કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં ફાયર સેફ્ટીની એનઓસી આપવાની અવેજમાં ૧.૮૦ લાખની લાંચ લેતા ૨૦૨૪માં ઝડપાયેલા ભુજના કુકમા ગામના અનિલ બેચર મારુએ લેડી કોન્સ્ટેબલની છેડતી કરી, એસિડ છાંટી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. લેડી કોન્સ્ટેબલે માધાપર પોલીસ મથકે અનિલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે અનિલ તેની સાથે સંબંધ રાખવા માગતો હતો. પોતે તેનો ઈન્કાર કર્યો હોઈ તેનું મનદુઃખ રાખીને અનિલે તેના પર હુમલો કર્યો હતો. ફિલ્મી ઢબે કાચ તોડી લેડી કોન્સ્ટેબલ પર એસિડ એટેક
શુક્રવારે લેડી કોન્સ્ટેબલ કારથી જતી હતી ત્યારે બપોરે બે વાગ્યે ભુજોડી બસ સ્ટેન્ડ નજીક સર્વિસ રોડ પર અનિલ ક્રેટા કારથી આવેલો. અનિલે તેની ક્રેટા કારને લેડી કોન્સ્ટેબલની ગાડી આગળ ઊભી રાખી આંતરેલી. બાદમાં ફિલ્મી ઢબે હાથ વડે મુક્કો મારીને કારનો કાચ તોડી નાખીને યુવતીનું ગળું દબાવી વાળ ખેંચ્યા હતા. અનિલના હુમલાથી ગભરાઈને યુવતી નાસવા જતા અનિલે તેની કારથી યુવતીની ગાડીને પાછળથી ટક્કર મારેલી. ત્યારબાદ, યુવતીનો હાથ પકડીને ગાડીમાંથી બહાર કાઢી શરીર પર હાથ ફેરવીને છેડતી કરીને એસિડ એટેક કરેલો.
બનાવ બાદ અનિલ પણ દવાખાનાભેગો થયો
બનાવ અંગે યુવતીએ અનિલ મારુ સામે વિવિધ ભારેખમ કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, ૩૮ વર્ષિય અનિલ પણ પોતાને ત્રણ જણે માથામાં માર માર્યો હોવાનું જણાવીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં લાંચ લેતા ઝડપાયાં બાદ અનિલ મારુ ભુજ નગરપાલિકામાં કેવી રીતે નીતિ નિયમોનો ભંગ કરીને નોકરી મેળવીને પ્રમોશન પામીને રીજનલ ફાયર ઑફિસર તરીકે રાજકોટ સુધી પહોંચ્યો હતો તેનો ‘કાચો ચિઠ્ઠો’ ખૂલ્યો હતો.
અનિલનો ભાઈ અમરત અને તેની સરપંચ ભાભી કંકુ પણ અગાઉ ૨૦૨૧માં આશાપુરા કંપની પાસેથી ચાર લાખની લાંચ લેતા ઝડપાયાં હતા.
Share it on
|