કચ્છખબરડૉટકોમ, અંજારઃ ભુજ તાલુકાના ધાણેટી ગામના ૨૦ વર્ષિય યુવકનો ભેદી સંજોગોમાં અંજારના મેઘપર બોરીચી નજીક જીનસ કંપની પાછળ લાકડાના બેન્સો નજીક કાચાં રસ્તા પરથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આજે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં અંજાર પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. મરણ જનાર નવીન સાજણભાઈ રબારીના આકસ્મિક મૃત્યુની નોંધ પાડીને પોલીસે મૃતદેહને ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપ્યો છે. સ્થળ પર દોડી આવેલા નવીનના પરિવારજનોએ તેની હત્યાની આશંકા દર્શાવી છે.
નવીનની મોટર સાયકલ ગાયબ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નવીન અપરિણીત હતો અને ટ્રક ડ્રાઈવીંગનું કામ કરતો હતો. પિતરાઈ ભાઈને જામનગર જવું હોઈ વાહન પકડવા માટે ગત રાત્રે ૧૧ વાગ્યે તે મોટર સાયકલ લઈને પિતરાઈને નજીકના બસ સ્ટેન્ડ કે ચોકડી પાસે ઉતારવા ગયો હતો. ત્યારબાદ આજે સવારે અચાનક તેનો મૃતદેહ મેઘપર બોરીચી પાસે મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેની મોટર સાયકલ ગૂમ છે. હાથમાં સામાન્ય ઉઝરડાં સિવાય અન્ય કોઈ ઈન્જરી માર્ક જોવા મળ્યાં નથી. મૃત્યુનું સચોટ કારણ જાણવા ડેડ બૉડીને ઑટોપ્સી માટે જામનગર મોકલાઈ છે. પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલ, પીએસઆઈ બી.એસ. ચૌહાણે ઘટના અંગે ગહન તપાસ હાથ ધરી છે.
Share it on
|