click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Bhachau -> 15 Years Later 5 Get 5 Year Jail Term for Lethal Attack Bhachau Courts Verdict
Thursday, 26-Feb-2026 - Bhachau 46505 views
ઘાતક હુમલાના દોઢ દાયકા જૂના કેસમાં પાંચ જણને પાંચ પાંચ વર્ષનો સખ્ત કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ તાલુકાના શિવલખા ગામે અંગત અદાવતમાં બાઈક પર જઈ રહેલા યુવકને ઘેરીને ધારિયા-ધોકાથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાના ગુનામાં ભચાઉ સેશન્સ કૉર્ટે પાંચ આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. હુમલાનો બનાવ ૧૫ વર્ષ ૭ મહિના અગાઉ ૧૯-૦૭-૨૦૧૦ના રાત્રિના સાડા આઠના અરસામાં ગામની સીમમાં બન્યો હતો. ફરિયાદી નાગજી સીધાભાઈ ભરવાડ મિત્ર રણમલ રવાભાઈ કોલી જોડે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ ટ્રેક્ટર અને બાઈક પર આવેલાં.

આરોપીઓએ નાગજીના બાઈકને આંતરીને હુમલો કરી બાઈકમાં તોડફોડ કરેલી. આરોપીઓએ બંદૂક દેખાડી હોવાનું ફરિયાદમાં દર્શાવાયેલું. હુમલામાં નાગજીને ડાબા પગની ઘૂંટણમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજા થયેલી.

આ પાંચ જણને પાંચ વર્ષની જેલ થઈ

આ ગુનામાં ભચાઉના બીજા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ ઈપીકો કલમ ૩૨૬ હેઠળ હબીબ મામદ ખોખર, લતીફ ઈબ્રાહિમ ખોખર, અનવર ઈબ્રાહિમ ખોખર, રમજુ મામદ ખોખર, અભરામ ભચુભાઈ ખોખર (રહે. તમામ લાકડીયા)ને પાંચ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. એ જ રીતે, ઈપીકો કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫ હેઠળ ત્રણ વર્ષની કેદ સાથે બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ASPએ FIR દાખલ કરીને ગુનાની તપાસ કરેલી

તત્કાલિન પ્રોબેશનરી એએસપી બિપીન આહીરેએ ઈપીકો કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૪૨૭ (ગેરકાયદે મંડળી બનાવી, ઘાતક હથિયારો ધારણ કરી, એકસમાન ઈરાદો સિધ્ધ કરવા હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવી) અને આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧) બી (એ) હેઠળ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની ધરપકડ, તપાસ કરી હતી.

♦કૉર્ટે ગુનો હત્યાના પ્રયાસની કલમ હેઠળનો ના હોવાનું જણાવી કહ્યું કે ઈજાનો પ્રકાર જીવલેણ નથી. ઘૂંટણની ઈજા ગંભીર છે પરંતુ સામાન્ય સંજોગોમાં તેનાથી માણસનું મૃત્યુ નીપજતું નથી. ફરિયાદ પક્ષે રજૂ થયેલાં મોટાભાગના પંચ સાક્ષીઓ અને સ્વતંત્ર સાક્ષીઓ ફરી ગયાં હતા.

♦કૉર્ટમાં પોલીસે એક તૂટેલી બંદૂક રજૂ કરેલી. ફરિયાદી પર ફાયરીંગ થયું નહોતું. પંચો સાક્ષીઓ બંદૂકને ઓળખી શકવામાં નિષ્ફળ રહ્યાં હતા. કૉર્ટે એ પણ નોંધ્યું કે આર્મ્સ એક્ટની કલમ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વમંજૂરી વગર ચાર્જશીટ ના થઈ શકે. પોલીસે આ કેસમાં કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવી નહોતી. કૉર્ટે શંકાનો લાભ આપી આરોપીઓને આર્મ્સ એક્ટની કલમોમાંથી છોડી મૂક્યા છે.

♦મોટર સાયકલમાં તોડફોડ કરાઈ નુકસાન પહોંચાડાયું હોવાનું ફરિયાદ પક્ષ સિધ્ધ ના કરી શક્યો હોઈ કૉર્ટે ઈપીકો કલમ ૪૨૭ને પણ ઉડાવી દીધી છે.

♦કેસમાં ફરિયાદ પક્ષે ભચાઉના મદદનીશ સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા અને એમ.આર. જાડેજાએ દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત