|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ બિહારમાં મતદાર યાદીના ‘ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)’ની વિવાદાસ્પદ કામગીરી અને ‘વોટ ચોરી’ના સજ્જડ પુરાવા સાથેના ગંભીર આરોપો વચ્ચે ચૂંટણી પંચે ગુજરાત સહિત ૯ રાજ્ય અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની કામગીરી શરૂ કરી છે. ગુજરાતમાં કચ્છ સહિતના જિલ્લાઓમાં ચોથી નવેમ્બરથી બુથ લેવલ ઑફિસર (બીએલઓ) દ્વારા ઘરોઘર દરેક મતદાતાને યુનિક એન્યુમરેશન ફોર્મનું વિતરણ શરૂ થયું છે. ૪ જ દિવસમાં ૯.૩૨ લાખ મતદારોને ફોર્મ અપાયાનો દાવો
વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટાં ગણાતા કચ્છ જિલ્લામાં ૬ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૧૬ લાખ ૯૦ હજાર ૫૮૪ મતદારો નોંધાયેલાં છે. આમ તો, આ ફોર્મના વિતરણની કામગીરી એક મહિના સુધી એટલે કે ૦૪-૧૧-૨૦૨૫થી ૦૪-૧૨-૨૦૨૫ સુધી ચાલવાની છે. પરંતુ, આપને જાણીને આશ્ચર્ય અને આઘાત થશે કે ફક્ત ચાર જ દિવસમાં બીએલઓ દ્વારા કચ્છના ૬ વિધાનસભા મત વિસ્તારમાં અડધાથી વધુ વસતિને એટલે કે ૫૫.૧૫ ટકા મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે!!
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના નામે સરકારી માહિતી ખાતાએ મોકલેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં કરાયેલા દાવા મુજબ અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપરમાં કુલ ૯ લાખ ૩૨ હજાર ૩૧૬ મતદાતાઓને આ ફોર્મ વિતરીત થઈ ચૂક્યાં છે!
દેશના સૌથી મોટાં જિલ્લામાં ફક્ત ચાર જ દિવસમાં અડધોઅડધ મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ થયું હોવાની વાત પહેલી જ નજરે ગળે ઉતરે તેવી નથી. આ અંગે કચ્છખબરે જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર આનંદ પટેલનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે કચ્છમાં કુલ ૧૮૪૮ મતદાન મથક નોંધાયેલાં છે. જે પૈકી ૧૪૦૦ બુથ ગ્રામિણ (રૂરલ) વિસ્તારમાં નોંધાયેલાં છે.
કલેક્ટર કહે છે કે ગામડાઓમાં સારી કામગીરી થઈ
પટેલે જણાવ્યું કે કચ્છના ગામડાંમાં ફોર્મ વિતરણની કામગીરી ખૂબ સારી રીતે પ્રગતિમાં છે. શહેરી અને અર્ધ શહેરી (અર્બન અને સેમી અર્બન) વિસ્તારોમાં હજુ એટલી પ્રગતિ થઈ નથી. આગામી સમયમાં શહેરી વિસ્તારોમાં પણ ફોર્મ વિતરણની કામગીરી વેગ પકડશે.
સોમવારથી ક્રોસ વેરીફિકેશન પણ શરૂ થશે
આનંદભાઈ પટેલે ઉમેર્યું કે બુથ લેવલ ઑફિસરોએ ખરેખર ફોર્મનું વિતરણ કર્યું છે કે કેમ તે જાણવા માટે સોમવારથી ૨૩૦ સેક્ટર ઑફિસર્સ તેમની ટીમ સાથે ક્રોસ વેરીફિકેશન માટે એક્શનમાં આવશે. દર આઠ દસ બીએલઓ પર સેક્ટર ઑફિસર્સ નીમાયાં છે. આ ઉપરાંત તલાટીઓ, સસ્તાં અનાજના દુકાનદારો, આંગણવાડી વર્કરો સહિતના અન્ય કર્મચારીઓને પણ બીએલઓએ કરેલી કામગીરીની ચકાસણી (ક્રોસ વેરીફિકેશન) માટે ડેપ્યુટ કરાશે.
ફોર્મ ના મળે તો ઓનલાઈન જઈ ફોર્મ ભરજો
SIR એક રીતે નવેસરથી બની રહેલી મતદાર યાદી છે. જો જરા સરખા ગાફેલ રહેશો તો ડૉ. બાબા સાહેબે ઘડેલાં બંધારણમાં જનતા તરીકે તમને મળેલો સૌથી મોટો અને મહત્વનો એવો બંધારણીય ‘મત અધિકાર’ ગુમાવી બેસશો. જો ફોર્મ ના મળે તો ચૂંટણી પંચની વેબસાઈટની આ લિન્ક પર ઓનલાઈન જઈને ફોર્મ ભરો. આ લિન્ક છે https://voters.eci.gov.in/
૧૯૫૦ નંબરની હેલ્પલાઈન પર ફોન લાગતો નથી
કચ્છના નાયબ ચૂંટણી અધિકારીએ એક હેલ્પલાઈન નંબર જારી કર્યો છે ૧૯૫૦. કચ્છખબરે આ નંબર પર કૉલ કરવા અનેકવાર પ્રયાસ કર્યો, નંબર આગળ STD કોડ ડાયલ કરીને પણ વારંવાર કૉલ કરવા પ્રયાસ કર્યો પરંતુ ફોન લાગતો જ નથી. જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલે આશ્ચર્ય વ્યક્ત કરી જણાવ્યું કે હું ચેક કરાવું છું. સાદો સવાલ અને સૂચન એ છે કે તંત્રએ પારદર્શિતા જળવાય તે માટે તમામ બુથના બીએલઓના મોબાઈલ નંબર જારી કરવા જોઈએ. જેથી જેને ફોર્મ ના મળ્યાં હોય તે સીધો બીએલઓનો ફોન પર સંપર્ક કરી શકે.
બિહારમાં SIRની કામગીરી અત્યંત વિવાદાસ્પદ
બિહારમાં SIRની કામગીરી અત્યંત વિવાદી બની રહી છે. સુપ્રીમ કૉર્ટમાં પુરાવા સાથે અનેક તથ્યો રજૂ થયાં છે. ચૂંટણી પૂર્વે અને પ્રથમ તબક્કાના મતદાન બાદ અનેક જીવતાં લોકોને મૃત જાહેર કરી મતાધિકાર છીનવાયો હોવાના મામલા બહાર આવ્યાં છે. અનેક લોકોના ઘેર બીએલઓ ફરક્યા જ નથી અને બારોબાર ભળતાં સળતાં લોકોના મતદાર તરીકે નામ ઘૂસી ગયાં છે તથા કમી થઈ ગયાં છે.
મત અધિકાર જ દેશમાં લોકશાહી ટકાવી રાખશે
અંગ્રેજોની ગુલામીમાંથી માંડ મુક્ત થયેલાં ભારતમાં હાલ લોકશાહી અંતિમ શ્વાસ લઈ રહી હોવાની શંકા અનેક ઘટનાઓ અને બાબતોથી સઘન બને છે. બંધારણીય રીતે સ્વાયત્ત અને સ્વતંત્ર અનેક સંસ્થાઓની નીતિ રીતિ તથા કામગીરી દરેક પળે શંકા સર્જી રહી છે.
જેને કદી ના વિખેરાતો વિરોધ પક્ષ ગણાવાયો હતો તે ‘ફોર્થ એસ્ટેટ’ ગણાતા મુખ્ય ધારાના અખબારો અને ટીવી ચેનલો ‘ડૉગી મીડિયા’માં પરિવર્તિત થઈ ગયાં હોવાનું અનેક વખત પ્રતીત થાય છે.
સવારે છાપું ખોલો ત્યારે શાસકોની ભાટાઈના આઠ આઠ કોલમના સમાચારો અને વિરોધ પક્ષોના નેતાઓ અને તેમની પુરાવા સાથેની વાતો તથા જનતાની હાલાકીની વાસ્તવિક્તાને અંદરના પાને સિંગલ કે ડબલ કૉલમમાં બોટમમાં ‘દબાવી’ દઈને તટસ્થ પત્રકારત્વ કર્યાનો ઝંડો લઈને ફરતાં સંગી પત્રકારોના યુગમાં દેશની જનતા પાસે રહેલો એકમાત્ર ‘મત અધિકાર’ જ દેશની લોકશાહીને ટકાવી રાખવાનો નાભિ શ્વાસ છે.
જનતા જાગૃત રહે તે જ એકમાત્ર ઉપાય
આ અધિકાર ના છીનવાય તે માટે દરેક મતદાર અને ખાસ કરીને નવયુવાનો સજાગ રહે તે જરૂરી છે. આવું તમારી સાથે ના થાય તે માટે દરેક પળે સજાગ અને સતર્ક રહો તે જ સમયની માગ છે. કારણ કે, ચૂંટણી સમયે મોટા ઉપાડે મત આપવા જશો અને વોટર લિસ્ટમાંથી નામ કમી થઈ ગયું હશે તો ગમે તેટલાં ઊંચા નીચા થશો કોઈ અર્થ નહીં સરે.
Share it on
|