click here to go to advertiser's link
Visitors :  
21-Feb-2024, Wednesday
Home -> Vishesh -> What is ECT in Mental health Read more about ECT and its benefits
Tuesday, 28-Nov-2023 - Bhuj 42700 views
માનસિક રોગીને માથામાં કરંટ આપતી ECT સારવારે ભુજની યુવતીને ફરી હસતી બોલતી કરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ આજના આધુનિક અને ગળાકાપ સ્પર્ધાના યુગમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાય તે જરૂરી છે. જો કે, માનસિક શબ્દ સાંભળીને જ લોકો ભડકે છે. સૌમ્ય માનસિક રોગથી પીડાતાં અનેક લોકો આપણી આસપાસ જ હોય તે શક્ય છે. યોગ્ય નિદાન અને ચિકિત્સાના અભાવે આવા લોકો કાયમ માટે અનટ્રીટેડ રહી જાય છે. ‘તેનો સ્વભાવ જ આવો છે, તેને તો કાયમ આવી જ ટેવ પડેલી છે’ કહીને લોકો ગંભીરતાથી લેતાં નથી. રોગની તીવ્રતા વધી જાય ત્યારે લોકો નછૂટકે દર્દીને હોસ્પિટલ લઈ જતાં હોય છે.

ગંભીર માનસિક રોગથી પીડાતી એક યુવતીને ભુજની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના તજજ્ઞ સાયકીયાટ્રીસ્ટે ઈસીટીની સારવાર થકી પહેલાંની જેમ હસતી-બોલતી કરી દીધી છે.

આ યુવતીને જ્યારે હોસ્પિટલમાં લવાઈ ત્યારે તે કોઈની સાથે બોલતી-ચાલતી નહોતી. ના ખાતી હતી કે ના ઊંઘતી હતી. બસ દિવસ-રાત સૂનમુન અને ઉદાસ રહેતી હતી. જો ઊભી હોય તો એક જ જગ્યાએ કલાકો સુધી ઊભી જ રહે. ઘણીવાર કારણ વગર ચોધાર આંસુએ રડવાનું શરૂ કરી દેતી.

મનોચિકિત્સક ડૉ. રિધ્ધિ ઠક્કરે જણાવ્યું કે યુવતી સીવીયર સાયકોસીસ (મનોવિકૃતિ)થી પીડાતી હતી. સાયકોસીસ એવો માનસિક રોગ છે જેમાં વ્યક્તિ વાસ્તવિક દુનિયાના બદલે કાલ્પનિક ભ્રમણામાં જીવવા માંડે છે. તે કાલ્પનિક દ્રશ્યો અને અવાજો જોઈ-સાંભળીને પ્રતિક્રિયા આપે છે. સાયકોસીસના અલગ અલગ તબક્કા છે.

હોસ્પિટલમાં ઇલેક્ટ્રો કન્વલ્ઝીવ થેરાપી (ECT)થી તેની સારવાર શરૂ કરવામાં આવી અને ECTના ત્રણ જ સેશનમાં યુવતી સાવ નોર્મલ થઈ પુનઃ હસતી-બોલતી થઈ ગઈ.

ECTની સારવારમાં દર્દીને મગજમાં નિયંત્રિત વીજ કરંટ આપવામાં આવે છે. સાયકીયાટ્રી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. મહેશ ટીલવાણીએ કચ્છખબરને જણાવ્યું કે વર્ષો અગાઉ ભારતમાં દર્દીઓને બેહોશ કર્યાં વગર ECTની સારવાર અપાતી હતી. પરંતુ, ૧૯૮૬થી મેન્ટલ હેલ્થકેર એક્ટ અંર્તગત દર્દીને ફરજિયાતપણે જનરલ એનેસ્થેસિયા આપ્યા બાદ જ ECTની સારવાર આપવામાં આવે છે.

એનેસ્થેસિયાની અસર તળે બેહોશાવસ્થામાં રહેલાં દર્દીના માથાની બે સાઈડ(Temporal Lobe)માં બે ઈલેક્ટ્રોડ લગાવાય છે અને તેમાંથી માંડ એકથી દોઢ સેકન્ડ પૂરતો ૧૦૦ વૉલ્ટનો ડાયરેક્ટ કરંટ (ડીસી કરંટ) અપાય છે. ECTની આ કોર પ્રોસિજર માંડ દસ-પંદર મિનિટની હોય છે.

ડૉ. મહેશ ટીલવાણી અને ડૉ. શિવમ્ ગાંધી કહે છે કે સિવિયર સાયકોસીસ, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા વગેરે જેવી તીવ્ર મનોરોગની અવસ્થામાં ECT જ રામબાણ ઈલાજ છે. તાત્કાલિક સારવાર માટે ECT જ એકમાત્ર વિકલ્પ છે.

ECTના લીધે દર્દીઓને લાંબા ગાળા સુધી લેવી પડતી દવા-ગોળીઓ અને તેની આડ-અસરથી છૂટકારો થાય છે. પ્રેગનન્સી દરમિયાન પણ ECT અપાય છે.

જો કે, બાળકો અને કિશોર વયના દર્દીઓને ECTની સારવાર અપાતી નથી. સામાન્યતઃ દર્દીઓને ના બે-ત્રણ સેશનમાં જ રાહત થઈ જતી હોય છે. અલબત્ત, સુધારો ના થયો હોય તેવા દર્દીઓને ક્યારેક ECTના છ સેશન સુધી સારવાર આપવી પડતી હોય છે. ખાનગી હોસ્પિટલોમાં એનેસ્થેસિયા સહિત ECTના એક સેશનનો ચાર્જ આઠથી દસ હજાર રૂપિયા વસૂલાય છે.

સામાન્ય જનતામાં ECTની સારવારને લઈ અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ઘણીવાર માનસિક રોગથી પીડિત સ્વજનથી ત્રાસેલાં સગાંઓ ડૉક્ટરોને તાત્કાલિક કરંટ આપવા આગ્રહ કરતાં હોય છે તો ઘણીવાર કરંટનું નામ સાંભળીને અનેક લોકો ફફડી જતાં હોય છે. ECT આપ્યાં બાદ ક્યારેક દર્દીને થોડીકવાર માટે માથાનો દુઃખાવો કે ઉલટી-ઉબકાં આવવા જેવી તકલીફ થાય છે. બાકી, ECTથી મગજને કોઈ નુકસાન થતું નથી કે પાછળથી કોઈ જ આડઅસર થતી નથી.

Share it on
   

Recent News  
રૂદ્રમાતા બ્રિજઃ તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ.. આ શું માંડીને બેઠાં છો?
 
ગાંધીધામ ઉદયનગર પોસ્ટ ઑફિસના પોસ્ટ માસ્ટરે ૨૦.૧૨ લાખની ઉચાપત કરી
 
પટેલ ચોવીસીમાં ખળભળાટઃ નૈરોબીમાં મિત્રની હત્યા કરી લાશ તેજાબમાં ઓગાળી દીધી