કચ્છખબરડૉટકોમ, ભુજઃ ડ્રગ્ઝ સામે લડાઈ છેડવાના દાવા કરતી ગુજરાત સરકારના રાજમાં સરહદ પારના ડ્રગ્ઝ માફિયાઓ સાથે લિન્ક ધરાવતા ખૂંખાર આરોપીઓ બે ત્રણ વરસ બાદ કૉર્ટમાં જામીન અરજી કરે ત્યારે કેટલી નિષ્કાળજી રખાય છે તે જાણીને આપ ચોંકી ઉઠશો. ગુજરાત એટીએસએ ૩૦૦ કરોડના હેરોઈનકાંડમાં પકડેલાં એક ખૂંખાર આરોપીએ ભુજ કૉર્ટમાં એક માસ પૂરતા વચગાળાના જામીન માગતી અરજી કરી ત્યારે તેની અરજીનો વિરોધ કરવા માટે તપાસકર્તા અમલદાર કે સરકારી વકીલ જ હાજર નહોતા! તપાસકર્તા અમલદારે હેડ કોન્સ્ટેબલને એફિડેવિટ આપીને કૉર્ટમાં મોકલી દીધો હતો. જો કે, કૉર્ટે ગુનાની ગંભીરતાને અનુલક્ષીને આરોપીની અરજી ફગાવી દીધી હતી.
ATSએ ૮ પાકિસ્તાની સાથે ૩૦૦ કરોડનું હેરોઈન પકડેલું
૧૫-૦૪-૨૦૨૧ના રોજ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે જખૌ પાસેથી ૮ પાકિસ્તાની ડ્રગ્ઝ કૅરિયર સાથે ૩૦૦ કરોડના મૂલ્યનું ૩૦ કિલોગ્રામ હેરોઈન ભરેલી પાકિસ્તાની બોટ પકડી હતી. આ ગુનાની તપાસમાં બહાર આવ્યું હતું કે માંડવીના અરશદ અબ્દુલ રઝાક સોતા ઊર્ફે રાજુ દુબઈ, શાહિદ સુમરા નામના શખ્સ ડ્રગ્ઝની ડિલિવરી મેળવીને પંજાબના ફઝિલ્કાના પુનિત ભીમસેન કાજલા (ઉ.વ. ૩૧, રહે. હાલ. હનુમાન ગઢ, રાજસ્થાન) અને તેના અન્ય બે સાગરીતો મનજીતસિંઘ બુટાસિંઘ અને રેશનસિંઘ કરસનસિંઘને પંજાબમાં પહોંચતો કરવાનો હતો. ૨૦૨૩ના કરોડોના અન્ય એક ડ્રગ્ઝ કેસમાં પણ પુનિત કાજલાની સંડોવણી બહાર આવતા એટીએસએ વધુ એક ગુનો દાખલ કરેલો.
ATSના બે ગંભીર ગુનાનો આરોપી છે કાજલા
આ ગુનામાં પાલારા જેલમાં કેદ પુનિત કાજલાએ પોતે લાંબા સમયથી જેલમાં છે, પિતાની તબિયત સારી રહેતી ના હોઈ તેમની સારવાર કરાવવા માટે પોતાની હાજરીની જરૂર છે, ગુનાની તપાસ પૂરી થઈ ગઈ છે તે કારણો સાથે પોતાને ૩૦ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવા અરજી કરી હતી. ભુજના એક ધારાશાસ્ત્રીને પણ દલીલ કરવા માટે રાખ્યા હતા.
સુનાવણી વખતે કૉર્ટમાં APP હાજર નહોતા
છઠ્ઠા અધિક સેશન્સ જજ વિરાટ એ. બુધ્ધની કૉર્ટમાં જામીન અરજી પર ગત સોમવારે સુનાવણી શરૂ થઈ ત્યારે એટીએસ તરફથી આરોપીની જામીન અરજીનો વિરોધ કરવા માટે મદદનીશ જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણિયા હાજર જ નહોતા.
કૉર્ટે સવારે ૧૧ વાગ્યે વાણિયાના નામનો વારંવાર પોકાર કરાવ્યો પરંતુ તે હાજર જ નહોતા. તપાસકર્તા અમલદાર પણ હાજર નહોતા.
જો કે, અમલદારે જામીન અરજીનો વિરોધ કરતી વિગતો સાથેનું એક સોગંદનામું તૈયાર કરી કૉર્ટમાં એક હેડ કોન્સ્ટેબલને મોકલી આપ્યો હતો. બીજી તરફ, આરોપીના વકીલે તેને જામીન મંજૂર કરવા કૉર્ટ સમક્ષ દલીલો કરી હતી.
કોન્સ્ટેબલે ‘APP હાજર નથી’ જણાવી સોગંદનામું આપ્યું
એપીપી વાણિયા હાજર ના હોઈ પોણા બાર વાગ્યે હેડ કોન્સ્ટેબલે વકીલ હાજર નથી તેવો શેરો મારીને કૉર્ટ સમક્ષ તપાસકર્તા અમલદારનું સોગંદનામું રજૂ કર્યું હતું. પરંતુ, કૉર્ટે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાની સહી કરાવી લાવવા જણાવેલું. ત્યારબાદ બપોરે ૧૨ કલાકે એપીપી વાણિયા સાથે હેડ કોન્સ્ટેબલ કૉર્ટ સમક્ષ હાજર થયો હતો.
મોડા આવીએ છીએ તો અમારે પણ કામ હોય
જજે મૌખિક પૃચ્છા કરતાં વાણિયાએ જવાબ આપ્યો હતો કે કૉર્ટ સાંજના ૬ વાગ્યા સુધી રિપોર્ટ લેવા બંધાયેલી છે. રિપોર્ટ મોડો રજૂ થયો છે તેવો શેરો ના મારવો જોઈએ. મોડા આવીએ છીએ તો અમારે પણ કામ હોય, કૉર્ટ કેમ રજા રાખે છે, અમારે કામ ના હોય? એટલું જ નહીં, એપીપીએ રિપોર્ટમાં કૉર્ટ રૂબરૂ સહી કરવાનો ઈન્કાર કરીને હેડ કોન્સ્ટેબલને જાતે જ રિપોર્ટ રજૂ કરી દેવા જણાવેલું.
APPની રજૂઆતને કૉર્ટે તદ્દન ગેરવાજબી ગણાવી
જજ વી.એ. બુધ્ધે વાણિયાએ કરેલી રજૂઆતની હુકમમાં નોંધ કરી તેને ગેરવાજબી ગણાવી છે. ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશને રાજ્યના તમામ એપીપીને કૉર્ટમાં સવારે ૧૦:૪૫ વાગ્યાથી ૬ વાગ્યા સુધી અચૂક હાજર રહેવાનો હુકમ કરેલો છે તેનો ઉલ્લેખ કરીને જજે જણાવ્યું કે વાણિયા નિયમિત રીતે કૉર્ટ પરિસરમાં ૧૧:૩૦ પછી આવે છે, તેમની વર્તણૂક અત્રે નોંધ કરવાપાત્ર છે.
વિશેષમાં કૉર્ટ મોડે સુધી રિપોર્ટ લેવા માટે બંધાયેલી છે તેવી વાણિયાની રજૂઆત, અદાલતની રોજબરોજની કામગીરીમાં વિલંબ થાય તે પ્રકારની છે.
હાલની અરજીની સુનાવણી માટે બપોરે બાર વાગ્યે હાજર થયા છે અને હાલની અરજીની સુનાવણી કરવાના બદલે અદાલતનો સમય વ્યતીત કરીને ગેરરજૂઆતો કરેલી છે.
APPની ભૂમિકાને કૉર્ટે શંકાસ્પદ ગણાવી
‘હાલનો કેસ જોતાં સમાજવિરોધી, ગંભીર પ્રકારનો ગુનો હોવા છતાં વાણિયાએ અદાલત રૂબરૂ કોઈ જ મૌખિક રજૂઆતો કે દલીલો કરેલ નથી. ઉલટું, પોલીસ હેડ કોન્સ્ટેબલને પોતાની સહીથી રિપોર્ટ અદાલતને આપી દેવાનું જણાવેલ છે જે તેઓની વર્તણૂક જોતાં શંકાસ્પદ ભૂમિકા જણાઈ આવે છે. જેની નોંધ લેવી ખૂબ આવશ્યક છે’ તેમ જણાવી કૉર્ટે આરોપીની અરજી ફગાવી દેવા સાથે તેમના હુકમની નકલ ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશન, ગાંધીનગરને મોકલી આપવા સૂચના આપી છે.
Share it on
|