કચ્છખબરડૉટકોમ, ભુજઃ નકલી પ્રમાણપત્રના આધારે ભુજમાં હોસ્પિટલ ખોલીને લોકોને સારું વળતર મળવાની લાલચ આપીને કરોડોની ઠગાઈ કરનાર નકલી ડૉક્ટર બનનારા જૈનુલ કાજાણીની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. કૉર્ટે ગુનામાં પ્રથમદર્શનીય સંડોવણી જણાતી હોવાનું અવલોકન કરીને તપાસ હજુ નાજૂક તબક્કે ચાલી રહી હોવાનું કહી ૩૫ વર્ષિય કાજાણીની અરજી ફગાવી દીધી છે. ભુજના ઘનશ્યામનગરમાં જીમખાના સામે હોસ્પિટલની હાટડી ખોલનારા જૈનુલે પોતે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હોવાનો ભ્રમ ફેલાવીને અનેક લોકોને પાર્ટનરશીપના નામે ‘બાટલી’માં ઉતારી કરોડો રૂપિયા હજમ કર્યાં હોવાનો આરોપ છે.
ભુજના શિવાલિક ગૃપના અંકિત ગોસ્વામીએ જૈનુલ સામે સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે ૨૮ સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવેલી. જેના આધારે સીઆઈડીએ બીજા દિવસે તેની ભરુચમાંથી ધરપકડ કરેલી.
મૂળ ઉના નજીક દિવના રહેવાસી જૈનુલ સામે અગાઉ ભચાઉ પોલીસ મથકે ફ્રોડની ફરિયાદ નોંધાયેલી. તો કૉર્ટોમાં તેની સામે ચેબ બાઉન્સના અન્ય કેસો પણ પડતર છે.
કૉર્ટે જણાવ્યું કે રેકર્ડ પરથી જણાઈ આવે છે કે ગુનામાં મોટી રકમ હજમ કરાઈ હોવાનું અને આરોપીએ અનેક નિર્દોષ લોકોની કાળી કમાણી ખાઈ ગયો હોય તેમ જણાય છે. તેને જામીન પર છોડાય તો પુરાવા કે સાક્ષીઓ સાથે ચેડાં કરી શકે છે. આઠમા અધિક સેશન્સ જજ ટી.એન. ખંધડિયાએ અરજી ફગાવી દીધી છે. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ પ્રવિણ વાણિયા અને મૂળ ફરિયાદી વતી એડવોકેટ એસ.આર. રાઠોડ, સી.એસ. આચાર્ય, જીગર એમ. ગઢવી, રોહિત એમ. મહેશ્વરી હાજર રહ્યા હતા.
Share it on
|