|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ સંગઠિત ટોળકી બનાવીને મિલકતવિરોધી તથા શરીરવિરોધી ગુનાઓ આચરતી ગેંગોના આતંકને કાબૂમાં લેવા માટે રચાયેલાં વિશેષ ગુજસીટોક એક્ટ તળે અંજારના વધુ ત્રણ અસામાજિક તત્વો અંદર થયાં છે. વધુ ત્રણ જણને ગુજસીટોકમાં ફીટ કરીને કચ્છ બોર્ડર રેન્જના ચાર જિલ્લામાં પૂર્વ કચ્છ પોલીસ દળ અને તેમાંય અંજાર પોલીસ સ્ટેશન સૌથી મોખરે રહ્યાં છે. અંજારમાં ગુજસીટોકના ગુનામાં વધુ એક ત્રિપુટી ફીટ
અંજારમાં લાંબા સમયથી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડીકેટ બનાવીને ગુંડાગર્દી આચરી રહેલા ખુશાલ રમેશગર ગોસ્વામી (ઉ.વ. ૩૨, રહે. લખુ બાપાનગર, મેઘપર બોરીચી મૂળ રહે. ગણેશનગર, ભુજ), દેવાંગ દિલીપભાઈ ચાવડા (ઉ.વ. ૨૭, જન્મોત્રી સોસાયટી, અંજાર) અને કિશોર ઊર્ફે રામ નાનુગર બાવા (ગુંસાઈ) (ઉ.વ. ૨૧, વિજયનગર, અંજાર)ને ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ ફીટ કરી દીધાં છે.
૧૨ દિવસ અગાઉ આચરેલો ગુનો ભારે પડ્યો
ગત ૧૮મી જાન્યુઆરીની રાત્રે આ ટોળકીએ મેઘપર બોરીચી પાસે બે બાઈક પર પસાર થઈ રહેલાં બે સગાં ભાઈ સહિત ત્રણ યુવકો પર છરી ધોકાથી હુમલો કરી બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચાડી તેમની પાસે રહેલા મોબાઈલ ફોન અને બાઈકની લૂંટ ચલાવેલી. જેના પગલે આ ગેંગને જેર કરવા અંજાર પોલીસે નિર્ધાર કર્યો હતો. ખુશાલ ગોસ્વામી વિરુધ્ધ વિવિધ સાત ગંભીર ગુના નોંધાયેલાં છે, દેવાંગ ચાવડા સામે ચાર અને કિશોર બાવા સામે ત્રણ ગુના નોંધાયેલાં છે.
રેન્જમાં ગુજસીટોકના કેસમાં પૂર્વ કચ્છ અને અંજાર પો.સ્ટે. મોખરે
કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ હેઠળ આવતાં ચાર જિલ્લા પૈકી ગુજસીટોક હેઠળ સર્વાધિક ૬ ગુના નોંધીને પૂર્વ કચ્છ પોલીસ દળ સૌથી મોખરે બની રહ્યું છે. અન્ય ત્રણ જિલ્લામાં ગુજસીટોક એક્ટ તળે એક એક ગુના નોંધાયેલાં છે. પૂર્વ કચ્છમાં પણ ગુજસીટોકના ત્રણ ગુના સાથે અંજાર પોલીસ સ્ટેશન સૌથી અગ્રેસર બની રહ્યું છે.
આ અગાઉ અંજાર પોલીસે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી આચરતાં ગોસ્વામી બહેનો-ભાઈ સહિત ત્રણ લોકો પર તથા વસંત કોલી, શબ્બિર ઊર્ફે સબલો બાયડ અને ફિરોઝ રમજુ લંઘાને ગત વર્ષે ગુજસીટોકમાં ફીટ કર્યાં હતા.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને સ્ટાફે ગેંગ બનાવીને વારંવાર ગંભીર ગુના આચરતાં ગુનાહિત તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
Share it on
|