click here to go to advertiser's link
Visitors :  
24-Jun-2026, Wednesday
Home -> Bhachau -> Shopkeeper gets three year Jail under POCSO Act Read more
Friday, 08-May-2026 - Bhachau 23254 views
બાળાને ૧૦૦ રૂપિયાની લાલચ આપી રૂમમાં અંદર આવવા કહેનાર દુકાનદારને ૩ વર્ષની કેદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ઘર પાસેની એક દુકાને ગયેલી ૧૦ વર્ષ ૭ મહિનાની બાળકીને આંખ મિંચકારીને ૧૦૦ રૂપિયા આપવાની લાલચ આપીને બાજુના રૂમમાં આવવાનું કહેનારા દુકાનદારને પોક્સો એક્ટ હેઠળ ૩ વર્ષની કેદની સજા થઈ છે. દુકાનદારની વાત સાંભળીને ડરી ગયેલી દીકરી દોટ મૂકીને બાજુના ઘરે જતી રહેલી. બાદમાં તેણે માતાને આ અંગે વાત કરેલી. માતા દીકરીને લઈ આરોપી પાસે ગયેલી ત્યારે તે ઘરેથી ભાગી ગયેલો.

થોડીકવાર બાદ બાળાના પિતાને જાણ થતાં તેમણે આરોપી પાસે જઈને ઠપકો આપતા આરોપીએ પિતાને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપેલી. ૩૦-૧૦-૨૦૨૩ની બપોરે બનેલા બનાવ અંગે રાપર પોલીસે તે જ દિવસે આરોપી દુકાનદાર રફીક હાસમ કુંભાર સામે પોક્સો એક્ટની કલમ ૧૨ અને ઈપીકોની અન્ય કલમો તળે ગુનો નોંધેલો.

ટ્રાયલમાં બંને પક્ષે જોરદાર દલીલો થયેલી

પોલીસે પીડિત બાળાનું CrPC ૧૬૪ તળે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધેલું. ટ્રાયલ દરમિયાન પીડિત બાળા, ફરિયાદી માતા અને પિતાએ ઉલટ તપાસમાં ફરિયાદમાં કરાયેલા આરોપોને સમર્થન આપ્યું નહોતું.

સરકારી વકીલે દુકાનદારે લાલચ આપીને તેને રૂમમાં બોલાવેલી તે પોક્સો એક્ટની કલમ તળે ‘સેક્સ્યુઅલ ઈન્ટેન્ટ (જાતીય ઈરાદો)’ નો ગુનો હોવાનું જણાવીને મૂળ આરોપ યથાવત્ હોવાનો અને તે ખોટો હોવાનું બચાવ પક્ષ પૂરવાર કરી શક્યો ના હોવાની દલીલ કરેલી.

કૉર્ટે પણ ત્રણેની જુબાનીની ઉલટ તપાસની વિગતવાર છણાવટ કરી ચુકાદામાં નોંધ્યું કે તેમણે મુખ્ય આરોપનો ઈન્કાર કર્યો નથી, ફક્ત અન્ય પરચૂરણ વિગતો (પેરીફરલ ડીટેઈલ્સ)ને સમર્થન આપ્યું નથી. પીડિત બાળાએ ફરિયાદ ખોટી હોવાના બચાવ પક્ષના સૂચનનો ઈન્કાર કર્યો હતો.

મુખ્ય આરોપનો બાળા, ફરિયાદી માતા કે પિતાએ ઈન્કાર નથી કર્યો, મુખ્ય આરોપ કેસની ‘ફાઉન્ડેશનલ ફેક્ટ્સ’ હોવાનું ગણી તથા મૂખ્ય આરોપ ખોટો હોવાનું બચાવ પક્ષ પૂરવાર કરી શક્યો ના હોવાનું જણાવી પોક્સો કૉર્ટના ખાસ જજ અંદલીપ તિવારીએ આરોપી જે શબ્દો બોલ્યો તે પોક્સો કાયદા મુજબ ‘સેક્સ્યુઅલ ઈન્ટેન્ટ (જાતીય ઈરાદો)’ની વ્યાખ્યામાં પડતાં હોવાનું ઠેરવી રફીક કુંભારને દોષી ઠેરવી સજા આપી પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

કેસમાં રફીક સામે ઈપીકો કલમ ૩૫૪ લગાડાયેલી પરંતુ આરોપ મુજબ ગુનામાં કોઈ ગુનાહિત બળ કે હુમલો (ક્રિમિનલ ફોર્સ કે અસૉલ્ટ) થયો ના હોવાનું, ઈપીકો કલમ ૨૯૪ (બી) મુજબ જાહેરમાં ગાળો ભાંડવામાં આવી ના હોવાનું અને ઈપીકો કલમ ૫૦૬ (૨) મુજબ મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ પૂરવાર થતો ના હોવાનું જણાવી ત્રણે કલમોમાંથી રફીકને નિર્દોષ ઠેરવ્યો છે.

કેસની તપાસ રાપરના તત્કાલિન પીઆઈ ભરત જી. રાવલ અને પીએસઆઈ આર.આર. આમલિયારે કરેલી. કેસની ટ્રાયલ સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ ચલાવી હતી.
Share it on
   

Recent News  
ગાંધીધામની માહેશ્વરી હેન્ડલિંગ સામે જામનગરમાં ૨૦.૫૬ કરોડના ચીટીંગની ફરિયાદ
 
દારૂ કેસમાં જપ્ત ડમ્પરથી પીછો છોડાવવા વાહન બારોબાર બીજાના નામે તબદીલ કરાવાયું!
 
કચ્છની હવાઈ સેવાની ક્ષિતિજ વિસ્તરીઃ મુંદરામાં આજથી અત્યાધુનિક એરપોર્ટનો શુભારંભ