click here to go to advertiser's link
Visitors :  
09-May-2026, Saturday
Home -> Gandhidham -> DGP Suspends East Kutch Inspector After SMC Raid, Shunts Him to Narmada
Friday, 08-May-2026 - Gandhidham 2413 views
આંતરિક તપાસ બાદ DGPએ પૂર્વ કચ્છના PIને રાતોરાત સસ્પેન્ડ કરી નર્મદા બદલી કરી દીધી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં લાંબા સમયથી ફરજ બજાવી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર અર્જુનસિંહ એ. જાડેજાને ગુજરાતના પોલીસ વડાએ તત્કાળ અસરથી સસ્પેન્ડ કરીને નર્મદા જિલ્લામાં ટ્રાન્સફર કરી દેતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે, ડીજી કક્ષાએથી ખૂબ ગંભીર હોય તેવા કિસ્સાઓમાં જ પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારી સામે આવા કડક એક્શન લેવાતાં હોય છે. જાડેજા અગાઉ ગાંધીધામમાં સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

ત્યારબાદ ભચાઉમાં પીઆઈ તરીકે કામ કરેલું અને હાલ તે લોકલ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજરત હતા.

SMCના બે દરોડાની તપાસ નડી ગઈ

જાડેજા ભચાઉમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે સમયગાળા દરમિયાન ડીજીના સીધા મોનિટરીંગ હેઠળ કાર્યરત સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિદેશી દારૂના બે ક્વૉલિટી કેસ કર્યા હતા.

૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ SMCએ ભચાઉની અણુશક્તિ કંપની નજીક આવેલી બજરંગ આઈ હોટેલના પાર્કિંગમાં દરોડો પાડી સિમેન્ટ બલ્કર ટેન્કરમાંથી ૧.૮૬ કરોડ રૂપિયાનો વિદેશી શરાબનો જંગી જથ્થો જપ્ત કરેલો. શરાબનો જથ્થો રાજસ્થાનના રીઢા બૂટલેગર અનિલ પાંડિયાએ સપ્લાય કર્યો હોવાનું પકડાયેલાં ટેન્કર ડ્રાઈવરની પૂછપરછમાં ખૂલેલું. એટલું જ નહીં, આ અગાઉ પણ તેણે કચ્છમાં એક ખેપ મારી હોવાનું કબૂલેલું.

એ જ રીતે, અઢી માસ અગાઉ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ SMCએ ભચાઉના વોંધની સીમમાં કટિંગ ટાણે દરોડો પાડીને નકલી નંબર પ્લેટ અને સીસીટીવી લગાડેલી કન્ટેઈનર ટ્રકમાંથી એક કરોડનો ઈંગ્લિશ દારૂ ઝડપેલો. શરાબનો આ જથ્થો ભચાઉના લિસ્ટેડ બૂટલેગર અશોકસિંહ ઊર્ફે મામા બાલુભા જાડેજા, અર્જુનસિંહ અશોકસિંહ જાડેજા, અશોકના ભત્રીજા ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા અને શિવમસિંહ જાડેજાએ મગાવ્યો હોવાનું ખૂલતાં તેમની વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.

આંતરિક તપાસમાં ગંભીર તથ્યો બહાર આવતાં એક્શન લેવાયાં 

આ બે દરોડાની ઉચ્ચસ્તરેથી ચાલી રહેલી આંતરિક તપાસના અંતે અઢી મહિના બાદ જાડેજાને સસ્પેન્ડ કરવા હુકમ થયો છે. આ તપાસમાં જાડેજાની બૂટલેગરો સાથેની કોઈ સાંઠગાંઠ બહાર આવી છે કે કેમ તે વિશે સત્તાવાર રીતે કશો ફોડ પડાયો નથી. પરંતુ, જરૂર કોઈ ગંભીર બાબત બહાર આવી છે જેથી આ કડક પગલું લેવાયું છે તેમ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ૨૩ ફેબ્રુઆરીના દરોડાના પગલે તે જ દિવસે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે પીઆઈ અર્જુનસિંહ જાડેજા અને ભચાઉના તત્કાલિન પીએસઆઈ ડી.જે. ઝાલાની લીવ રીઝર્વમાં ટ્રાન્સફર કરી દીધી હતી.

થોડાંક સમય બાદ એ.એ. જાડેજાની લીવ રીઝર્વમાંથી એલઆઈબીમાં બદલી કરાઈ હતી.

‘મામા’નો માલ વધુ એક PIને નડી ગયો 

પૂર્વ કચ્છના પોલીસ ખાતાંનો ઈતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે બૂટલેગર ‘મામા’નો માલ પકડાયો છે ત્યારે ત્યારે ભચાઉના પીઆઈ, પીએસઆઈઓને સસ્પેન્સન ભોગવવાનો વારો આવ્યો છે. જાડેજાના સસ્પેન્સન સાથે વધુ એકવાર આ ઇતિહાસ દોહરાયો છે. વક્રતા એ છે કે માલ મગાવનાર આરોપી મામા એન્ડ કંપની આ કેસમાં જામીન પર છૂટીને ફરી એક્ટિવ થઈ ગઈ છે!

Share it on
   

Recent News  
બાળાને ૧૦૦ રૂપિયાની લાલચ આપી રૂમમાં અંદર આવવા કહેનાર દુકાનદારને ૩ વર્ષની કેદ
 
માંડવીમાં નેપાળી યુવક પર અત્યાચારના બનાવને NHRCએ ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી
 
પોક્સો કેસમાં પાંચ વર્ષની સજા મેળવનાર સુમરાસરના યુવકને હાઈકૉર્ટે આપી રાહત