click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Vishesh -> Translocation of 4 Kenyan Cheetahs to Banni Possible by August Following NTCA Approval
Saturday, 09-May-2026 - Bhuj 30880 views
બન્નીમાં ઑગસ્ટ સુધીમાં કેન્યાના ૪ ચિત્તા રીલોકેટ થવાની શક્યતાઃ NTCAની મંજૂરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના બન્નીમાં  છેલ્લાં અઢી વર્ષથી ચિત્તાઓના પુનઃવસવાટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને હવે આગામી જૂલાઈ કે ઑગસ્ટમાં ૪ ચિત્તાને બન્નીના ઘાસિયા મેદાનમાં ટ્રાન્સલોકેટ કરાય તેવી શક્યતા છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA)એ બન્નીમાં ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની લીલી ઝંડી આપી દીધી છે. NTCAના તજજ્ઞોએ થોડાંક સમય અગાઉ બન્નીની મુલાકાત લઈ સમગ્ર તૈયારીઓ અને આયોજનની સમીક્ષા કરી હતી.
બન્નીમાં કેન્યાના ચાર ચિત્તાને લવાશે

મધ્યપ્રદેશના કુનોમાં નામિબીયાથી ચિત્તા લવાયેલાં. પરંતુ, બન્નીના આ ઘાસિયા મેદાનોમાં કેન્યાથી ચિત્તા લવાશે તેમ વન તંત્રના સૂત્રોએ જણાવ્યું છે. આફ્રિકાના સવાના ઘાસિયા મેદાનોની જેમ બન્નીમાં પણ પ્રાચીન કાળમાં આખેઆખું ઊંટ કે હાથી પણ ના દેખાય તેટલા વિશાળ કદનું ઘાસ ઊગતું હતું. આ ચિત્તાઓને એક માસ સુધી ક્વૉરન્ટાઈનમાં રખાશે અને ત્યારબાદ બન્નીના સંરક્ષિત વિસ્તારમાં છોડવામાં આવશે. પ્રથમ તબક્કે બે નર અને બે માદાની જોડી લવાશે. ત્યારબાદ તબક્કાવાર એક વર્ષમાં ૧૨ ચિત્તાને લાવવાનું આયોજન છે.

કચ્છમાં ૧૮૩૯ અને ૧૮૭૨માં ચિત્તા વિચરતાં હતા

એક સમયે ભારતમાં વાઘ, સિંહની જેમ ચિત્તા પણ વિહરતા હતા. પરંતુ, બેફામ શિકાર અને વધતી જતી માનવ ખલેલના પરિણામે ધીમે ધીમે ચિત્તાની પ્રજાતિ ભારતમાંથી વિલુપ્ત થઈ ગયેલી. ૧૯૫૨માં સત્તાવાર રીતે ભારતમાંથી ચિત્તાને વિલુપ્ત પ્રજાતિ તરીકે જાહેર કરાયેલાં. કચ્છ અને ગુજરાતમાં પણ ચિત્તા વિહરતા હતા. કચ્છમાં છેલ્લે ૧૮૩૯ અને ૧૮૭૨માં ચિત્તા વિચરતાં હોવાના ઐતિહાસિક પ્રમાણો અને નોંધ જોવા મળે છે. ગુજરાતમાં છેલ્લે ૧૯૪૦માં વિસાવદરમાં ચિત્તો જોવા મળ્યો હતો.

દેવળિયા પાર્કની જેમ પાંચસો હેક્ટરમાં ખાસ અભયારણ્ય

ચિત્તા પ્રોજેક્ટ અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૨માં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાના નામિબીયાથી ચિત્તાઓને લવાયાં હતા. આ પ્રોજેક્ટના પગલે કચ્છના બન્નીમાં ચિત્તાઓના પુનર્વસનનો ગુજરાત સરકારે પ્રોજેક્ટ હાથ ધરેલો. જેના પગલે બન્નીના ઘાસિયા મેદાનોમાં પાંચસો હેક્ટરથી વધુ વિશાળ જમીનમાં ૨૦ કરોડના ખર્ચે ચિત્તાઓના આવાસ વિહાર માટે અનુકૂળ અભયારણ્ય તૈયાર કરવાનું કામ ૨૦૨૪થી શરૂ કરાયું હતું.

સાસણ ગીરના દેવળિયા પાર્કની જેમ બન્નીના ભગાડિયા અને આસપાસના વિસ્તારમાં દસેક કિલોમીટર લાંબી કાંટાળી વાડથી સજ્જ સંરક્ષિત ખૂલ્લું અભયારણ્ય વિકસાવાયું છે.

ગાંડા બાવળોનું નિકંદન કાઢી વિવિધ પ્રજાતિના ઘાસ અને વૃક્ષો વવાયાં છે. પાણીના પોઈન્ટ, કૃત્રિમ શેડ, ચિત્તાઓને બેસવા માટેના ખાસ ટેકરા તૈયાર કરાયાં છે. ચિત્તાઓના શિકાર અને આહાર માટે ચિંકારા બ્રીડીંગ સેન્ટર પણ બનાવાયું છે. અત્યારસુધીમાં આ માટે ૧૪.૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો હોવાનું તાજેતરમાં વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં જણાવ્યું હતું.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત