|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ સાડા ૬ વર્ષ અગાઉ જ્યારે કોરોનાની ભયંકર બીમારી સમગ્ર દેશમાં ફેલાઈ હતી, સરકારે લૉકડાઉન જાહેર કરેલું તે સમયે પત્રકારના નામે મુંદરાની તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીમાં રોફ જમાવનારા બોગસ પત્રકારને કૉર્ટે જેલની સજા ફટકારી છે મુંદરાના ધ્રબમાં આવેલી જમાદાર વાડીમાં રહેતા ઈબ્રાહિમ અબ્દુલકાદર તુર્ક નામના બોગસ પત્રકારને મુંદરાના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટએ ઈપીકો કલમ ૪૧૯ હેઠળ ૧ વર્ષની સાદી કેદ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જાણો, બોગસ પત્રકારે ક્યાં કેવી રીતે રોફ ઝાડેલો
૨૫-૦૩-૨૦૨૦ની બપોરે દોઢ વાગ્યે ઈબ્રાહિમ તુર્કે તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીએ જઈને પોતે પત્રકાર હોવાનો રોફ ઝાડીને સિનિયર ક્લાર્ક તૈયબભાઈ અને હરીશ રાઠોડ જોડે માથાકૂટ કરેલી કે તમે લોકો અદાણી પોર્ટ અને વિલ્માર રિફાઈનરી આસપાસના વિસ્તાર તથા આસપાસના ગામોમાં કેમ દવા છાંટતા નથી? તેની ધાક ધમકીથી સ્ટાફ ડરી ગયેલો.
ઑફિસમાં હાજર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવરસિંહ બારીયાએ તુર્ક જોડે વાત કરતાં આ બોગસીયા પત્રકારે તેમની જોડે પણ બબાલ કરેલી. જેથી બારીયાએ મુંદરા પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં દોડી આવેલી અને તુર્કને પોલીસ સ્ટેશને લઈ જઈને ગુનો નોંધી અંદર કરી દીધેલો.
પોલીસે પૂછપરછ કરતાં તુર્કે એક છાપાનું ઓળખપત્ર બતાડેલું પરંતુ તે ઓળખપત્રની અવધિ ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પૂર્ણ થઈ ગયેલી હતી.
આ ગુનામાં સરકાર તરફે ૧૧ સાક્ષીઓ તપાસી મદદનીશ સરકારી વકીલ કે.એમ. પ્રજાપતિએ ઈબ્રાહિમ તુર્કને કડકમાં કડક સજા ફટકારવા રજૂઆત કરી હતી.
અધિક CJM મહેશ સી. પટેલે ઈબ્રાહિમ તુર્કને નકલી પત્રકાર બની રોફ જમાવી ભય ફેલાવવા બદલ દોષી ઠેરવતાં જણાવ્યું કે આ ગુનો સમાજવિરોધી અને ગંભીર છે. આવા ગુનાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે. તેના કારણે સમાજમાં ભય ફેલાય છે.
આવા આરોપીને યોગ્ય નશ્યત કરવામાં ના આવે તો તેઓ કાયદાનો ડર રાખ્યા વગર આવા ગુનાઓ બેરોકટોક રીતે આચર્યાં કરે છે. ઈબ્રાહિમ તુર્કે પ્રેસ રિપોર્ટર ના હોવા છતાં કોરોના મહામારીના કપરા સમયે પ્રેસ રિપોર્ટર હોવાનું જણાવી આરોગ્ય કચેરીના સ્ટાફને ભયભીત કરવાના ઈરાદે તેમના પર રોફ જમાવવા પ્રયાસ કરેલો. આવા ગુના ભાગ્યે જ પુરવાર થાય છે.
આવા ગુના આચરનારાઓને જો પ્રોબેશન (શરતી સજામોકૂફી)નો લાભ આપવામાં આવે તો ફરિયાદ પક્ષને ગંભીર અન્યાય થાય અને આવા ગુના આચરનારઓને પ્રોત્સાહન મળે.
આવા કિસ્સામાં મહત્તમ સજા કરવામાં આવે તો આવા ગુના આચરનારા અન્ય આરોપીઓમાં ડર બેસે અને તેઓ આવા ગુના આચરવાનું ટાળે તેમ જણાવી કૉર્ટે તેને સજા ફટકારી છે. ચુકાદા સમયે બોગસ પત્રકાર તુર્ક કૉર્ટમાં હાજર ના હોઈ કૉર્ટે અરેસ્ટ વૉરન્ટ ઈસ્યૂ કરી મુંદરા પીઆઈને તેની તાકીદે બજવણી કરવા હુકમ કર્યો છે.
Share it on
|