કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ભુજના ડાંડા બજારમાં આવેલી ‘મણિયાર બેંગલ્સ’ નામની બંગડીની દુકાનમાં દરોડો પાડીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકશીકામ કરેલી હાથી દાંત (IVORY)ની બંગડીઓના વેચાણનો પર્દાફાશ કર્યો છે. હાથીના દાંતમાંથી બનેલી કોઈપણ ચીજવસ્તુના સંગ્રહ, વેપાર કે વિનિમય પર ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે કડક પ્રતિબંધો લદાયેલાં છે. બાતમીના આધારે LCBએ પાંચ દિવસ અગાઉ દરોડો પાડીને હાથી દાંતની વિવિધ સાઈઝ અને જાડાઈની ૧૦ બંગડી જપ્ત કરેલી.
વૈજ્ઞાનિક પરીક્ષણમાં આ બંગડીઓ હાથી દાંતમાંથી જ બનેલી હોવાનું પૂરવાર થયાં બાદ દુકાનમાં બેસતાં ચારે વેપારી આસીમ અહમદ મણિયાર, અહમદ સુલેમાન મણિયાર, અલ્તાફ અહમદ મણિયાર અને અઝહરુદ્દીન નિઝામુદ્દીન મણિયાર સામે એલસીબી પીઆઈ સંદિપસિંહ ચુડાસમાએ ચોપડે જાણવાજોગ નોંધ કરીને મામલો વન વિભાગને સુપરત કરી દીધો છે. આ વેપારીઓ સામે વન વિભાગ વિધિવત્ ગુનો નોંધી ગહન તપાસ કરે તો હાથી દાંતના વેચાણ સાથે સંકળાયેલી આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સિન્ડીકેટ અને નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.
ભુજમાં બે અઢી વર્ષથી થતું હતું વેચાણ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વેપારીઓ છેલ્લાં બે અઢી વર્ષથી ચોરી-છૂપે હાથી દાંતની બંગડીઓ વેચતાં હોવાનું બહાર આવ્યું છે. જેટલી જાડી બંગડી અને બારીક નકશી તેટલો તેનો દામ વસૂલતાં. અમદાવાદ, વડોદરા અને સુરતથી તેઓ હાથી દાંત લઈ આવતાં. ભારતમાં જોવા મળતાં એશિયન એલિફન્ટ્સને નેશનલ હેરિટેજ એનિમલનો દરજ્જો મળેલો છે.
વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ સહિતના અન્ય કાયદાઓ હેઠળ હાથી દાંત કે તેને લગતી જ્વેલરી સહિતની કોઈપણ ચીજવસ્તુની આયાત કે નિકાસ, દેશમાં આંતરિક વેપાર વિનિમય કે સંગ્રહ પર કડક પ્રતિબંધ છે.
બંગડી ખરીદનારાં ગ્રાહકો સામે પણ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. દોષી પૂરવાર થયે ભારેખમ દંડ સાથે સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ કરાયેલી છે.
દેશના ચાર રાજ્યોનું સ્ટેટ એનિમલ છે હાથી
ભારતમાં સામાન્યતઃ પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય સહિતના સેવન સિસ્ટર્સ સ્ટેટ, ઝારખંડ, છત્તીસગઢ, યુપી અને ઉત્તરાખંડના કેટલાંક વિસ્તારો તથા ઉત્તર કર્ણાટક, વેસ્ટર્ન ઘાટ, કોઈમ્બતુર વગેરે રાજ્યોમાં એશિયન હાથીનું સવિશેષ પ્રમાણ જોવા મળે છે. એશિયન હાથી સંરક્ષિત પ્રાણી જાહેર કરાયેલું છે. દેશમાં ૩૩ સ્થળે હાથી અભયારણ્ય આવેલાં છે. ઝારખંડ, કર્ણાટક, કેરળ અને ઓડિશામાં હાથીને ‘સ્ટેટ એનિમલ’નો દરજ્જો મળેલો છે.
પ્રાચીનથી અર્વાચીન સંસ્કૃતિમાં હાથી દાંતનો મહિમા
ભારત સહિત સમગ્ર વિશ્વમાં સદીઓથી હાથી દાંતની ચીજવસ્તુઓનો ભારે મહિમા રહ્યો છે. હાથી દાંતમાંથી બનેલી ચીજ વસ્તુનો વપરાશ વૈભવ અને સ્ટેટસનું પ્રતીક બની રહ્યો છે. પ્રાચીન હડપ્પાકાલિન સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને પ્રાચીન ઈજિપ્ત, ગ્રીક, રોમન સભ્યતા સંસ્કૃતિમાં પણ હાથી દાંતમાંથી બનેલી ચીજવસ્તુઓનો ભારે મહિમા હતો. આપણી સંસ્કૃતિમાં હાથીને પૂજ્ય માનવામાં આવે છે, ભગવાન ગણેશનું મસ્તક ગજનું હોવાની પૌરોણિક કથાથી સૌ સુપેરે વાકેફ છે. મ્યાનમાર, થાઈલેન્ડ, જાપાન, કંબોડિયા, લાઓસ વગેરે જેવા બુધ્ધ સંસ્કૃતિના પ્રભાવવાળા દેશોમાં હાથી દાંતનો મહિમા આજે પણ અકબંધ છે. બુધ્ધીસ્ટ કન્ટ્રીઝમાં સદીઓથી હાથી દાંતમાંથી ખાસ કોતરીને બનાવેલાં સ્ટેમ્પ (સિક્કો) કે જે અંગ્રેજીમાં HANKOS તરીકે પ્રચલિત છે તેની ભારે ઘેલછા છે.
જાણો, પ્રોજેક્ટ એલિફન્ટ અને ઓપરેશન શિકાર
લોકોની ઘેલછાનો ભોગ નિર્દોષ હાથીઓને બનવું પડે છે. આફ્રિકા અને એશિયામાં મોટાપાયે હાથીઓનો શિકાર થઈ રહ્યો છે. ભારતમાં કડક કાયદા છતાં આજે પણ તેના શિકાર પર સંપૂર્ણપણે નિયંત્રણ આવી શક્યું નથી. ૧૯૯૨માં દેશમાં હાથીઓની ઘટતી જતી વસતિ અને વિસ્તારના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે ખાસ ‘પ્રોજેક્ટ એલિફન્ટ’ શરૂ કરેલો. કેરળમાં શિકારીઓએ માથું ઊંચકતા ૨૦૧૫ અને ૨૦૧૭ કેરળના વન વિભાગે ‘ઓપરેશન શિકાર’ના નામે ખાસ અભિયાન શરૂ કરીને હાથીઓના શિકારી અને તેના દાંતના વેપાર સાથે સંકળાયેલી ઓર્ગેનાઈઝ્ડ સિન્ડીકેટ પર તૂટી પડ્યો હતો.
Share it on
|