|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભારેખમ કસ્ટમ ડ્યુટીથી બચવા માટે પાકિસ્તાની મૂળની સૂકી ખજૂરને ચોપડાં પર દુબઈની હોવાનું ગણાવીને ભારતમાં આયાત કરવાના ગુનામાં ઝડપાયેલાં મધ્યપ્રદેશના પિતા પુત્રની નિયમિત જામીન અરજી ગાંધીધામ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. મધ્યપ્રદેશના ઈન્દોરની વેપારી પેઢી મેસર્સ હરે ક્રિષ્ના ટ્રેડર્સના સુરેશ જમનાદાસ ચૌધરી (ઉ.વ. ૫૯) અને તેમના પુત્ર કુનાલની સૂકી ખજૂરની દાણચોરી કેસમાં એક મહિના અગાઉ ધરપકડ કરાયેલી. ગાંધીધામની શિવોહમ્ ઈમ્પેક્સ અને મેસર્સ આશાપુરા ઈમ્પેક્સ મારફતે પવન સુરેશ ગોયલે હરે ક્રિષ્ના ટ્રેડર્સના ઓર્ડર પર દુબઈથી પાકિસ્તાની મૂળની ખજૂરના ૧૩ કન્ટેઈનર આયાત કરેલાં.
►આરોપી પિતા પુત્રએ પોતે ખજૂર ઈમ્પોર્ટ કરી ના હોવાનું અને તેઓ કેવળ સ્થાનિક ગ્રાહક (ડોમેસ્ટિક પરચેઝર) હોવાનું જણાવી ગંભીર રજૂઆત કરી હતી કે DRIએ તેમની ગેરકાયદે ધરપકડ કરીને ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૨નો ભંગ કર્યો છે. DRIએ ૧ સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈનથી બેઉની અટક કરેલી, કોઈ જ પ્રકારના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યાં વગર ગાંધીધામ લઈ આવેલી, તેમને ઑફિસમાં રાખેલાં અને ૩ સપ્ટેમ્બરના રોજ વિધિવત્ ધરપકડ દર્શાવી હતી.
►DRIએ કોઈ અરેસ્ટ મેમો આપ્યો નહોતો અને ધરપકડના કારણો અંગે પણ જાણ કરી નહોતી. આરોપી પિતાએ જણાવેલું કે નાદુરસ્ત તબિયતના લીધે ૨૦૨૧-૨૨થી તેમનો દીકરો કુનાલ જ ધંધો સંભાળે છે. પુત્ર વતી વકીલે રજૂઆત કરેલી કે તેને દબાણ હેઠળ રાખીને DRIએ નિવેદન નોંધ્યું હતું.
DRI વતી વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ કરેલી વળતી દલીલમાં દાણચોરીના ગુનામાં આરોપી પિતા પુત્રોની સંડોવણી પર વધુ પ્રકાશ પડ્યો હતો.
ગોસ્વામીએ જણાવ્યું હતું કે DRIએ ઈન્દોરમાં તેમની પેઢીમાં દરોડો પાડીને પાકિસ્તાની મૂળની સૂકી ખજૂર આયાત કરવામાં તેમની સક્રિય સંડોવણી હોવાના મહત્વના દસ્તાવેજી પુરાવા, આર્થિક વ્યવહારોને લગતાં પુરાવા એકઠાં કરેલાં. માલનું પાકિસ્તાનથી દુબઈ સુધી પરિવહન થયું હોવાના ઈલેક્ટ્રોનિક પુરાવા કબજે કરેલાં. ઈમ્પોર્ટ અંગે ગાંધીધામમાં પવન ગોયેલ સાથે તેમણે બેઠકો કરેલી. સર્ચ બાદ પિતા પુત્ર લાંબા સમય સુધી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલાં.
►બેઉની ગેરકાયદે ધરપકડ થઈ હોવાના આરોપનો ગોસ્વામીએ ઈન્કાર કરતાં જણાવેલું કે DRIએ જારી કરેલાં સમન્સ અંતર્ગત બેઉ જણનું ગાંધીધામમાં નિવેદન લેવાયેલું અને તે જ દિવસે તેમની વિધિવત્ ધરપકડ કરી જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયેલાં.
►બંનેના અરેસ્ટ મેમોમાં તેમના ઉપરાંત અન્ય બે સ્વતંત્ર સાક્ષીઓની સહી લેવાયેલી. તેમના પરિવારજનોને ધરપકડ અંગે જાણ કરાયેલી અને તબીબી પરીક્ષણ પણ કરાવાયું હતું.
બંને પક્ષે રજૂ થયેલાં આધાર પુરાવા, તેના સમર્થનમાં ટાંકવામાં આવેલા સુપ્રીમ કૉર્ટના જજમેન્ટ્સની મહત્વની જોગવાઈઓ, દલીલો કૉર્ટે સાંભળી હતી.
પાંચમા અધિક સેશન્સ જજ રાકેશ જે. પટેલે જણાવ્યું કે ઉજ્જૈનથી બેઉને પકડીને ૨૪ કલાકથી વધુ સમય સુધી કસ્ટડીમાં રાખ્યાં તે કદાચ ગેરકાયદે હોઈ શકે છે પરંતુ તેમની ધરપકડ ગેરકાયદે નથી.
ગુનામાં તેમની પ્રથમદર્શનીય સંડોવણી જણાય છે, ગુનો ગંભીર છે, તપાસ નાજૂક તબક્કે ચાલી રહી છે ત્યારે બેઉને જામીન આપવા મુનાસિબ નથી. કૉર્ટે બેઉની અરજી રીજેક્ટ કરી દીધી છે.
Share it on
|