|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ બેન્ટોનાઈટની પારકી લીઝમાં માટીનો પાળો બનાવવા પ્રયાસ કરી અન્ય લીઝધારકનો રસ્તો અવરોધવાના મામલે બે સગાં ભાઈ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે આઠ આરોપીની ધરપકડ કરી છે. ગત રવિવારે અબડાસાના મિંયાણી ગામે માટીના પાળા મામલે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હનીફ જાકબ બાવા પઢિયાર, તેના ભત્રીજા હાફિઝ કાસમ પઢિયાર (પડેયાર) તથા અન્ય સાગરીતો મળી ૨૧ લોકોએ અલ્તાફ મામદ હિંગોરા અને તેના ભાઈ જાવેદ પર ગાડીઓમાં આવી ધોકા પાઈપોથી ઘાતક હુમલો કરેલો.
કોઠારા પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરેલો. સામા પક્ષે પણ દસ લોકો સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવેલી.
ફરિયાદ દાખલ થયાં બાદ આરોપી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. એલસીબી પીઆઈ એ.એમ. મકવાણાએ આરોપીઓને પકડવા વિવિધ ટીમો બનાવેલી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે આજે આઠ જણની બે કાર, ધોકા, પાઈપ વગેરે હથિયારો સાથે ધરપકડ કરી છે.
ઝડપાયેલાં લોકોમાં હનીફના ભત્રીજા હાફિઝ કાસમ પઢિયાર, ગફુર હુસેન પઢિયાર, અઝીમ જુસબ પઢીયાર, સલીમ આધમ પઢિયાર, જુસબ ઊર્ફે બુઢા મીઠું પઢિયાર, અલ્તાફ સુમાર ખલીફા, મંજૂરહુસેન જુમા હમીર પઢિયાર (રહે. તમામ નુંધાતૃ, અબડાસા) અને હમીદ જાનમામદ હિંગોરા (કોટડા રોહા, નખત્રાણા)નો સમાવેશ થાય છે.
ગુનાનો મહત્વનો આરોપી હનીફ જાકબ બાવા પઢીયાર હજુ ઝડપાયો નથી. પોલીસે જણાવ્યું કે હાફીઝ સામે અગાઉ ભુજમાં આર્મ્સ એક્ટ અને વન વિભાગના ચોપડે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમના બે ગુના નોંધાયેલાં છે.
Share it on
|