કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના બારોઈ રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીના બંધ રહેણાક મકાનનું તાળું તોડી ૨.૪૩ લાખના સોના ચાંદીના ઘરેણાં ચોરનારો ચોર ૨૪ દિવસે ઝડપાઈ ગયો છે. ઝડપાયેલો શખ્સ રીઢો ઘરફોડિયો હોવાનું જાણીને પોલીસ ચોંકી ઉઠી છે. નવરાત્રિના દિવસોમાં ગત ૨૫-૦૯-૨૦૨૫ના રોજ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને જ્યોતિષ કર્મકાંડનો વ્યવસાય કરતા મનીષ પંડ્યા સપરિવાર દેવદર્શન અર્થે ઘરને તાળાં મારી પરોઢે ચાર વાગ્યે સિધ્ધપુર જવા નીકળેલાં. સવારે નવ વાગ્યે બહેને ઘરના તાળાં તૂટેલાં હોવાનું અને ચોરી થઈ હોવાની જાણ કરી હતી. બનાવ અંગે મુંદરા પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરેલી.
સૂર્યોદય પૂર્વે એક શખ્સ હાથમાં થેલી લઈને પગપાળા જતો હોવાના સીસીટીવી ફૂટેજ જોવા મળેલાં. પરંતુ, શકમંદનો કોઈ અતોપત્તો મળતો નહોતો.
દિવાળીના પર્વ નિમિત્તે ટ્રાફિક પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભુખી નદીના પટમાં બેઠેલાં કેટલાંક શંકાસ્પદ શખ્સો નજરે ચઢેલાં. એએસઆઈ દિનેશ ભટ્ટી અને સ્ટાફ તેમને પકડીને પોલીસ સ્ટેશને લાવેલી.
જામનગરનો રીઢો ચોર આ રીતે પકડાયો
પૂછપરછ સમયે ૩૫ વર્ષના હનીફ ઊર્ફે હનફો હુસેન સના (વાઢેર)એ વટાણાં વેરી દેતાં કબૂલ્યું હતું કે તે જામનગરનો રીઢો ચોર છે. વિવેકાનંદ સોસાયટીના બંધ રહેણાકમાં તેણે જ ચોરી કરેલી. પોલીસે તેણે ચોરેલાં ૧.૭૫ લાખના ઘરેણાં રીકવર કર્યાં છે. તો, ઉન નિગમના ગ્રાઉન્ડમાં તેણે ફેંકી દીધેલાં ખાલી જ્વેલરી બોક્સ, આધાર કાર્ડ વગેરે શોધી કાઢ્યા છે. હાથમાં થેલી લઈને સામાન્ય માણસની જેમ ફરતો હનીફ જે ઘરને તાળાં માર્યાં હોય તેને નિશાન બનાવી ચોરી કરે છે. આ તેની મોડસ ઓપરેન્ડી છે.
વિવિધ પોલીસ મથકમાં ૩૪ ગુના નોંધાયેલાં છે
મુંદરા પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ઠુંમરે જણાવ્યું કે હનીફ જામનગરના બેડી બંદરનો રહેવાસી છે. તેની સામે જામનગર, દ્વારકા, પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ઘરફોડ ચોરીના ૩૪ ગુના નોંધાયેલાં છે. અત્યાર સુધીમાં ૧૧ વખત તે ચોરી કર્યાં બાદ પકડાઈ ગયેલો છે. પરંતુ, જામીન પર છૂટીને ફરી બીજે ક્યાંક હાથ મારે છે. જામનગરમાં જુદી જુદી કૉર્ટના ૯ પકડ વૉરન્ટમાં તે નાસતો ફરે છે. હનીફની સઘન પૂછપરછમાં ઘરફોડના અન્ય ગુનાઓ ડિટેક્ટ થવાની સંભાવના છે.
Share it on
|