click here to go to advertiser's link
Visitors :  
26-Sep-2026, Saturday
Home -> Kutch -> Indias First e-Methanol Plant to be Built in Kandla at a cost of Rs 2300 Crore
Saturday, 26-Sep-2026 - Gandhidham 455 views
કંડલામાં ૨૩૦૦ કરોડના ખર્ચે દેશનો સૌપ્રથમ ઈ-મિથેનોલ પ્લાન્ટ નિર્માણ પામશે
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ દીનદયાલ કંડલા પોર્ટ ખાતે દેશના સૌપ્રથમ પોર્ટ આધારીત ઈ-મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના થશે. આજે આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિપીંગ મિનિસ્ટર સર્બાનંદા સોનોવાલની ઉપસ્થિતિમાં સૂચિત પ્લાન્ટનો શિલાન્યાસ કરાયો છે.

દેશમાં પરંપરાગત પધ્ધતિએ મિથેનોલનું ઉત્પાદન કરતી આસામ પેટ્રો કેમિકલ્સ લિમિટેડ (APL) અને દીનદયાલ પોર્ટ ઑથોરીટી (DPA) વચ્ચે સૂચિત પ્લાન્ટના નિર્માણ માટે ગત ૨૯ જાન્યુઆરીના રોજ આસામના દિબ્રુગઢમાં સરમા અને સોનોવાલ વચ્ચે MoU થયાં હતા.

મિથેનોલનો ઉપયોગ ભારે ઉદ્યોગો, રસાયણ ઉદ્યોગ સાથે ઈંધણ તરીકે થાય છે. પુનઃપ્રાપ્ય ઊર્જાની મદદથી ગ્રીન હાઈડ્રોજન અને કેપ્ચર્ડ કાર્બન ડાયોક્સાઈડના સંયોજનમાંથી કંડલા ખાતેના પ્લાન્ટમાં પ્રતિદિન દોઢસો ટન ઈ-મિથેનોલનું ઉત્પાદન થશે.

૨૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારાં ઈ-મિથેનોલ પ્રોજેક્ટથી અંદાજે ૩૫૦૦ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. APL દ્વારા મિથેનોલનું ઉત્પાદન કરાશે અને DPA પાઈપલાઈન, કનેક્ટિવીટી, સ્ટોરેજ, ફ્યુઅલ હેન્ડલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ કરાવશે.

કંડલાના પ્લાન્ટમાં ઉત્પાદિત ઈ-મિથેનોલનો ઉપયોગ વિશાળ કાર્ગો જહાજોમાં ઈંધણ તરીકે કરવામાં આવશે.

ઈ-મિથેનોલનો પુરવઠો વિશ્વના સૌથી વ્યસ્ત સમુદ્રી વેપારી માર્ગોમાંના એક એશિયા-યુરોપ ઈન્ટરનેશનલ ટ્રેડ કોરિડોરમાં આવ-જા કરતાં જહાજોને ઉપલબ્ધ કરાવાશે.

♦ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત ભારતનું વિશ્વ માટેનું પ્રવેશદ્વાર છે, હવે તે વિશ્વ માટે ગ્રીન એનર્જીનું પ્રવેશદ્વાર બનશે.

♦આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે આસામે ઓઈલ અને ચા દ્વારા ભારતને શક્તિ આપી છે, હવે ગ્રીન એનર્જી દ્વારા વિશ્વને શક્તિ આપશે. આ પ્રસંગે સરમાએ દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણ અને પૂર્વોત્તરની રૂક્મણિની કથા, તેજપુરની ઉષા અને અનિરુદ્ધની કથાનો ઉલ્લેખ કરીને આસામ અને ગુજરાત વચ્ચેના સદીઓ જૂનાં સાંસ્કૃતિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

♦શિપીંગ મિનિસ્ટર સર્બાનંદા સોનોવાલે જણાવ્યું કે ભારત વિશ્વની અગ્રણી દરિયાઈ શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે, હવે તે વિશ્વના જહાજોને ગ્રીન એનર્જી પૂરી પાડશે. આ પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૭૦ સુધીમાં ભારતને ‘નેટ ઝીરો એમિસન’ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહશે. કંડલાનો આ પ્લાન્ટ વૈશ્વિક શિપિંગ ક્ષેત્રમાં ગ્રીન એનર્જીના નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને સુદ્રઢ કરશે.

ગાંધીધામના DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામ, રાપર અને માંડવીના ધારાસભ્યો, આસામ પેટ્રો કેમિકલ્સના ચેરમેન બિકુલ ડેકા, દીનદયાળ પોર્ટ ઑથોરિટીના ચેરમેન સુશીલ કુમારસિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Share it on
   

Recent News  
રાપરના નીલપરની નિવાસી શાળાની સગીર છાત્રા સાથે આચાર્યએ આચર્યું વારંવાર દુષ્કર્મ
 
બોગસ મરણ પ્રમાણપત્રના આધારે મનફરાની જમીનની વારસાઈનો વિવાદ વકર્યો
 
કોઠારાના વ્યાજખોર ભાઈઓનો જેકપોટ જપ્તઃ સવા કરોડ રોકડાં અને ૧ કરોડના ઘરેણાં જપ્ત