કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘ઓપરેશન સિંદૂર’ અને ત્યારબાદ પાકિસ્તાને કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપનારાં ભારતીય સેનાના જવાનોમાં જોમ જુસ્સો પૂરવા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભુજ એરબેઝ ખાતે જોશીલી જબાનમાં સૈન્ય સંમેલનને સંબોધ્યું હતું. રાજનાથે જણાવ્યું કે ‘વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ નવું ભારત છે કે જે આતંકને સહન નથી કરતું પરંતુ તેનો વળતો જવાબ આપે છે, આતંકવાદ સામેની લડાઈ હવે કેવળ સુરક્ષાનો વિષય નથી બલ્કે નેશનલ ડિફેન્સ ડૉક્ટ્રીનનો તે ભાગ બની ગઈ છે’
તેમણે ભારતીય સશસ્ત્ર દળો સાથે મળીને પાકિસ્તાન પ્રેરિત સમર્થિત પ્રોક્સી વૉર અને હાઈબ્રીડ વૉરનો અંત આણવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
‘ઓપરેશન સિંદૂર’ ફક્ત ટ્રેલર, પૂરું પિક્ચર બાકી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને નિવેદનોના આધારે અમેરિકાના દબાણ અને મધ્યસ્થીથી ભારતે ફક્ત ચાર દિવસમાં ‘ઓપરેશન સિંદૂર’ના વાવટાં સંકેલી લઈને યુધ્ધવિરામ કરવો પડ્યો હોવાની દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓનો પરોક્ષ રીતે પ્રત્યુત્તર વાળતાં રાજનાથે જણાવ્યું કે ‘‘ઓપરેશન સિંદૂર’ હજુ પૂરું થયું નથી. જે કંઈપણ થયું છે તે ફક્ત ટ્રેલર છે. હવે ફરી જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે દુનિયાને પૂરું પિક્ચર પણ બતાડશું.
જેમ કૉર્ટ અને પોલીસ ઉપદ્રવી લોકોને પ્રોબેશન (સારી ચાલ-ચલગત, વર્તાવની શરતે સજામાફીનો લાભ) પર રાખે છે અને જો તેનો ભંગ થાય તો ઉચિત દંડ કરે છે તેવું જ વર્તમાન યુધ્ધવિરામનું છે, પાકિસ્તાનને આપણે તેની વર્તણૂકના આધાર પર હજુ પ્રોબેશન પર રાખ્યું છે.
જો તેનું વર્તન સુધરે તો ઠીક પણ જો કોઈ ગરબડ કરશે તો તેને કડકમાં કડક દંડ કરાશે. નવા ભારતમાં આપણે સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ આપણાં સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશે તો તેને વળતો પ્રહાર પણ ખમવો પડશે’
ભુજની માટીમાં દેશભક્તિની ખુશ્બુ છે
ભુજ એરબેઝ પર વાયુ સેના સહિતની સશસ્ત્ર દળોની ત્રણે પાંખ સાથે બીએસએફ, કોસ્ટગાર્ડના જવાનો અધિકારીઓને સંબોધતાં જવાનોએ દાખવેલાં શૌર્યને કરિશ્માઈ ગણાવી તેના લીધે સમગ્ર વિશ્વમાં ભારતનું મસ્તક ગર્વથી ઊંચુ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. ૧૯૬૫ના યુધ્ધમાં પાકિસ્તાન સામેની જીતનું સાક્ષી બનેલું ભુજ આજે વધુ એકવાર જીતનું સાક્ષી બન્યું હોવાનું જણાવતાં રાજનાથે જણાવ્યું કે તેની માટીમાં દેશભક્તિની એક ખુશ્બુ છે અને અહીંના જવાનોમાં ભારતની સુરક્ષાનો એક અડગ સંકલ્પ પણ છે.
લોકો નાસ્તો કરે તેટલી વારમાં તમે દુશ્મનોને પતાવી દીધાં
‘ઓપરેશન સિંદૂર’ નામ વડાપ્રધાન મોદીએ આપ્યું હોવાનું જણાવતાં રાજનાથે કહ્યું કે’ પાક.ની જમીન પર પોષણ મેળવી રહેલાં આતંકના અજગરને કચડવા માટે ભારતની વાયુસેના માટે ફ્ક્ત ૨૩ મિનિટ પૂરતી હતી જે તમે કરી બતાડ્યું છે. જેટલી વારમાં લોકો નાસ્તો પાણી કરે તેટલી વારમાં તો તમે દુશ્મનોને પતાવી દીધાં.
તમે દુશ્મનની જમીન પર મિસાઈલો ફેંકી છે, તેની ગૂંજ કેવળ ભારતની સીમાઓ પૂરતી નહીં પરંતુ આખી દુનિયામાં સંભળાઈ છે. વાસ્તવમાં તે ગૂંજ ફક્ત મિસાઈલોની નહીં, તમારા શૌર્ય અને પરાક્રમની હતી’
સમગ્ર અભિયાનનું નેતૃત્વ વાયુસેનાએ કરીને તેના શૌર્ય અને પરાક્રમથી આકાશમાં નવી ઊંચાઈ આંબી હોવાનું જણાવી રાજનાથે આપણી એરફોર્સની પહોંચ પાકિસ્તાનના તમામ ખૂણા સુધી હોવાનું અને તે સાબિત થઈ ચૂક્યું હોવાનું જણાવી એર ચીફ માર્શલ અને તમામ વાયુસૈનિકોને વિશેષ અભિનંદન પાઠવ્યાં હતાં.
બ્રહ્મોસે પાક.ને રાતના અંધારામાં દિવસનું અજવાળું બતાવ્યું
સૈન્ય અભિયાનમાં ભારતના સ્વદેશી શસ્ત્રોએ પણ અચૂક અભેદ રીતે નિશાન તાક્યાં હોવાનું જણાવી બ્રહ્મોસ મિસાઈલે તો પાકિસ્તાનને રાતના અંધારામાં દિવસનું અજવાળું બતાવી દીધું હોવાનું જણાવ્યું હતું. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પર ગર્વ કરતાં રાજનાથે જણાવ્યું કે આપણાં નાગરિકો દુશ્મનના ડ્રોન જોઈને ભાગતાં નહોતા પરંતુ એર ડિફેન્સ સિસ્ટમથી તે તૂટી પડતાં હોય તેના વીડિયો મોબાઈલમાં બનાવતાં હતાં.
પાક.ને સહાય મુદ્દે IMF પુનર્વિચાર કરે
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સહાય અને જનતાના ટેક્સમાંથી ભારતે તોડી પાડેલાં આતંકી ઠેકાણાઓને ફરી ઊભાં કરવાના શરૂ કરેલાં પ્રયાસો, યુનો દ્વારા ઘોષિત આતંકવાદી મસૂદ અઝહરને ૧૪ કરોડ રૂપિયાની સહાય આપવાની બાબતનો ઉલ્લેખ કરીને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પાક.ને મંજૂર કરાયેલી એક બિલિયન ડૉલરની સહાય અંગે સવાલ ઉઠાવતાં કહ્યું કે શું આ IMF દ્વારા આતંકને અપાયેલું પરોક્ષ ફંડીંગ નહીં ગણાય? IMF આ બાબતે પુનર્વિચાર કરે.
પાક.ના પરમાણુ હથિયારો મુદ્દે દર્શાવી ચિંતા
પાકિસ્તાન સરકાર અને આતંકવાદ વચ્ચે ‘ચોલી દામન’નો સંબંધ સ્પષ્ટ થઈ ગયો છે ત્યારે તે પરિપ્રેક્ષ્યમાં પાકિસ્તાનમાં રહેલા પરમાણુ હથિયારોની સલામતી અંગે સંશય દર્શાવતાં રાજનાથે જણાવ્યું કે જો ક્યારેક આ પરમાણુ હથિયારો આતંકવાદીઓના હાથમાં જતાં રહ્યાં તો ફક્ત ભારત જ નહીં સમગ્ર વિશ્વ અને પાક.ના નાગરિકો માટે એક ગંભીર જોખમ સર્જાઈ શકે છે. વિશ્વ અને પાક.ની જનતાએ આ જોખમને સમજવું પડશે.
આ સિંદૂર શણગાર નહીં શૌર્યનું પ્રતીક છે
સંબોધનના અંતમાં રાજનાથે જણાવ્યું કે તમારા પરાક્રમે એ બતાવી દીધું છે કે આ એ સિંદૂર છે કે જે શણગાર નહીં શૌર્યનું પ્રતીક છે, સૌંદર્ય નહીં સંકલ્પનું પ્રતીક છે, ખતરાની એ લાલ લકીર છે જે ભારતે આતંકવાદના માથા પર ખેંચી છે. સૈન્ય જવાનો સાથે દેશની જનતા પણ એકસંપ થઈને સરકાર અને સેનાની પડખે રહીને, ભારતનો દરેક નાગરિક તેમાં એક સિપાઈની જેમ ભાગીદાર બન્યો તે બદલ રાજનાથે જનતાનો પણ આભાર માન્યો હતો.
સ્મૃતિવન મેમોરિયલને દુનિયાનું ગૌરવ ગણાવ્યું
સૈન્ય જવાનોને સંબોધન બાદ રાજનાથે ભુજમાં આવેલા સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લઈને તેને ભારત જ નહીં પરંતુ દુનિયાનું ગૌરવ ગણાવ્યું હતું. દેશના નાગરિકોને આ મ્યુઝિયમની મુલાકાત લેવા અનુરોધ કરીને રાજનાથે ભૂકંપમાં જીવ ગુમાવનારાં દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છીમાડુઓની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી થયેલા કચ્છના સર્વાંગી વિકાસને તેમણે બિરદાવ્યો હતો.
Share it on
|