કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ભુજ તાલુકાના રાયધણપરની ગ્રામ પંચાયત અને સ્કુલ મેનેજમેન્ટ કમિટિના સભ્ય માદા તેજા બરાડીયાએ ગામની પંચાયતી પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં ભણતાં એક બાળકને ઢોર માર મારતાં જિલ્લાના શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના શાળામાં રાખેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેની 2 મિનિટ 13 સેકન્ડની એક વિડિયો ક્લીપ બહાર આવી છે. વિડિયો ક્લીપમાં માદા તેજા આહીર હાથમાં ડાળખી લઈને છાત્રને મારતો નજરે ચઢે છે. તેના માર સામે બાળક પ્રતિકાર કરે છે તો આ ભાઈ ડાળખીને પડતી મુકી સીધો હાથાપાઈ પર ઉતરી આવે છે. વિડિયો ક્લીપમાં તે બાળકને તમાચા મારતો, હાથ અને પગે આંટી મારતો-લાત મારતો નજરે ચઢે છે. બાદમાં તે બાળકને ઘસડીને એક રૂમમાં લઈ ઢોર માર મારે છે. ઢોર માર મારીને તે રૂમ બહાર પાછો ફરે છે. બાળકને માર મારવાની ઘટના સમયે શાળાના શિક્ષકો અને છાત્રો પણ હાજર જોવા મળે છે. વિડિયોમાં દેખાતી એક શિક્ષિકા મૂકપ્રેક્ષક બની બાળકને ઢોર માર ખાતો જોતી જોવા મળે છે.
પ્રાથમિક શિક્ષણ તંત્ર ચોંક્યું, આચાર્ય પાસે તાકીદે મગાવ્યો રીપોર્ટ
સમગ્ર બાબત અંગે જાણ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર ચોંકી ઉઠ્યાં હતા. કચ્છખબરને તેમણે જણાવ્યું કે, ‘’ગઈકાલે બપોરે રીસેસના સમયે આ બનાવ બન્યો હતો. બનાવ સંદર્ભે માદા તેજા બરાડીયાએ શિક્ષકોને એમ જણાવ્યું હતું કે તે બાળક હાથ-પગ ધોતો હતો ત્યારે મને ગાળ બોલ્યો હતો એટલે મેં તેને શિક્ષા કરી. જો કે, રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અનુસાર શાળામાં છાત્રને શારીરિક સજા કરવી એ ગુનો બને છે. અહીં તો શાળાની અંદર શાળાનો કર્મચારી ના હોય તેવો ગ્રામ પંચાયતનો સદસ્ય આવીને બાળકને ઢોર માર મારે છે તે જરાય ના ચલાવી લેવાય. આજે બાળકના વાલીઓ શાળાએ ફરિયાદ કરવા આવ્યા હતા. તેમણે આ શખ્સ ફરી શાળામાં પગ ના મુકવો જોઈએ તેવી માંગણી કરી હતી. અલબત્ત, બનાવ અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. જો કે, આ મામલો ગંભીર છે. સમગ્ર બાબત અંગે શાળાના આચાર્યનો તાબડતોબ વિસ્તૃત અહેવાલ મગાવાયો છે અને તેના આધારે શું કાયદેસર કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાશે. માદા તેજા બરાડીયા ગ્રામ પંચાયતનો સભ્ય હોઈ બનાવ અંગે જિલ્લા વિકાસ અધિકારીને પણ શિક્ષણ તંત્ર લેખીતમાં રીપોર્ટ કરશે’’
Share it on
|