક માસ અગાઉ અમદાવાદ આશ્રમ રોડ પર આવેલી કંપનીની ઑફિસમાં જામનગરના રોકાણકારોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો.
Share it on
|