વા વાયો ને નળિયું ખસ્યું… ભુજમાં ઉડતી દેખાયેલી એ ભેદી ચીજ સિરિઝવાળા ફુગ્ગાં હતા!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું; કોઈ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોરબકોર... મધ્યકાલિન કવિ અખા ભગત (અખા)ની એક ખૂબ જાણીતી કટાક્ષમય કવિતા છે, જે કાલે ભુજમાં યથાર્થ પૂરવાર થઈ.
Video :
ભુજમાં ગત રાત્રે પોણા દસના અરસામાં આકાશમાં નીચી સપાટીએ કેટલાંક વિસ્તારમાં પચાસથી વધુ ડ્રોન જેવા ચળકતાં પદાર્થ અંધારામાં એકસાથે ઉડતાં જોવા મળતાં લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.
ટીવી પર ઈરાન અને અમેરિકા ઈઝરાયેલના યુધ્ધ અંતર્ગત ડ્રોન એટેક અને મિસાઈલ્સ મારાના દ્રશ્યો જોઈને અમુકને ડર પણ લાગ્યો હતો.
ભુજના ખગોળવિદ્દ નરેન્દ્ર ગોર સહિતના ઘણાં જાણકાર લોકોએ આટલી નીચી ઊંચાઈએ ‘સ્ટાર લિન્ક’ના સેટેલાઈટ્સની આવી ચમકતી હારમાળા જોવા ના મળે તેમ જણાવીને અજાણતા દર્શાવતાં લોકોનું કૌતુક વધુ ઘેરું બન્યું હતું. સરહદી કચ્છમાં ડ્રોન ઉડાડવા પર શરતી પ્રતિબંધ છે.
વાયરલ વીડિયોના આધારે પોલીસ તપાસમાં પરોવાઈ હતી. સંરક્ષણ દળો પણ સાબદા થયાં હતા. તેમના રડારમાં આ ભેદી પદાર્થ ડિટેક્ટ ના થતાં સહુ કોઈ ગૂંચવાયાં હતાં.
ભુજ બી ડિવિઝનના પીઆઈ ડી.ડી. શિમ્પી અને સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ એ.ડી. પરમાર સહિતનો પોલીસ સ્ટાફ રાતે આંખમાં સૂરમો આંજીને ભેદી પદાર્થની ઝીણવટભરી તપાસ કરી રહ્યો હતો ત્યાં હકીકતનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રને હાશ થઈ હતી.
લગ્ન પ્રસંગે લાઈટીંગ સિરિઝ સાથે ફુગ્ગાં ઊડાડાયેલાં
હકીકત એ હતી કે ભુજના દરબાર ગઢમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં સેલિબ્રેશન અંતર્ગત હિલિયમ ભરેલાં પારદર્શક બલૂન (ફુગ્ગા) ઉડાડવામાં આવ્યાં હતા. એટલું જ નહીં આ ફુગ્ગાઓ જોડે થોડીક મિનિટો માટે ચમકે તેવી લાઈટીંગની સિરિઝ જોડવામાં આવી હતી. પોલીસે આજે લગ્નના આયોજક અને ફુગ્ગાઓ વેચતાં દુકાનદારોને બોલાવીને બનાવની વિગતોની ખરાઈ કરી તેનો વીડિયો મેળવ્યો હતો. કચ્છ એક સરહદી જિલ્લો હોઈ જાણે અજાણ્યે આવી હરકતથી લોકોમાં કુતૂહલ અને ગભરાટ ફેલાઈ શકે છે તેવી સમજાવટ કરતાં વેપારીઓએ હવે પછી આવા ફુગ્ગાઓનું વેચાણ નહીં કરવાનું નક્કી કર્યું હતું.