|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૩૦.૯૪ લાખની નાણાંકીય ઉચાપત કરવાના ગુનામાં છેલ્લાં સાડા છ માસથી નાસતા ફરતા આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. ભુજના પધ્ધર ગામે કિરણનગરમાં રહેતા ભરત બકોત્રા વિરુધ્ધ ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયાની બ્રાન્ચના ૨૦ ખેડૂત ખાતેદારોની જાણ બહાર નાણાંની હેરફેર કરી ઉચાપત કર્યાનો આરોપ છે. ૯મી જૂલાઈ ૨૦૨૫ના રોજ સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયાના રીજનલ હેડ ડી.આર. અગ્રવાલે બેન્કના એગ્રિકલ્ચર ફાઈનાન્સ ઑફિસર અક્ષય રીઠે અને હંગામી કર્મચારી ભરત બાબુભાઈ બકોત્રા વિરુધ્ધ ૩૦.૯૪ લાખની ઠગાઈ, નાણાંકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.
અક્ષયે ૨૦ ખેડૂત ખાતેદારોની સહમતિ મેળવ્યાં વગર અને બેન્કના નિયમો પ્રમાણે પ્રોસિઝર કર્યા વગર ખાતેદારોના ખાતામાં ૭૪ લાખનું અનધિકૃત રીતે ટ્રાન્ઝેક્શન કરેલું. બેન્કના ઑડિટમાં આ બાબતનો ખુલાસો થયેલો અને બેન્કે ૪૧ લાખ રૂપિયા રીકવર કરેલાં. અક્ષયે ભરતના ખાતામાં જમા કરાવેલા ૩૦.૯૪ લાખ રૂપિયા રીકવર થયાં નહોતા.
બેઉ જણે મેળાપીપણું રચીને આ નાણાં હજમ કર્યાં હોવાનો બેન્કે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે ભરતના ખાતામાં હજુ ૧૨.૨૪ લાખ રૂપિયા પડેલાં છે. ફરિયાદ નોંધાયા બાદ ભરત પોલીસ તપાસથી નાસતો ફરે છે. સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ ભરતની અરજી ફગાવતાં જણાવ્યું કે બેન્ક સ્ટેટમેન્ટ પરથી આરોપીની ગુનામાં સંડોવણી હોવાનું પ્રથમદર્શનીય રીતે તરી આવે છે. ગુનો ગંભીર છે અને આરોપીનું કસ્ટોડિયલ ઈન્ટરોગેશન જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં અગાઉ અક્ષયની ધરપકડ થઈ ચૂકેલી છે.
Share it on
|