કચ્છખબરડૉટકોમ, ભુજઃ આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા દેશના સૌથી મોટાં રીન્યૂએબલ એનર્જી (RE) પાર્ક નજીક મધરાતે ૩ વાગ્યે સર્જાયેલાં ગોઝારા અકસ્માતે એક ઝાટકે ૭ માનવ જિંદગી પર પૂર્ણવિરામ આણી દીધો છે. ભયાનક બેરોજગારી વચ્ચે પોતાના અને પરિવારનો પેટનો ખાડો પૂરવા આવેલાં દેશના વિભિન્ન પ્રાંતના શ્રમિકો કાળનો કોળિયો બની ગયાં છે. RE પાર્કમાં વિવિધ કંપનીઓ કાર્યરત છે. દેશભરમાંથી આવેલાં હજારો શ્રમિકો આ કંપનીઓમાં મજૂરી કરે છે.
નાના દિનારાનો જાવેદ અલાના સમા શેઠ શકુર સમાની બોલેરોના ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. જાવેદ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના પેટામાં કાર્યરત ઠેકેદાર ફલૌદી કંપનીના મજૂરોને બોલેરો પિકઅપથી કાળા ડુંગરની ભારત હોટેલથી રોજ RE પાર્ક લાવવા મૂકવાનું કામ કરે છે.
નિત્યક્રમ મુજબ રાત્રે બે વાગ્યે જાવેદ નાઈટ શિફ્ટ પૂરી કરીને નીકળેલાં ૩૨ શ્રમિકોને બોલેરોમાં ઠાંસી ઠાંસીને ભરીને ભારત હોટેલ આવવા નીકળેલો.
RE પાર્કની ચેકપોસ્ટથી એકાદ કિલોમીટર દૂર પહોંચ્યો હતો ત્યાં એક ડમ્પરવાળો પૂરઝડપે તેની બોલેરોને ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો. જાવેદ વધુ કંઈ સમજે તે પહેલાં જ સામેથી પૂરઝડપે આવી રહેલી GJ-39 T-6545 નંબરની બલ્કર ટ્રક સીધી બોલેરોને ટકરાઈ ગયેલી.
બંને વાહનોની ગતિ અને સામસામી ટક્કર એટલી ભયંકર હતી કે પળભરમાં સ્થળ પર જ ૭ જણની લોથ ઢળી ગઈ હતી. ડ્રાઈવર જાવેદ અને ૨૫ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બલ્કરનો ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘવાયો હતો અને તેને ભુજની અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
સ્થળ પર પહોંચેલી પોલીસ દ્રશ્ય જોઈ હચમચી ઉઠી
ઘટનાની જાણ થતાં જ ખાવડાના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ચાવડા, પીએસઆઈ બી.એ. ડાભી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પીઆઈ ચાવડાએ જણાવ્યું કે સ્થળ પરનું દ્રશ્ય જોઈને બે-ઘડી તેઓ હચમચી ઉઠ્યાં હતા. ચોતરફ ઘાયલોની દર્દનાક ચીસો સંભળાતી હતી. જ્યાં નજર પડે ત્યાં લોહી દેખાતું હતું. બોલેરોનો અડધો ભાગ બલ્કરની નીચે ઘૂસી ગયો હતો. પોલીસે તત્કાળ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસને ઘટનાની ગંભીરતા જણાવી હતી. થોડીકવારમાં જ રાત્રિની નિરવ શાંતિને ચીરતી એમ્બ્યુલન્સોની સાયરનોથી આખો વિસ્તાર ગાજી ઉઠ્યો હતો.
પોલીસની સતર્કતાથી મળી તત્કાળ સારવાર
પાંચ લાશો બહાર પડેલી અને બે લાશો બોલેરો સાથે ટ્રક નીચે ખરાબ રીતે ફસાઈ ગયેલી જણાતી હતી. મધરાતે પોલીસે બે ક્રેઈન મગાવી ટ્રકને ઊંચી કરવા પ્રયાસ કરેલો. પટ્ટો તૂટી જતાં ત્રીજી ક્રેઈન મગાવી આખરે બલ્કર ટ્રકને દૂર કરાઈ હતી. જો ખાવડા પોલીસે સતર્કતા દાખવીને સમયસર કામગીરી કરીને ઘાયલોને હોસ્પિટલે ના પહોંચાડ્યા હોત તો કદાચ મરણાંક ઊંચો હોત.
ગંભીર રીતે ઘાયલોને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતા. પોલીસની વિવિધ ટીમો અકસ્માત સ્થળ, હોસ્પિટલે દોડી જઈને પંચનામા સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા કલેક્ટર અને એસપી પણ ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલે દોડી ગયાં હતા.
કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે આરટીઓ, પોલીસ, નેશનલ હાઈવે ઑથોરિટી સહિતના સંબંધિત વિભાગોની ટુકડી અકસ્માતના કારણ અને નિવારણ અંગે સઘન તપાસ હાથ ધરશે.
મૃતકોમાં બિરેશ જગદેવ પાસવાન (૨૨, રહે. સીતાપુર, યુપી) દેશરાજ સુરજલાલ પાસવાન (ઉ.વ. ૪૮, રહે. સીતાપુર), સંદિપકુમાર હોલીરામ પાસવાન (રહે. સીતાપુર), કુલદીપકુમાર રામકુમાર પાસવાન (ઉ.વ. ૩૧, રહે. સીતાપુર), અનુપ ચેતરામ પાસવાન (૨૪, બહરાઈચ, યુપી), અનિલ રામપાલ પાસવાન અને કૈલાસ રામધન મંડલ (૪૬, બગડીયા, બિહાર)નો સમાવેશ થાય છે.
તપાસનું નાટક થશે પણ દુર્ઘટનાનું છે આ દેખીતું કારણ
બોલેરો પિક-અપનો ઉપયોગ માલ-સામાનના પરિવહન માટે થાય છે પરંતુ આ બનાવથી સ્પષ્ટ છે કે બોલેરોનો ગેરકાયદે રીતે પેસેન્જર વાહન તરીકે ઉપયોગ થતો હતો અને ગરીબ મજૂરોને તેમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા હતા.
કલેક્ટર, આરટીઓ અને પોલીસ તંત્રએ તપાસના નાટકો કરવાના બદલે સૌપ્રથમ તો આવા ગુડ્ઝ કેરિયર વાહનોનો પેસેન્જરની હેરફેર માટે થતાં ઉપયોગ પર જ કડક પ્રતિબંધ લાદી દેવો જોઈએ.
શ્રમિકોના લેવા મૂકવા માટે વાહનોની વ્યવસ્થા કરવા ઠેકેદારો અને કંપનીઓને ફરજ પાડવી જોઈએ. એ જ રીતે, નશો કરીને બેફામ દોડતાં વાહનચાલકો સામે દૈનિક ધોરણે કડક કાર્યવાહી કરાય તે પણ આવશ્યક છે. ભૂતકાળમાં નશાખોર ડ્રાઈવરો સામે ખાવડા, લુડિયા પંથકના ગ્રામજનોએ સ્વયંભૂ રાત્રિ પહેરો ગોઠવીને તેમને ઠમઠોર્યાં હતા.
Share it on
|