click here to go to advertiser's link
Visitors :  
24-Nov-2025, Monday
Home -> Vishesh -> SMC expose interstate IMFL network at Mundra Port Caught IMFL worth Rs 3 Crore
Monday, 24-Nov-2025 - Gandhinagar 1896 views
મુંદરામાં SMCનું બે દિવસનું મેગા ઓપરેશનઃ ૩ કરોડનો દારૂ પકડાતા ગુજરાતમાં ખળભળાટ
કચ્છખબરડૉટકોમ, ગાંધીનગરઃ કચ્છમાં સ્થાનિક પોલીસને ‘ઊંઘતી’ રાખીને ગાંધીનગરના સ્ટેટ મોનિટરીંગ સેલની બબ્બે ટૂકડીએ બે દિવસ સુધી ઓપરેશન હાથ ધરીને રેલવે મારફતે પંજાબથી મુંદરા પોર્ટ પર દારૂ ભરેલાં કન્ટેઈનરો મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. SMCની બે જુદી જુદી ટીમે મુંદરા પોર્ટ પર આવેલા દારૂ ભરેલાં બે કન્ટેઈનરો જપ્ત કરી કુલ ૨ કરોડ ૯૭ લાખ ૫૨ હજાર ૩૦૦ રૂપિયાનો વિદેશી શરાબ બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. શરાબનો જથ્થો કચ્છના લિસ્ટેડ બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડને સપ્લાય થતો હતો.
ઓઈલના નામે લુધિયાણા ICDમાંથી દારૂ મોકલાતો

પંજાબના ફિરોજપુરની મેસર્સ બાલાજી ટ્રેડિંગ કંપનીના નામે  સુખદેવસિંઘ નામનો શખ્સ લુધિયાણા ICDમાં દારૂ ભરેલાં કન્ટેઈનરમાં ઓઈલ હોવાની ખોટી બિલ્ટી બનાવીને રેલવે રેકમાં લોડ કરતો હતો. આ કન્ટેઈનર મુંદરા પોર્ટના રેલવે સ્ટેશન પર આવે એટલે મુંદરાસ્થિત મેસર્સ પ્રિસ્ટીન મેગા લોજીસ્ટિક્સ પ્રા.લિ. (નિર્મલ કોમ્પ્લેક્સ, બોરાણા સર્કલ, મુંદરા) નામની પેઢી કન્ટેઈનર ક્લિયરન્સ માટે ફોર્મ નંબર ૬ તૈયાર કરીને વોટસએપ પર સુખદેવને મોકલી આપતી. ચોપડા પર આ કન્ટેઈનર સુરતના વરાછાની પેઢીને મોકલવાનું જાહેર કરાઈ ઈન્વોઈસ વગેરે જેવા કાગળિયા તૈયાર કરાતાં.

ટ્રેલરમાલિક પોર્ટ પરથી કન્ટેઈનર લઈ આવતો

સુખદેવસિંઘનો માણસ જય ગુરુદેવસિંઘ ફોર્મ નંબર ૬ પ્રાગપર ચોકડીએ હોટેલ રંગલા પંજાબ ખાતે રોકાયેલાં ટ્રેઈલર માલિક જોગારામ જાટ (રહે. બાડમેર)ને વોટસએપ પર ફોરવર્ડ કરીને કન્ટેઈનર લોડ કરવા માટે જાણ કરતો. જોગારામ તેનું ખાલી ટ્રેઈલર લઈને મુંદરા પોર્ટ પર જઈ કન્ટેઈનર ટ્રેઈલરમાં લોડ કરીને હોટેલ રંગલા પંજાબ લઈ આવતો.

અનોપનો પગારદાર માણસ પ્રાગપરથી ટ્રેલર લઈ જતો

દારૂ ભરેલું ટ્રેલર હોટેલ પર આવી જાય એટલે અનોપસિંહ અભેસિંહ રાઠોડનો પગારદાર ડ્રાઈવર ભજનારામ બિશ્નોઈ (રહે. સાંચોર, રાજસ્થાન) ત્યાં આવીને ટ્રેઈલર લઈ જતો અને કેરા નજીક અનોપના કાલુ નામના માણસને ટ્રેઈલર આપી જતો. કાલુ શરાબનું કટિંગ કરી ખાલી ટ્રેઈલર ભજનારામને પરત આપી જતો. જોગારામને મુંદરા પોર્ટથી પ્રાગપર ચોકડી સુધી દારૂ ભરેલું ટ્રેઈલર લઈ આવવાની પ્રત્યેક ખેપ માટે સુખદેવસિંઘ દ્વારા પચાસ હજાર રૂપિયા મળે છે. જ્યારે, ભજનારામને અનોપસિંહ મહિને ૩૦ હજાર રૂપિયા વેતન આપે છે.

SMCએ જોગારામ અને ભજનારામને ઝડપ્યાં

૨૨ નવેમ્બરની સાંજે બાતમીના આધારે SMCના પીએસઆઈ કે.ડી. રવિયાના નેતૃત્વમાં તેમની ટીમે બોરાણા સર્કલ પાસે વૉચ ગોઠવીને ટ્રેઈલર લઈને ફોર્મ નંબર ૬ લેવા માટે પ્રિસ્ટીન લોજીસ્ટિક્સની ઑફિસે રૂબરૂ આવી રહેલા જોગારામ અને ભજનારામને ઝડપી લીધાં હતા. તેમની પૂછપરછમાં બહાર આવેલું કે હાલ એક કન્ટેઈનર મુંદરા પોર્ટમાં આવ્યું છે અને તેને લોડ કરવા જવાનું છે.

પોર્ટ પર આવેલા કન્ટેઈનરમાંથી ૧.૫૪ કરોડનો દારૂ મળ્યો

SMC પોલીસ જાપ્તા સાથે બેઉને મુંદરા પોર્ટ ICD લઈ ગઈ હતી. કસ્ટમના એડિશનલ કમિશનરને દરોડા અંગે લેખીત રિપોર્ટ કરીને કસ્ટમના પ્રિવેન્ટીવ ઑફિસરોની હાજરીમાં કન્ટેઈનરના સીલ તોડી ચેક કરાતાં તેમાંથી ૧ કરોડ ૫૪ લાખ ૮૭ હજાર ૯૦૦ રૂપિયાની કિંમતની જુદી જુદી ત્રણ બ્રાન્ડની વ્હિસ્કીની ૧૧ હજાર ૭૩૧ નંગ બાટલીઓ મળી આવી હતી. આ કામગીરી બીજા દિવસની બપોરના દોઢ વાગ્યા સુધી ચાલી હતી. બાટલીઓ પરના બેચ નંબર ભૂંસી નખાયેલા હતા.

બીજી ટીમે ગઈકાલે સાંજે વધુ એક કન્ટેઈનર પકડ્યું

SMCના પીએસઆઈ એસ.વી. ગલચરના નેતૃત્વમાં બીજી ટીમે સાંજે બાતમીના આધારે મુંદરા પોર્ટ રેલવે સ્ટેશન ખાતે આર.એન.ડી. યાર્ડમાં દરોડો પાડીને દારૂ ભરેલું અન્ય એક કન્ટેઈનર જપ્ત કર્યું હતું. આ કન્ટેઈનરમાંથી વિવિધ ૩ બ્રાન્ડની વ્હિસ્કી અને બિયર મળી ૧ કરોડ ૪૨ લાખ ૬૪ હજાર ૪૦૦ રૂપિયાની કિંમતના શરાબ બિયરની ૧૨ હજાર ૬૦૦ નંગ બાટલી અને બિયર ટીન જપ્ત કર્યાં હતા. આ કન્ટેઈનર પણ સુખદેવસિંઘે બાલાજી ટ્રેડિંગના નામે લુધિયાણા ICDથી રેલવે મારફતે મુંદરા મોકલ્યું હતું.

બેઉ કન્ટેઈનરમાંથી કુલ ૨ કરોડ ૯૭ લાખ ૫૨ હજાર ૩૦૦ રૂપિયાનો શરાબનો જથ્થો જપ્ત થયો છે.

બીજા દરોડાની કામગીરી આજે સવારે નવ વાગ્યા સુધી ચાલી હતી.

અત્યારસુધી આઠ કન્ટેઈનરનું કટિંગ થયું છે

SMCએ પ્રિસ્ટીન મેગા લોજીસ્ટિક્સ પ્રા.લિ.ના ડેપ્યુટી મેનેજર ઉજ્જવલ મહંતની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે લુધિયાણાથી સુખદેવસિંઘે અત્યારસુધીમાં કુલ દસ કન્ટેઈનર મોકલ્યાં છે. પહેલું કન્ટેઈનર ૨૯ ઑગસ્ટે, ૧૫ સપ્ટેમ્બરે, ૭, ૧૦ અને ૧૩ નવેમ્બરે એક એક કન્ટેઈનર, ૧૭ અને ૨૦ નવેમ્બરે બે-બે કન્ટેઈનર, ૨૩ નવેમ્બરે એક કન્ટેઈનર લુધિયાણાથી મુંદરા મોકલાયું હતું. દસ પૈકી બે કન્ટેઈનર એસએમસીએ જપ્ત કર્યાં છે.

જેલમાં રહેલા અનોપના નેટવર્ક વિશે ગહન તપાસ

સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી મયૂર ચાવડાએ જણાવ્યું કે માનકૂવા નજીક આવેલા કેરા ગામનો અનોપસિંહ અભેસિંહ રાઠોડ લિસ્ટેડ બૂટલેગર છે અને તેના પર ગુજરાત રાજસ્થાન સહિત વિવિધ પોલીસ મથકોમાં દારૂબંધીને લગતાં વીસથી વધુ ગુના દાખલ થયેલાં છે. થોડાંક સમય અગાઉ તેને કચ્છ કલેક્ટરે પાસામાં અંદર કર્યો હતો. હાલ તે જેલમાં છે. જેલમાં રહીને તે કેવી રીતે દારૂના નેટવર્કને ઓપરેટ કરતો હતો તે અંગે અમે ગહન તપાસ શરૂ કરી છે.

કસ્ટમની ભૂમિકા સામે ગંભીર સવાલો

ICD (Inland Container Depot) સમુદ્રી બંદરોથી દૂર ‘ડ્રાય પોર્ટ’ તરીકે કામગીરી કરે છે. ICD મારફતે હેરફેર થતાં માલ સામાન પર કસ્ટમની કહેવાતી કડક નિગરાની હોય છે. ત્યારે, દારૂના આ નેટવર્કમાં મુંદરા કસ્ટમ્સની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે.

સ્થાનિકે કોઈની બેદરકારી કે નૈતિક જવાબદારી નક્કી થશે?

આઠ આઠ કન્ટેઈનર મુંદરા પોર્ટથી કચ્છમાં પગ કરી જાય અને સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચને ગંધ ના આવે તે બાબતે પણ SMCએ તપાસ હાથ ધરી છે. છેક ગાંધીનગરથી SMCએ આવી અહીં દરોડો પાડીને જંગી દારૂ ભલે જપ્ત કર્યો હોય પરંતુ સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના જવાબદારોની બેદરકારી કે નૈતિક જવાબદારી નક્કી કરાઈ કડક કાર્યવાહી કરાશે કે તે સવાલ છે. અગાઉ SMCએ અહીં દારૂ જુગારના ક્વૉલિટી કેસ કરેલાં છે પરંતુ મોટાભાગના કેસમાં જવાબદારો સામે કશી આકરી કાર્યવાહી થઈ નથી તે પણ હકીકત છે.

Share it on
   

Recent News  
ભ્રષ્ટ પોલીસ કર્મી અધિકારીના પટ્ટાં તો ઉતરશે જઃ મેવાણીનો વધુ એક વીડિયો વાયરલ
 
દોઢ મહિના બાદ રાપરના કુડા નજીક સીમાથી વધુ એક પાકિસ્તાની યુગલ ‘ગૌરી પોપટ’ ઝડપાયાં
 
લખપતમાં ફિલ્મ શૂટિંગ માટે ગેરકાયદે ઉઘરાણાં: ઈચ્છિત રૂપિયા ના મળતાં હુમલો કરાયો