click here to go to advertiser's link
Visitors :  
15-Feb-2026, Sunday
Home -> Vishesh -> West Kutch Police Caught Prime Accused in Mundra Armed Robbery Attempt Case
Sunday, 15-Feb-2026 - Bhuj 8652 views
મુંદરા ચકચારી લૂંટના પ્રયાસ ગુનાનો સૂત્રધાર ભુજનો કેટરીંગ કોન્ટ્રાક્ટર નીકળ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરામાં ૯મી ફેબ્રુઆરી, સોમવારે બારોઈ રોડ પર રુદ્રાક્ષ જ્વેલર્સમાં દેશી તમંચા અને પિસ્તોલના નાળચે સોની પિતા પુત્રને ડરાવી લૂંટનો પ્રયાસ કરવાના ચકચારી બનાવનો ભેદ પોલીસે એક સપ્તાહની અંદર ઉકેલી નાખ્યો છે. આ ગુનાના માસ્ટર માઈન્ડની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજમાંથી ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં ગુનાને લગતી મોટાભાગની કડીઓ મળી ગઈ છે. જાણો, લૂંટનું કોણે કોણે કેવી રીતે પ્લાનીંગ કરેલું અને કેવી રીતે અંજામ અપાયો હતો તે વિગતે.
સોમવારે લૂંટનો પ્રયાસ અને પ્રતિકાર થયેલો

જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા પ્રવેશેલાં ચાર જણ પૈકી સોના ચાંદીના ઘરેણાંનો થેલો લઈને નાસી રહેલા પંકજ શર્મા ઊર્ફે ધોલુ પંડિત (રહે. મુરૈના, મધ્યપ્રદેશ)ને વેપારી પિતા પુત્રએ ઝડપી પાડ્યો હતો. આ સમયે એક જણે હવામાં ફાયરીંગ પણ કરેલું. ઝપાઝપી દરમિયાન શૉરૂમના તૂટેલાં કાચથી પંકજ શર્મા ઘાયલ થતાં તે છટકી શક્યો નહોતો.

પંકજની પૂછપરછમાં તપાસના તાર ભુજ લંબાયા

પંકજ શર્માને પોલીસે દસ દિવસના રીમાન્ડ પર લઈ ગહન પૂછપરછ કરતાં ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતા ગીતમસિંહ હિરાસિંહ ઠાકુર (ઉ.વ. ૪૨)ની સંડોવણી બહાર આવી હતી. પોલીસે ગીતમને ભુજમાંથી ઉપાડીને પૂછપરછ હાથ ધરતાં લૂંટ કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે.

ભુજનો કેટરીંગ કોન્ટ્રાક્ટર નીકળ્યો સૂત્રધાર

ગીતમસિંહ મૂળ રાજસ્થાનના ધોલપુરનો વતની છે. ભુજમાં અંદાજે વીસેક વર્ષથી સ્થાયી થયેલો છે અને કેટરીંગ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.

થોડાંક વર્ષ અગાઉ રાજસ્થાનમાં કૌટુંબિક તકરારમાં હત્યાના પ્રયાસ અને રાયોટીંગના ગુનામાં ગીતમ ઘણાં સમય સુધી ધોલપુરની જેલમાં કેદ રહેલો. તે સમયે જેલમાં કેદ પંકજ શર્મા સાથે તેની મૈત્રી થયેલી.

હાલ રીમાન્ડ પર રહેલા પંકજ શર્મા પર એમપી સહિત અન્ય રાજ્યોમાં સશસ્ત્ર લૂંટના છથી સાત ગંભીર ગુના નોંધાયેલાં છે. ગીતમ અને પંકજ વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી રહેતી હતી. ગીતમે જ પંકજ સાથે મળીને મુંદરામાં જ્વેલર્સને ત્યાં લૂંટ કરવાનું આયોજન ઘડ્યું હતું.

ત્રણ માસથી લૂંટનું પ્લાનીંગ ઘડાયેલું

આયોજન અંતર્ગત ત્રણેક માસ અગાઉ પંકજ તેના સાગરીત સતીષ સિકલવાર સાથે ભુજમાં ગીતમસિંહને મળવા આવેલો. પંકજ અને ગીતમ બેઉ જણે સાથે મળીને મુંદરાના બારોઈ રોડ પર રેકી કરેલી. રુદ્રાક્ષ જ્વેલર્સને ટાર્ગેટ કરીને લૂંટનું પ્લાનીંગ કરેલું.

પંકજે સાગરીતો, હથિયારોની વ્યવસ્થા કરેલી

લૂંટ માટે પંકજે બે દેશી તમંચા અને એક પિસ્તોલની વ્યવસ્થા કરીને સતીષ ઉપરાંત અન્ય બે સાગરીતો મોન્ટુ પટેલ અને શિવો ઊર્ફે બચ્ચાંને પ્લાનમાં સામેલ કર્યાં હતા. સતીષ સિકલવાર પણ લૂંટ, ધાડ સહિતના અનેક ગુનાનો રીઢો આરોપી છે.

માધાપરની સોસાયટીમાંથી બે બાઈક ચોરેલાં

પંકજ અને તેના ત્રણ સાગરીતો ચારે જણ લૂંટના આગલા દિવસે રવિવારે ભુજ આવ્યા હતા. ગીતમ સહિત પાંચે જણે ભેગાં મળીને કેવી રીતે દુકાનમાં પ્રવેશવું, કોણ શું કરશે વગેરેનું પ્લાનીંગ કરેલું. મુંદરા જવા માટે ગીતમની મદદથી આરોપીઓએ માધાપર જૂનાવાસની સનરાઈઝ સીટી સોસાયટીમાંથી એકસાથે બે મોટર સાયકલની ચોરી કરેલી.

ગીતમ રીક્ષા લઈને ભોરારા પાટિયા ઊભો રહેલો

સોમવારે સવારે ભુજથી ગીતમ પોતાની રીક્ષા લઈને અને બાકીના ચાર જણ ડબલ સવારીમાં બે બાઈક પર મુંદરા જવા નીકળેલાં. રસ્તામાં કેરા બળદિયા ખાતે ફરી મળ્યાં હતા. પ્લાન મુજબ ગીતમ રીક્ષા લઈને ભોરારા પાટિયા પાસે ઊભો રહેવાનો હતો. લૂંટ આચરીને ચારે જણ ભોરારાથી રીક્ષામાં બેસી નાસી છૂટવાના હતા.

પ્રતિકાર થતાં પરફેક્ટ પ્લાનમાં પંક્ચર પડ્યું

પ્લાનીંગ તો પરફેક્ટ હતું પરંતુ પ્રતિકાર થશે તેવી તેમને કલ્પના નહોતી! સોની પિતા પુત્રએ કરેલાં પ્રતિકાર તથા પંકજ શર્મા સ્થળ પર ઝડપાઈ ગયાં બાદ બાકીના ત્રણે જણ પોત-પોતાની રીતે નાસી છૂટ્યાં હતા. લાંબા સમય સુધી રાહ જોયાં બાદ ચારે જણ ભોરારા પાટિયા પાસે ના આવતા કંટાળીને ગીતમ પણ રીક્ષા હંકારીને ભુજ પરત ઘરે આવી ગયો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એ.એમ. મકવાણાએ જણાવ્યું કે ‘ત્રણે હથિયારો નાસી છૂટેલાં આરોપીઓ પાસે છે. તે લોકો પણ ટૂંક સમયમાં પોલીસ ગિરફ્તમાં હશે તેવી આશા છે’ લોકલ ક્રાઈમ બ્રાન્ચે લૂંટના ગુનામાં વપરાયેલી બેઉ મોટર સાયકલ અને એક એક્સેસ તથા ગીતમની ઑટોરીક્ષા કબજે કર્યાં છે.

આ અધિકારીઓ-જવાનોની જહેમત રંગ લાવી

લૂંટની ઘટનાને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી વિકાસ સુંડા અને મુંદરા વિભાગના મદદનીશ એસપી ગૌતમ વિવેકાનંદનના માર્ગદર્શનમાં મુંદરા પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગૃપની વિવિધ ટીમ બનાવાઈ હતી. પોલીસે નાસી છૂટેલાં આરોપીઓને ટ્રેસ કરવા ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી શોધખોળ હાથ ધરી હતી. મુંદરાના પીઆઈ એસ.એમ. રાણા, એસઓજી પીઆઈ એ.ડી. પરમાર, એલસીબી પીઆઈ એ.એમ. મકવાણા અને પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ તથા તમામ સ્ટાફે ભારે દોડધામ કરીને ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.  

Share it on
   

Recent News  
ગૌતમ અદાણીએ મુંદરામાં કામદારો સાથે ચાની ચુસ્કી મારી પૂછ્યુંઃ કંઈ તકલીફ નથી ને?
 
ટીચર નીકળ્યો ચીટર! છાત્રોને ક્રિકેટ ટુર્નામેન્ટમાં લઈ જવાનું કહી ૪.૪૩ લાખની ઠગાઈ
 
ગાંધીધામમાં ઈસ્કોનના દર્શને જતી દીકરીને ઓનલાઈન ગૃપમાં એડ કરી ડરાવી નાણાં પડાવાયા