click here to go to advertiser's link
Visitors :  
13-Aug-2026, Thursday
Home -> Vishesh -> Shocking West Kutch Police recovers 36.50 Lakh without filing FIR
Wednesday, 12-Aug-2026 - Bhuj 1360 views
આઘાતજનક! પોલીસે કોઈ જ FIR વગર લાખો રૂપિયા બારોબાર વસૂલી કાયદાનો ઊલાળિયો કર્યો!
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) માંડવીની કે.ડી. એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં ઊંચું વ્યાજ મળવાની  લાલચે લાખો રૂપિયાનું રોકાણ કરનારાં કચ્છના વિવિધ શહેરોના અગણિત રોકાણકારોના કરોડો રૂપિયા ફસાઈ જતાં ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસે મુંદરામાં આવા જ એક કિસ્સામાં ધરાર કોઈ ગુનો દાખલ ના કરીને, રોકાણકારોની ફસાયેલી ૩૬.૫૦ લાખ જેવી માતબર રકમ બારોબાર વસૂલીને પરત અપાવી દેતાં કાયદાના જાણકાર લોકોમાં આઘાત છવાઈ ગયો છે.

વક્રતા એ છે કે આ માહિતી કદાચ બહાર આવી જ ના હોત પરંતુ ખુદ પોલીસે જ આ વિગતો જાહેર કરી છે! ગૃહમંત્રીની વાહ વાહી કરવા જતાં પોલીસે અજાણતાં જ આ પોન્ઝી સ્કિમના ફ્રોડની વિગતો જાહેર કરી છે!

૩ દિવસમાં નાણાં પરત અપાવ્યાઃ SPનો દાવો

પશ્ચિમ કચ્છ પોલીસ દળના અધીક્ષક વિકાસ સુંડાએ આજે કેમેરા સામે એક ઈન્ટરવ્યૂમાં એવી વિગતો આપી છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ‘લોક સંવાદ’ કાર્યક્રમમાં મુંદરાના આશાબેન સિધ્ધપુરાએ તેમના નાણાં ફસાઈ ગયાં હોવાની રજૂઆત કરેલી. જેના પગલે પોલીસે ફક્ત ત્રણ જ દિવસની અંદર કાર્યવાહી કરીને આ મહિલાના ફસાયેલાં ૩૬.૫૦ લાખ રૂપિયા પરત અપાવી દઈને તેમની સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે.

બે અઢી મહિને ટુકડે ટુકડે રૂપિયા મળ્યાં: પીડિત

કચ્છખબરે મુંદરામાં રહેતા આશાબેન સિધ્ધપુરા સાથે આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે તેમને ૩ દિવસમાં નહીં પરંતુ છેલ્લાં બે અઢી મહિનામાં ટુકડે ટુકડે ૩ વખત પોલીસે તમામ ૩૬.૫૦ લાખ પરત અપાવ્યાં છે! પોન્ઝી સ્કિમમાં ફસાયેલાં પોતાના નાણાં પરત અપાવવા બદલ તેમણે પોલીસ અને મંત્રીનો આભાર માન્યો.

પોલીસ FIR વગર બારોબાર વસૂલી કરી શકે?

આશાબેનની વાત પરથી જણાય છે કે મંત્રીની વાહ વાહી કરવા માટે પોલીસે ભ્રામક માહિતી જાહેર કરી છે. કેટલી ઝડપથી નાણાં પરત અપાવ્યાં તેના વિવાદને કોરાણે રાખીએ તો પણ એ બાબત સૌથી ગંભીર છે કે આવી પોન્ઝી સ્કિમમાં કચ્છના અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયાં હોવાની આશંકા છે.

કાયદો બહુ સ્પષ્ટ છે. પોલીસ કદાપિ કોઈ ગુનો દાખલ કર્યાં વગર આ રીતે બારોબાર નાણાંની રિકવરી એટલે કે વસૂલી કરી જ ના શકે.

જો કોઈ કિસ્સામાં ભોગ બનનાર ફરિયાદ નોંધાવવા તૈયાર ના થાય તો પોલીસે ખુદ આવા ગંભીર ગુનાનું કોગ્નિઝન્સ લઈ સ્વેચ્છાએ સરકાર તરફે વિધિવત્ ફરિયાદ નોંધવી જ પડે. ફરિયાદ નોંધાયા બાદ કાયદાકીય રાહે રિકવરી થઈ જ શકે છે.

જાણો, કેવી રીતે આશાબેનના રૂપિયા ફસાયેલાં

મુંદરામાં બ્યૂટી પાર્લર ચલાવતાં આશાબેને કહ્યું કે કે.ડી. એન્ટરપ્રાઈઝ નામની માંડવીની પેઢીએ પોતે સરકાર માન્ય હોવાના ગેરમાર્ગે દોરતાં દાવા કરીને એવી સ્કિમ શરૂ કરેલી કે માસિક એક હજાર રૂપિયા લેખે ત્રણ વર્ષ માટે પેઢીમાં નાણાંનું રોકાણ કરવાનું. પાકતી મુદ્દતે રોકાણના ૩૬ હજાર સાથે ૧૪ હજાર વ્યાજ મળી કુલ ૫૦ હજાર રૂપિયા મળે.

આશાબેને આ પેઢીમાં તેમના વ્યક્તિગત ૧૪.૫૦ લાખ રૂપિયા રોકેલાં. બાદમાં મલ્ટિલેવલ માર્કેટીંગની સ્ટ્રેટેજીની જેમ કંપનીએ આશાબેનની જ એજન્ટ તરીકે નિમણૂક કરીને અન્ય લોકોને બાટલીમાં ઉતારેલાં. ત્રણ વર્ષની પાકતી મુદ્દતે આશાબેનને રૂપિયા પરત મળ્યાં નહોતાં.

માંડવી રહેતા હેમપુરી ગોસ્વામી નામના સંચાલકે વાયદાબાજી શરૂ કરેલી. દરમિયાન, સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો કથિત પ્રયાસ કરતાં પોતાના અને પોતે કરાવેલાં અન્યોના રોકાણની રકમ ફસાઈ ગઈ હોવાની આશાબેનની શંકા સુદ્રઢ થયેલી. તે ફરિયાદ નોંધાવવા ઈચ્છતાં નહોતાં. જેથી અંદાજે અઢી મહિના અગાઉ તેમણે ગાંધીનગરમાં ગૃહમંત્રીના જનસંવાદ કાર્યક્રમમાં આ અંગે રજૂઆત કરેલી. સંઘવીએ આ અંગે એસપીને સૂચના આપ્યાં બાદ પોલીસે હરકતમાં આવીને આશાબેનને તેમણે રોકેલી પૂરેપૂરી રકમ પરત અપાવી દીધી છે.

કચ્છના અનેક લોકોએ કરોડોનું રોકાણ કર્યું છે

આશાબેને જણાવ્યું કે આ પેઢીમાં ભુજ, નખત્રાણા, માંડવી, મુંદરા સહિતના અગણિત લોકોએ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પેઢીનું રોજનું કલેક્શન જ દોઢથી બે કરોડ રૂપિયાનું હોવાનું આશાબેને ઉમેર્યું છે. આશાબેનને કોઈ જ FIR દાખલ કર્યાં વગર પોલીસે બારોબાર રૂપિયા પરત અપાવી જશ ખાટ્યો છે. પરંતુ, તેમ કરવા જતાં પોલીસ ખાતાંનો હરિરસ ખાટો થઈ ગયો છે! સમગ્ર મુદ્દે કચ્છખબરે પશ્ચિમ કચ્છ એસપીનો ફોન અને મેસેજથી વારંવાર સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પરંતુ તેમનો પ્રતિભાવ સાંપડી શક્યો નથી. 

સૌથી મોટો સવાલ એ છે કે આશાબેનની જેમ કે.ડી. એન્ટરપ્રાઈઝમાં જે અન્ય અસંખ્ય લોકોના પૈસા ફસાઈ ગયાં છે તેમને આ રીતે FIR દાખલ કર્યાં વગર પોલીસ નાણાં પરત અપાવશે? આવા કિસ્સાઓમાં જો પોલીસ ગુનો જ નહીં નોંધે તો ગુનેગારોને ગુના આચરવાનું મોકળું મેદાન મળી જશે.
Share it on
   

Recent News  
પંચાયતમાં ‘દુકાન’ ખોલીને બેઠેલી સેલારીની તલાટીને ACBએ આ રીતે કચેરીમાં ઝડપી પાડી
 
પત્નીએ શાક રોટલી બનાવવાનો ઈન્કાર કરતાં રાક્ષસ પતિએ ધોકા મારી પતાવી દીધી
 
લૂટેરી દુલ્હન ગેંગ લગ્નના નામે વાગડના વરરાજાને ૨.૫૩ લાખનો ચૂનો ચોપડી ગઈ!