|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં જે રીતે અન્ય રાજ્યોમાંથી આવતા દારૂના પરિવહન, સંગ્રહ અને વિતરણ-વેચાણનું નેટવર્ક છે તે સ્પષ્ટ કરે છે દારૂબંધી કેવળ સરકારી કાગળો પર હયાત રહી ગઈ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુંદરાના પ્રતાપપર ગામેથી ૧૫.૪૦ લાખનો જે દારૂ પકડ્યો તે મગાવનાર બૂટલેગર દેવરાજ ગોપાલ ગઢવી કોડાયના ૭.૪૮ લાખના દારૂના કેસમાં ૨૦ દિવસ અગાઉ જેલમાંથી બહાર આવેલો! પોલીસની પરિભાષામાં દેવો ગઢવી ‘લિસ્ટેડ બૂટલેગર’ છે. ૨૦ દિવસ અગાઉ દેવો જેલમાંથી જામીન પર બહાર આવેલો
દેવા સામે માંડવી, મુંદરા, વિરમગામ સહિત કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આજ દિન સુધીમાં ૩૨ ગુના નોંધાયેલાં છે, જે પૈકી ૮ ગુનામાં તે નિર્દોષ છૂટી ગયેલો છે અને અન્ય ૧૩ ગુનામાં ટ્રાયલ હજુ પેન્ડિંગ છે. આજની રેઈડ અગાઉ LCBએ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોડાય પોલીસ મથકની હદમાં આવતા મોટી રાયણ ગામના તળાવ કાંઠે કંતાન ઢાંકીને ૭.૪૮ લાખનો ઈંગ્લિશ દારૂ જપ્ત કરેલો તે કેસમાં દેવરાજ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી.
આ ગુનામાં નાસતા ફરતા દેવરાજને ૦૨-૦૪-૨૦૨૬ના રોજ પકડીને પાલારા જેલ ધકેલી દેવાયેલો.
આ ગુનામાં ચાર્જશીટ થયાં બાદ ૨૦ દિવસ અગાઉ ૦૯-૦૬-૨૦૨૬ના રોજ ભુજ સેશન્સ કૉર્ટના જજ તુષાર ખંધડીયાએ દેવરાજને ૫૦ હજારના જાતમુચરકા પર જામીન મુક્તિનો દુરુપયોગ નહીં કરવાની અને ફરી દારૂને લગતાં ગુનાઓમાં નહીં સંડોવાની શરતો સાથે જામીન પર મુક્ત કરેલો.
કરોડોનું ટર્નઓવર ધરાવતાં બદનામ બિઝનેસમેન!
ગુજરાત પોલીસની કામગીરીને નિકટતાથી નિહાળતાં જાણકાર લોકો દાવો કરે છે કે બૂટલેગરો ખરેખર તો પોલીસની મિલિભગતથી જ રીઢા બને છે. પોલીસ ચોપડે અને સામાજિક રીતે ભલે આ લોકો બૂટલેગર તરીકે નામીચા હોય પરંતુ હકીકતે તેઓ કરોડોનું ટર્નઓવર ધરાવતા બદનામ બિઝનેસમેનો છે!
દારૂની હેરફેર, કટિંગ, પોઈન્ટનું લાખોનું સેટિંગ
દારૂ ભરેલી ટ્રકો (મોટી ગાડીઓ) અન્ય રાજ્યમાંથી નિશ્ચિત સ્થળે પહોંચાડવાથી લઈને કટિંગ થયેલો માલ નાની નાની ગાડીઓ મારફતે શહેરો અને ગામડાંઓમાં શરાબ વેચતાં છૂટક પોઈન્ટો પર પહોંચે તે તમામ પ્રક્રિયા દરમિયાન સંબંધિત પોલીસ સ્ટેશનના પલળેલાં સાહેબો અને સ્ટાફને ગાંધીબાપુની છાપવાળા વિવિધ રંગબેરંગી કાગળો આપીને સાચવી લેવાય છે.
માલ પરિવહન થતું હોય તે રનિંગ ગણાય છે તેમાં પણ સેટિંગ ગોઠવાયેલું હોય છે. કટિંગ પોઈન્ટનું સેટિંગ ગોઠવાયેલું છે અને દારૂ વેચાણના છૂટક પોઈન્ટનું પણ સેટિંગ ગોઠવાયેલું હોય છે. રનિંગ અને કટિંગ માટેની મંજૂરી ઉચ્ચ સ્તરેથી લેવાતી હોય છે અને તે માટેનું ભરણું કરોડોમાં પહોંચતું હોય છે.
આજકાલ છૂટક પોઈન્ટો શરૂ કરવાનો માસિક હપ્તો બેથી અઢી લાખ સુધી પહોંચી ગયો છે. મુખ્ય કચેરીઓના નંદુ, કેબી, ટીકે કે રાજભા, ધંભા જેવા વહીવટદારો દર મહિને કાળા કાચવાળી ગાડીઓમાં આવીને હપ્તાના ઉઘરાણાં કરી જાય છે. જે-તે પોલીસ સ્ટેશન વિસ્તારના સાહેબોનો પોઈન્ટદીઠ એક લાખનો હપ્તો તો વધારાનો!
અમુક શાખાઓ કે જેનું કામ દારૂ પકડવાનું નથી તે શાખાના વહીવટદારો પણ પોઈન્ટો પર આવીને દસ પંદર હજારના ઉઘરાણાં કરી ખાય છે!
આ મિલિભગતના પરિણામે જ દોરી-લોટો લઈને ખાતામાં જોડાયેલાં અનેક લોકો બે ચાર વરસમાં તો લક્ઝરિયસ કારોમાં મહાલતાં થઈ જાય છે!
તપાસ, ચાર્જશીટ, પ્રેસનોટનો જુદો ખેલ
પોલીસ ભલે પાંચ કે પચ્ચીસ બાટલીઓ સાથે છૂટક બૂટલેગરને પકડીને પ્રેસનોટ ફોટો આપીને કામગીરી કર્યાનો સંતોષ માને પણ ઘણાં કેસોમાં ખરો ખેલ ‘તપાસ’માં થતો હોય છે.
પાંચ પચ્ચીસ બોટલોનો રેલો અંતે તો કોઈને કોઈ લિસ્ટેડ બૂટલેગર સુધી જતો હોય છે. તપાસમાં આ લિસ્ટેડ બૂટલેગરનું નામ ના ખોલવા માટે પણ વહીવટ થતો હોય છે.
મોટી માત્રામાં દારૂ પકડાય તેવા કિસ્સામાં પોલીસ ચોપડે ફરાર રહેતાં બૂટલેગરોની મંશા હકીકતે જેલમાંથી ઝડપથી છૂટી જવા કાયદાકીય આંટીઘૂંટીઓનો ગેરલાભ લેવાની હોય છે.
પહેલાં પોતાના માણસો પકડાય, તે જામીન પર છૂટવા માંડે એટલે પેરિટી (સમાનતાના સિધ્ધાંત)ના આધારે પોતે ઝડપથી જામીન પર છૂટી જશે તેવી ગણતરી રાખીને તેઓ બે ત્રણ મહિના બાદ પોલીસ સમક્ષ હાજર થતાં હોય છે. ત્યાં સુધી ફરાર રહેવા માટેની કિંમત પણ ચૂકવવી પડતી હોય છે.
લાખો કરોડોનો દારૂ પકડાવાનો ક્વૉલિટી કેસ હોય, આગોતરા જામીન ના મળે તેમ હોય તો કરોડોમાં આળોટતાં બૂટલેગરો ધંધાની આગોતરી ગોઠવણો કરીને સામેથી હાજર થઈ જાય છે.
ઘણાં બૂટલેગરો ધરપકડ બાદ પોતાના ફોટો અને પ્રેસનોટો જાહેર ના કરવા પેટે મોટો વહીવટ કરતાં હોય છે.
એક જાગૃત નાગરિક તમે ચેક કરજો કે જે જે મોટાં બૂટલેગરો પાછળથી પકડાય છે તેમના ફોટો સાથેની પ્રેસનોટ બહુ ઓછી જોવા મળશે. ચીભડચોરોને પકડીને પ્રેસનોટ ફોટા ટ્વિટ કરતાં અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટ ચેક કરી લેશો એટલે વગર કીધે ઘણું બધું સમજી જશો!
ગોઠવણ સાથે થતી ધરપકડની જેમ ઝડપથી ચાર્જશીટ દાખલ કરવાના નામે પણ વહીવટો થાય છે.
સામાન્ય રીતે, બૂટલેગરની ધરપકડ બાદ તેની સામેની તપાસ પૂરી કરી કૉર્ટમાં ચાર્જશીટ કરવાની સમયમર્યાદા ૬૦ દિવસની છે. મોટી માત્રામાં દારૂ પકડાયો હોય તેવા ગંભીર કેસોમાં સામાન્યતઃ કૉર્ટો પોલીસ તપાસ પૂરી થયા બાદ એટલે કે ચાર્જશીટ બાદ જામીન આપવા, ના આપવા અંગે નિર્ણય કરવાનું મુનાસિબ માનતી હોય છે. તેથી મોટા ગજાના બૂટલેગરો ઝડપથી ચાર્જશીટ કરવા પેટે વહેવાર કરતાં હોય છે.
ગુજરાતમાં પાંચ લાખથી વધુનો શરાબ પકડાયો હોય તેવા કેસમાં આરોપીઓ સામેના કેસો ચલાવવા માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક થાય છે.
કાયદાકીય જોગવાઈઓની આંટીઘૂંટીઓના લીધે આવા લિસ્ટેડ બૂટલેગરો જામીન પર છૂટી જાય છે અને ફરી એ જ પ્રવૃત્તિમાં સંડોવાય છે. વક્રતા એ છે કે જો જામીનની શરતનો ભંગ કરવા બદલ જામીન રદ્દ કરવા અરજી કરાય તો કેવળ પોલીસ કેસ નોંધાવાથી ગુનો સાબિત થતો નથી તેમ માનીને મોટાભાગે કૉર્ટો જામીન રદ્દ કરવાની અરજી ફગાવી દે છે.
કચ્છનો એક લિસ્ટેડ બૂટલેગર પોતાને એઈડ્ઝ જેવો ગંભીર ગુપ્ત રોગ હોવાની દલીલો કરીને દર વખતે દારૂના ગુનાઓમાં જામીન પર બહાર આવી જાય છે. એઈડઝના બહાને જામીન પર છૂટીને તે ફરી લાખો કરોડોના દારૂનો કારોબાર શરૂ કરી દે છે.
આ બૂટલેગરો જેલમાં જાય ત્યારે અંદર પણ બાટલીથી લઈને ખાટલી સુધીની ગોઠવણ કરી લેતાં હોય છે. જેલમાં બેઠાં બેઠાં ધંધો ચલાવતાં રહે છે.
કેટલાં બૂટલેગરોના વાહનોની હરાજી થઈ?
ઑગસ્ટ ૨૦૨૪માં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટા ઉપાડે જાહેરાત કરેલી કે દારૂ યા ડ્રગ્ઝનું પરિવહન કરતાં જે વાહનો જપ્ત કરાશે તે વાહનોને કેસનો ચુકાદો આવે તે પહેલાં હરાજી કરીને વેચાણ કરી દેવાશે. જો આરોપી નિર્દોષ ઠરશે તો તેને વાર્ષિક પાંચ ટકાના વ્યાજદર સાથે વાહનની હરાજીમાં ઉપજેલી રકમ સરકાર પરત કરશે. આ માટે વિધાનસભામાં બહુમતિથી ગુજરાત પ્રોહિબિશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૯૮ની પેટા કલમ ૨માં સુધારો કરવામાં આવેલો. બે વરસ થવા આવ્યાં, ગુજરાત કે કચ્છમાં કેટલાં બૂટલેગરોના જપ્ત વાહનોની હરાજી થઈ છે? બોલો ગાંધી બાપુની જય.
Share it on
|