click here to go to advertiser's link
Visitors :  
26-Jan-2025, Sunday
Home -> Vishesh -> Why Bhuj Sessions Court Rejecets This Application with These Observations Read
Monday, 02-Sep-2024 - Bhuj 65279 views
ઘેટાં-બકરાં મુક્ત કરવાના કૉર્ટના હુકમ સામે લાકડીયા પાંજરાપોળને કેમ ચૂંક ઉપડેલી?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ પક્ષપાતી હોવાના વાહિયાત આરોપના આધારે તેમની કૉર્ટમાં ચાલતો એક કેસ અન્ય કૉર્ટમાં તબદિલ કરવા લાકડીયા પાંજરાપોળ ટ્રસ્ટે કરેલી અરજીને ભુજના સેશન્સ જજે ફાલતું ગણાવી આકરા અવલોકન સાથે ફગાવી દીધી છે. કહેવાતી હિંદુત્વવાદી ભાજપ સરકારમાં હવે ઘેટાં-બકરાંનું પરિવહન થતું હોય તો પણ લોકોને કેવી રીતે હેરાન પરેશાન કરાય છે તેની ગંધ પણ આ કેસ પરથી આવી રહી છે.
૬ જૂને પોલીસે ૧૭૭ ઘેટાં બકરાં જપ્ત કરેલાં

૬ જૂનની રાત્રે સામખિયાળી પોલીસે કટારિયા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ટ્રકને અટકાવી તલાશી લેતાં તેમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વગર ઠાંસોઠાંસ ભરેલાં ૧૩૮ ઘેટાં સહિત કુલ ૧૭૭ ઘેટાં બકરાં જોવા મળ્યાં હતાં. રાધનપુરના રહેવાસી એવા ટ્રક ચાલક રહીમશા ફકીર અને તેની બાજુમાં બેઠેલાં કનૈયાબે ગામના અલીશા ઈબ્રાહીમશા શેખ પાસે ઘેટાં બકરાંના પરિવહન માટે કોઈ દાખલો કે આધાર પૂરાવા નહોતાં. જેથી પોલીસે ટ્રક સાથે ૧૭૭ ઘેટાં બકરાં જપ્ત કરી બેઉ વિરુધ્ધ પશુ અત્યાચાર નિવારણ ધારા હેઠળ ગુનો દાખલ કરેલો. જપ્ત કરેલાં ઘેટાં બકરાંને લાકડીયા પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં.

મેજિસ્ટ્રેટે ઘેટાં બકરાંનો કબજો સોંપવા હુકમ કરેલો

બનાવ બાદ આરોપીઓએ ભચાઉ જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં અરજી કરીને ૧૩-૦૬-૨૦૨૪ના રોજ મુદ્દામાલ મુક્ત કરાવી કબજો લેવાનો હુકમ મેળવ્યો હતો. આ બાબતની જાણ થતાં પાંજરાપોળ ટ્રસ્ટે ઘેટાં બકરાંની સોંપણી કરવાના હુકમ સામે ૧૮ જૂનના રોજ  સ્ટે મેળવવા અરજી કરતાં કૉર્ટે ૨૧-૦૬ સુધી હુકમ પર સ્ટે ફરમાવ્યો હતો. પોતાનો પક્ષ સાંભળ્યાં વગર મેજિસ્ટ્રેટે ઘેટાં બકરાંને મુક્ત કરવા એકતરફી હુકમ કરાયો હોવાના આધાર પર ૨૯ જૂનના રોજ પાંજરાપોળે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજની કૉર્ટમાં અરજી દાખલ કરેલી. સેશન્સ કૉર્ટે આ કેસને જ્યુ. મેજિસ્ટ્રેટને સમીક્ષા અર્થે ફરી પરત મોકલી (રીમાન્ડ બૅક) આપેલો. ત્યારબાદ પાંજરાપોળનો પક્ષ સાંભળીને જ્યુ. મેજિસ્ટ્રેટએ ૧૮ જૂલાઈના રોજ આરોપીઓની અરજી ગ્રાહ્ય રાખી મુદ્દામાલ મુક્ત કરવા હુકમ કરેલો.

સેશન્સ જજે સ્ટે ના આપતાં ભુજમાં અરજી કરી

ટ્રસ્ટે ૨૦ જૂલાઈના રોજ મેજિસ્ટ્રેટના હુકમ સામે ક્રિમિનલ રીવિઝન અરજી દાખલ કરી તેને ભચાઉના ત્રીજા સેશન્સ જજની કૉર્ટમાં ફરી પડકારીને તત્કાળ વચગાળાનો સ્ટે આપવા રજૂઆત કરેલી. સેશન્સ જજે સ્ટે ઓર્ડર અને રિવિઝન અરજી બંનેની એકસાથે સુનાવણી કરશું કહીને સ્ટે ફરમાવવાના બદલે ૨૬ જૂલાઈના રોજ કેસની સુનાવણી નિયત કરેલી. પાંજરાપોળ ટ્રસ્ટના મેનેજર જોગાભાઈ રબારીએ રજૂઆત કરી હતી કે જો સ્ટે ના મળે તો તેની અરજી નિરર્થક (infructuous) બની રહેશે. કૉર્ટે સ્ટે ના ફરમાવતાં પાંજરાપોળે સેશન્સ જજનો અભિગમ આરોપીઓની તરફેણમાં રહ્યો હોય તેમ સ્ટે અરજીની સુનાવણી ના કરી અને તેમનું વલણ પક્ષપાતી હોઈ આ જજની કૉર્ટમાં ન્યાય નહીં મળે તેવો આરોપ કરીને અન્ય કોઈપણ સક્ષમ કૉર્ટમાં કેસને તબદિલ કરવા ભુજમાં સેશન્સ જજને અરજી કરી હતી.

બચાવ પક્ષે કહ્યું કે આ પ્રેશર ટેક્ટિક્સ છે

બચાવ પક્ષે સેશન્સ કૉર્ટમાં રજૂઆત કરી હતી કે પાંજરાપોળની અરજી અરજી કોઈ જ યોગ્ય આધાર પૂરાવા વગરની બોગસ અને ફાલતું છે. આ પ્રેશર ટેક્ટિક્સ છે અને જો આવી અરજીઓને ધ્યાને લેવાય તો કોઈપણ ન્યાય અધિકારી મુક્ત રીતે કામ કરી નહીં શકે, પોતાના પર આરોપબાજી થવાના દબાણ હેઠળ જ સતત રહેશે અને કેસના ગુણદોષ (મેરિટ)ના આધારે નિર્ણય કરતાં અચકાશે. કૉર્ટે મુદ્દામાલ (ઘેટાં બકરાં) મુક્ત કરવા હુકમ કર્યો છે છતાં તેના ફળ હજુ મળ્યાં નથી, પોલીસે મુદ્દામાલ રીલીઝ કર્યો નથી.

સેશન્સ જજે પાંજરાપોળની ઝાટકણી કાઢી

ભુજના સેશન્સ જજ અંબરીષ લાલજીભાઈ વ્યાસે બંને પક્ષની રજૂઆતો અને રેકર્ડ જોઈને પાંજરાપોળની ઝાટકણી કાઢતાં કહ્યું કે ન્યાયીક અધિકારીઓ સામે કોઈ જ પૂરાવા વગર તેઓ પૂર્વગ્રહયુક્ત હોવાના આરોપ કરાયા છે, કૉર્ટ કાર્યવાહીમાં વિલંબ કરવાના હેતુથી કેસને અન્ય કૉર્ટમાં તબદિલ કરવા અરજી કરાઈ છે અને તેમાં અરજદાર ટ્રસ્ટ સફળ રહ્યું છે. પરંતુ આ પ્રકારની વર્તણૂકને કદી પ્રોત્સાહન ના આપી શકાય. કૉર્ટ પર પક્ષપાતી હોવાના કે તેના પર અવિશ્વાસ હોવાના આધારે કેસને અન્ય કૉર્ટમાં તબદિલ કરવાની આ અરજી ગંભીર છે, તેની સાથે યોગ્ય આધાર પૂરાવા રજૂ કરવા જોઈએ.

આવી અરજીઓને કદી પ્રોત્સાહન ના અપાય

અરજીને ફાલતું ગણાવી સેશન્સ જજે તેને કૉર્ટની પ્રક્રિયામાં વિલંબ કરવાના હેતુથી કરાઈ હોવાનું જણાવી કહ્યું કે જો આવી પ્રવૃત્તિને કૉર્ટ પ્રોત્સાહન આપશે તો શ્રધ્ધા અને વિશ્વાસ પર ટકેલી ન્યાય સંસ્થાના સંચાલનમાં અવરોધો સર્જાશે. આ અરજી ખીજ ઉત્પન્ન કરે તેવી (vexatious application) છે, કૉર્ટ આવી પ્રવૃત્તિને નાપસંદ કરે છે, કારણ કે તેને પ્રોત્સાહન અપાય તો અંતે તે ન્યાય અધિકારીઓના નૈતિક બળ (મોરલ)ને તોડી નાખશે.

Share it on
   

Recent News  
કચ્છ બોર્ડર રેન્જ IGP ચિરાગ કોરડીયાની મેડલ ફોર મેરિટોરીયસ સર્વિસ માટે પસંદગી
 
મુંદરામાં એકસાથે બે ઘરના તાળાં તોડીને ૧.૨૮ લાખ રૂપિયાની માલમતાની ચોરી
 
ભચાઉમાં દલિત યુવક પર નજીવી વાતે છરીથી હુમલો કરનાર યુવકને ૩ વર્ષની સખ્ત કેદ