|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૪ વર્ષની કિશોર પર કારમાં સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી, અશ્લિલ વીડિયો ફોટો ઉતારીને તેને વાયરલ કરવાના નામે બ્લેકમેઈલ કરી વારંવાર દુષ્કર્મ આચરનારાં ૩૨ વર્ષિય યુવકને ભુજની પોક્સો કૉર્ટે કડક સજા ફટકારી છે. લખપતના દયાપર ગામે ગાયત્રીનગરમાં રહેતા મનસુખ ભગવાનભાઈ બારૈયાને કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઘટના અંગે ૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગુનાનો ભોગ બનનાર કિશોર નવેમ્બર ૨૦૨૪માં દિવાળી વેકેશન નિમિત્તે પોતાના મિત્રના ઘેર આવેલો. દરમિયાન, એક દિવસ સાંજના સમયે બેઉ જણ મિત્રના ઘેર કબૂતર જોવા ગયેલાં. રસ્તામાં મિત્રનો સગો કાકા એવો આરોપી મનસુખ બારૈયા તેમને મળેલો. બેઉ જણને કબૂતર બતાવવાનું કહીને મનસુખ પોતાની આઈ ટેન કારમાં બેસાડીને મોરગર સીમમાં નિર્જન વગડામાં લઈ ગયેલો.
ત્યારબાદ તેણે કારની પાછલી સીટ પર પીડિત કિશોર સાથે કુકર્મ આચરેલું. ફોટો વીડિયોના આધારે બ્લેકમેઈલ કરી વારંવાર તેનું જાતીય શોષણ કરેલું અને કોઈને વાત કરી તો મારી નાખવાની ધમકી આપેલી.
ઘટના અંગે દયાપર પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની કલમો તળે ગુનો દાખલ કરેલો. ગુનાની તપાસ કરનાર તત્કાલિન પીઆઈ વી.વી. ભોલાએ ૩૦ દસ્તાવેજી પુરાવા અને ૧૪ સાક્ષી સાથે ચાર્જશીટ રજૂ કરેલી.
આ કેસમાં વિશેષ જજ એમ.એફ. ખત્રીએ પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ મનસુખને ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજારનો દંડ તથા બીએનએસ કલમ ૩૫૧ (૧) હેઠળ ૧ વર્ષની કેદ અને ૧ હજારનો દંડ ફટકાર્યો છે.
કૉર્ટે પીડિત બાળકને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવા DLSAને હુકમ કર્યો છે. કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|