click here to go to advertiser's link
Visitors :  
17-Apr-2026, Friday
Home -> Bhuj -> Full Circle of Controversy Disputed PSI Jethi Makes a Comeback in West Kutch LCB
Saturday, 21-Feb-2026 - Bhuj 41911 views
દળી દળીને ઢાંકણીમાં! પશ્ચિમ કચ્છ LCBમાં વિવાદાસ્પદ PSI જેઠીની એન્ટ્રી!!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાંથી ૪ કરોડનો દારૂ પકડાયા બાદ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ LCB PI એ.એમ. મકવાણા અને PSI જાદવની લીવ રીઝર્વમાં ટ્રાન્સફર કરી છે. IGના હુકમની મિનિટોમાં LCBમાં વિવાદાસ્પદ PSI હિતેશ જેઠીની એન્ટ્રી થઈ છે. એટલું જ નહીં, ચાઈના ક્લેના એક ધંધાર્થીની અરજીના આધારે હિતેશ જેઠીએ પધ્ધર પોલીસ મથકે ગત રાત્રે જ નાડાપા ગામના પિતા પુત્ર વિરુધ્ધ એક લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી છે. જેઠીનો LCBનો કાર્યકાળ ખૂબ વિવાદાસ્પદ રહ્યો છે.

મે માસમાં માંડવીના ત્રગડી ગામે SMCએ દરોડો પાડીને ૮૩.૭૮ લાખનો શરાબ જપ્ત કરેલો. જેના પગલે ૨૪ મેના રોજ એલસીબીના તત્કાલિન પીઆઈ સંદિપસિંહ ચુડાસમાની લીવ રીઝર્વમાં બદલી કરાઈને ઈન્ચાર્જ પીઆઈ તરીકે હિતેશ જેઠીને એલસીબીનો હવાલો સોંપાયેલો.

જેઠીના કાર્યકાળમાં SMCએ દારૂ જુગારના ઘણાં કેસ કરેલાં

જેઠીના કાર્યકાળ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પશ્ચિમ કચ્છમાં વ્યાપ્ત દારુ જુગારની બદી પર ગુણવત્તાસભર દરોડાનો દૌર યથાવત્ રહેલો. નવેમ્બર માસના આખરમાં મુંદરામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડીને હરિયાણાથી રેલ માર્ગે કન્ટેઈનરોમાં મુંદરા મોકલાયેલો ત્રણ કરોડનો શરાબ જપ્ત કરેલો. જેના પગલે ૬ જાન્યુઆરીના રોજ ડીજીપીએ મુંદરાના પીઆઈ રાકેશ ઠુંમરની સુરત ગ્રામ્યમાં બદલી કરેલી. માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલ અને કેરા ઓપીના જમાદાર વિજય ઘાંઘરને સસ્પેન્ડ કરાયેલાં.

ડીજીએ નર્મદામાં બદલી કરી હોવાની વાત ઉડેલી

પશ્ચિમ કચ્છમાં પીઆઈ પીએસઆઈની સામૂહિક બદલી સમયે એલસીબી પીએસઆઈ હિતેશ જેઠીની નર્મદા જિલ્લામાં બદલી થઈ હોવાની ચર્ચા ઉપડેલી પરંતુ સત્તાવાર સમર્થન મળ્યું નહોતું. ૭ જાન્યુઆરીએ એસપીએ જિલ્લાના પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં રેગ્યુલર પીઆઈ તરીકે મકવાણાની નિમણૂક કરતા જેઠીને રીડર બ્રાન્ચની મૂળ જગ્યા પર બેસવાનો વારો આવ્યો હતો.

જેઠી દ્વારા દાખલ કરાતાં ખંડણીના કેસોમાં વિવાદો સર્જાયેલાં 

જેઠીના કાર્યકાળ દરમિયાન પશ્ચિમ કચ્છમાં દારુ જુગારીઓને જાણે કે મોકળું મેદાન મળ્યું હોય તેમ વખતોવખત ગંભીર પ્રકરણો બહાર આવ્યાં હતા. સોશિયલ મીડિયા પર વખતોવખત દારૂના અડ્ડા પર જનતા રેઈડની ક્લિપો વાયરલ થયેલી. પોલીસની નીતિ રીતિ સામે અવાજ ઉઠાવનારાં લોકોને બદલાની ભાવનાથી પીએસઆઈ જેઠી દ્વારા ખંડણીના કેસોમાં ખોટી રીતે ફીટ કરાતાં હોવાના પણ આરોપ થયેલાં. કોઈ જ નક્કર આધાર પુરાવા વગર ફક્ત આરોપબાજીના આધારે ભુજના અમુક પત્રકારોને પણ ખંડણીના ખોટાં કેસમાં ફીટ કરાયેલાં.

LCB પર આરોપ કરનાર અરજદાર ખંડણી કેસમાં ફીટ થયેલો

એલસીબીની બૂટલેગરો સાથેની સાંઠગાંઠ અને વહીવટદારોને સવા કરોડનો હપ્તો મળતો હોવાના સલીમ કુંભાર નામના એક અરજદારે ગંભીર આરોપ કરી આઈજી અને ડીજીને તપાસ કરવા અરજીઓ કરાયેલી. એલસીબી ઈન્ચાર્જ પીઆઈ જેઠીને દારૂના અડ્ડા ચાલતાં અંગે હોવાની જાણકારી આપીએ તો તે દારૂ વેચાતો હોવાના વીડિયો ઉતારીને મોકલવા જણાવે છે તેવો અરજીમાં આરોપ કરાયેલો. અરજી કરનાર સલીમ અને તેના મિત્રો પર પાછળથી ૧૬ ડિસેમ્બરના રોજ ભુજના હાર્દિક ગોસ્વામી નામના રીઢા બૂટલેગરે આપેલી અરજીના આધારે હિતેશ જેઠીએ તેમની વિરુધ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવડાવેલી.

આ એ જ હાર્દિક ગોસ્વામી હતો કે જેનું સલીમે કરેલી અરજીમાં બૂટલેગરોની યાદીમાં નામ લખાયેલું હતું! ઉલ્લેખનીય છે કે એસએમસીએ ગઈકાલે પકડેલાં ચાર કરોડના દારૂના કેસમાં હાર્દિક મારાજ નામનો બૂટલેગર પણ આરોપી છે.

ડિસેમ્બર માસમાં ખાવડા નજીક કોટડા ગામના આગેવાન ઈશાક સમાએ ખુલ્લેઆમ ચાલતાં દારૂના અડ્ડા પર જનતા રેઈડ કરેલી.

જનતા રેઈડ કરનાર આગેવાનને પણ ખંડણીમાં બોગસ કેસમાં ફીટ કરાયેલો?

એક કંપની મારફતે એલસીબીએ ઈશાક સમાને ખંડણીના કેસમાં ફીટ કર્યો હતો. આ કેસમાં ઈશાક સમાના પરિવારે એલસીબીએ બદલાની ભાવનાથી કિન્નાખોરી રાખીને ખોટી ફરિયાદ નોંધાવાઈ હોવાનો ગંભીર આરોપ કર્યાં હતા. જે સંજોગોમાં આ ફરિયાદ દાખલ થયેલી તેને લઈને પણ અનેક શંકા કુશંકા સર્જાઈ હતી.

જેઠી દ્વારા દાખલ કરાયેલી ખંડણીની ફરિયાદોના સિલસિલા વચ્ચે અદાલતોએ આરોપીઓને પુરાવાના અભાવે જામીન પર છોડી દીધાં હતા. મોટાભાગના આરોપીઓને તો ગણતરીના કલાકોમાં નીચલી અદાલતોમાં જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા જ જામીન મુક્ત કરી દેવાયાં હતા.

પધ્ધરના દારૂ પ્રકરણે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મકવાણાની લીવ રીઝર્વમાં બદલીના હુકમોની ગણતરીની મિનિટો બાદ એલસીબી પીએસઆઈ તરીકે હિતેશ જેઠીએ પધ્ધર પોલીસ મથકે નાડાપા ગામના પિતા પુત્ર વિરુધ્ધ એક લાખની ખંડણી માગ્યાની ફરિયાદ નોંધાવડાવી છે.

જેઠીએ LCB PSI તરીકે વધુ એક ખંડણીની FIR દાખલ કરાવી

નાડાપાના ઓસમાણ હુસેન લુહાર અને તેના પુત્ર લિયાકત ઊર્ફે પપ્પુએ પોતાના અને પોતાના ભાઈઓએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને રસ્તો બંધ કરી દીધો હોઈ કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની અરજી કરી પોતાની પાસે પતાવટ પેટે એક લાખ રૂપિયા માગ્યા હોવાનું ચાઈના ક્લેના ધંધાર્થી એવા હરિભાઈ કાનાભાઈ ચાડે ફરિયાદમાં લખાવ્યું છે.

રેવન્યૂ કેસને લગતી મેટરમાં એક લાખની ખંડણી માગ્યા અંગે આરોપીઓ વિરુધ્ધ કોઈ નક્કર આધાર પુરાવા નથી તેમ ફરિયાદની વિગતો પરથી વર્તાઈ આવે છે.
Share it on
   

Recent News  
૧૯૮૭થી આજ સુધી ભુજ કૉર્ટ પાંચ પાક. આતંકી સહિત ૭ જણને ફાંસીની સજા ફટકારી ચૂકી છે
 
ભુજના લોડાઈ ગામે પાણીપૂરી ખાધાં બાદ ૩૬ જણને ફૂડ પોઈઝનીંગઃ આરોગ્ય તંત્રમાં દોડધામ
 
વૃધ્ધ મહિલાના અપહરણ, રેપ વીથ મર્ડર કેસમાં ભુજ કૉર્ટે યુવકને ફાંસીની સજા ફટકારી