|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના નીલપરની ગાંધીવાદી સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ’ની નિવાસી શાળામાં સગીર છાત્રા સાથે આચાર્યએ આચરેલાં દુષ્કર્મના બનાવ અંગે અંતે આજે મોડી સાંજે રાપર પોલીસ મથકે વિવિધ ગંભીર ધારા તળે ફરિયાદ દાખલ થઈ છે. રાપર પોલીસે શાળાના નરાધમ આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલ, હોસ્ટેલની ગૃહમાતા પૂજાબેન ગોહિલ, સંસ્થાના મંત્રી દિનેશ સંઘવી અને મેનેજર અનિરુધ્ધસિંહ જાડેજા સામે પોક્સો અને બીએનએસની ધારાઓ તળે વિધિવત્ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગુનાનો ભોગ બનનાર સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની ૧૩ વર્ષ ૩ માસની દીકરીને વિપુલ ગોહિલ અવારનવાર હેરાન પરેશાન કરી ધમકી આપતો હતો કે જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને પરીક્ષામાં ઓછાં માર્ક્સ આપીશ. આવી ધમકીઓ આપીને તેણે સગીર છાત્રા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ અંગે પીડિત છાત્રાએ ગૃહમાતા પૂજા ગોહિલને રજૂઆત કરતાં તેણે આ બાબત અંગે કોઈને જાણ ના કરવા ધમકાવી હતી.
૧૫ ઑગસ્ટના બે દિવસ પૂર્વે દુષ્કર્મના આરોપી આચાર્યના ખિસ્સામાંથી અચાનક પ્રેગનન્સી ટેસ્ટ કીટ નીચે પડી ગયેલી. સીસીટીવીના આધારે આ કીટ આચાર્યના ખિસ્સામાંથી બહાર પડી હોવાની જાણ થયાં બાદ સમગ્ર મામલો સંસ્થાના સંચાલકોના ધ્યાને આવેલો. ૨૪ ઑગસ્ટના રોજ આરોપી આચાર્યને સંસ્થાએ સેવામુક્ત કર્યો હતો.
ફરિયાદમાં આરોપ કરાયો છે કે સંસ્થાની નિવાસી શાળામાં રહેતી અને ભણતી દીકરીએ જ્યારે આ અંગે સંસ્થાના મંત્રી દિનેશ સંઘવી અને મેનેજર અનિરુધ્ધસિંહ જાડેજાને રજૂઆત કરતાં તેમણે તેને ફરિયાદ ના નોંધાવવા માટે ધમકાવી હતી.
જવાબદાર સંચાલકોએ બનાવને દબાવી દેવાના હેતુથી પોલીસ કે અન્ય કોઈ જવાબદાર સંસ્થાને જાણ કરી નહોતી. ઘટના અંગે જાણ થયાં બાદ છાત્રાના વાલી દીકરીને ત્યાંથી ઘરે લઈ ગયાં હતા.
આ ગંભીર મામલો ધીમે ધીમે ચર્ચાના ચગડોળે ચઢતાં જિલ્લાના શિક્ષણ વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરેલી.
સમાજના લોકોએ પણ એકઠાં થઈ ભોગ બનનાર પીડિતા અને પરિવારને હૂંફ આપી જવાબદારોને નશ્યત અપાવવા ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ તરીકે અમદાવાદના ડૉ. રાજેન્દ્ર ખીમાણી સેવા આપે છે. ખીમાણી ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને માર્ચ ૨૦૨૨માં તેમની નિમણૂકને ગેરકાયદે ગણાવી કુલનાયક પદેથી હટાવવા સૂચના આપતાં ભારે વિવાદ સર્જાયો હતો.
Share it on
|