કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) પશ્ચિમ કચ્છમાં જથ્થાબંધ માત્રામાં દારૂ સપ્લાય કરતો રીઢો અને પોલીસની પરિભાષામાં ‘લિસ્ટેડ બૂટલેગર’ ગણાતો રાસુભા તગજી સોઢા વધુ એકવાર કારમાં દારૂની ખેપ મારતી વખતે નાસી છૂટ્યો છે! બાહોશ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટૂકડીએ દર વખતની જેમ આ વખતે પણ બાતમી મળતાં વૉચ ગોઠવેલી ને દર વખતની જેમ આ વેળા પણ દારૂ ભરેલી કાર રસ્તા પર રાખીને પોલીસની જ નજર સામે નાસી છૂટ્યો છે! અબડાસાના ખાનાય કેમ્પનો રહેવાસી રાસુભા પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારની હદના કોટડા ચકાર ગામ બાજુથી લેર તરફ આવી રહ્યો હોવાનું અને કીયા કારમાં દારૂ ભરેલો હોવાની LCBને મધરાત્રે બાતમી મળેલી. LCBએ થરાવડા ત્રણ રસ્તે વૉચ ગોઠવેલી. દર વખતની જેમ આ વખતે પણ રાસુભાએ પોલીસે કાર ઊભી રાખવા કરેલો ઈશારો અવગણીને કારને પૂરપાટ હંકારી મૂકી હતી.
પોલીસે પીછો કર્યો તો યુ ટર્ન મારીને પોલીસની સામે થયો! પોલીસની નજર સમક્ષ જ નાસી ગયો. હેડલાઈટના અજવાળે કાર હંકારતો શખ્સ રાસુભા જ હોવાનું પોલીસ ઓળખી ગઈ.
પોલીસ પાછળ પડી હોઈ થોડેક આગળ રોડ સાઈડના ખાડામાં કારને થોભાવી રાસુભા અંધારામાં ફરાર થઈ ગયો. કારમાંથી પોલીસને ૧.૪૩ લાખની કિંમતનો શરાબ અને બિયરનો જથ્થો મળ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાસુભા સામે ૨૦૧૪થી અત્યારસુધીમાં દારૂબંધી હેઠળ ત્રીસથી વધુ ગુના નોંધાયેલા હોવાની આખી યાદી મોકલી છે.
LCBને થાપ આપવામાં બૂટલેગરે નોંધાવી હેટ્રિક
LCBએ મોકલેલી યાદીના આધારે કચ્છખબરે છેલ્લાં દસેક ગુનાની વિગતો મેળવતાં જે માહિતી સામે આવી છે તે જાણીને આશ્ચર્ય સાથે આઘાત લાગશે. કારણ કે, ગત રાત્રિની જેમ અગાઉ પણ રાસુભા LCBની ટીમને આ જ રીતે થાપ આપીને નજર સમક્ષ નાસી ગયેલો છે! તો, એક વખત LCBની ટીમ પહોંચી તેની દસ મિનિટ પહેલાં તે સ્થળ પરથી ગાયબ થઈ ગયેલો! તેની વિસ્તૃત વિગતો નીચે આપેલી છે.
મે ૨૦૧૮માં ગુજરાત હાઈકૉર્ટ ભડકેલી
ભુજના જ એક બૂટલેગરની જામીન અરજી મંજૂર કરતી વખતે મે ૨૦૧૮માં ગુજરાત હાઈકૉર્ટ પોલીસ દ્વારા દાખલ કરાતી ‘બીબાંઢાળ ફરિયાદ’ મુદ્દે ભડકી હતી. સચોટ બાતમી મળી હોવા છતાં પોલીસને ચકમો આપી બૂટલેગર નાસી જાય અને પોલીસ દારૂનો જથ્થો જપ્ત કરે તે મુદ્દે હાઈકૉર્ટે બૂટલેગરોને બચાવવાના ખેલ કરતાં પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારેલી. એટલું જ નહીં, પ્રોહિબિશનના કેસોમાં નાસી છૂટેલાં બૂટલેગરો, જપ્ત વાહનો, રેઈડ કરનાર પોલીસ અધિકારીઓના નામ વગેરેની એક વર્ષની વિગતો આપવા હુકમ કરેલો (વધુ વિગત વાંચવા સર્ચ બોક્સમાં અંગ્રેજીમાં designed fir ટાઈપ કરી સર્ચ કરો)
♦૨૬-૦૮-૨૦૨૩ના રોજ LCBએ મુંદરાના ફાચરીયા નજીક કારમાંથી ૧ લાખ ૪૬,૬૫૦ના મૂલ્યના વિદેશી શરાબની બાટલીઓ જપ્ત કરેલી. બાતમીના આધારે પોલીસે વૉચ ગોઠવેલી. જો કે, રાસુભાએ કાર થોભાવી નહોતી અને ફાચરીયા નજીક કાર મૂકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. કારની હેડલાઈટના અજવાળે પોલીસ કોન્સ્ટેબલ નાસી રહેલો શખ્સ રાસુભા હોવાનું ઓળખી ગયો હતો.
♦૩૦-૦૩-૨૦૨૩ના રોજ LCBએ નખત્રાણાના વિગોડી ગામની સીમની વાડીમાં રેઈડ કરીને ૩ લાખ ૭૧૦૦ના દારૂ બિયરનો જથ્થો જપ્ત કરેલો. પોલીસે રેઈડ પાડી ત્યારે વાડીના ગેટ પર સ્કોર્પિયો કારમાં બેઠેલાં રાસુભા અને તેનો ભાઈ બળુભા તથા વાડીમાલિક રામદેવસિંહ જાડેજા પોલીસને થાપ આપી નાસી છૂટેલાં. કારની હેડલાઈટના અજવાળે પોલીસ રાસુભા સહિતના ત્રણે બૂટલેગરને ઓળખી ગયેલી. પોલીસે તેમની કારનો પીછો પણ કરેલો પરંતુ તેઓ હાથ લાગ્યાં નહોતાં
♦૨૩-૦૫-૨૦૨૩ના રોજ LCBએ નખત્રાણાના રસલિયા ગામે બાવળોની ઝાડીમાં દારૂ વેચતાં યુવકને ૯૧૦૦ના મૂલ્યની દારૂની બાટલીઓ સાથે ઝડપેલો. આ દારૂ રાસુભાએ સપ્લાય કર્યાનું ખૂલતાં બેઉ સામે ગુનો દાખલ કરાયેલો
♦૦૩-૦૧-૨૦૨૦ના રોજ LCBએ ભુજની લખુરાઈ ચોકડી નજીક મોટર સાયકલ પર ૭૭૨૫ના મૂલ્યની દારૂની બાટલીઓ લઈને જતાં યુવકને પકડેલો. આ માલ રાસુભા અને જીતુ સોઢાએ આપ્યો હોવાનું ખૂલેલું
♦૦૪-૧૨-૨૦૧૯ના રોજ LCBએ અબડાસાના મોટી વમોટી ગામની સીમમાં બાવળોની ઝાડીમાંથી પાંચ લાખનો શરાબ જપ્ત કરેલો. કારમાંથી બે ખેપિયા ઝડપાયેલાં પરંતુ જેનો માલ હતો તે રાસુભા સોઢા અને જીતુભા મંગળસિંહ સોઢા પોલીસને સ્થળ પર હાજર મળ્યાં નહોતાં. પોલીસના આગમનની દસ મિનિટ પૂર્વે જ તેઓ ત્યાંથી જતાં રહેલાં
♦૦૯-૦૮-૨૦૨૪ના રોજ નલિયા પોલીસે રામપર પિથોરાપીર ગામે અજીત રાઠોડ નામના શખ્સના ઘરમાં દરોડો પાડી ૫૬૨૫ રૂપિયાનો દારૂ ઝડપેલો. રાસુભાએ માલ સપ્લાય કર્યો હોવાનું ખૂલેલું
♦૨૦-૦૨-૨૦૨૩ના રોજ નખત્રાણા પોલીસે અર્ચના સ્કુલ નજીક બાવળોની ઝાડીમાં મોટર સાયકલ પર દારૂ વેચતાં યુવકને ઝડપેલો ત્યારે આ શરાબ રાસુભાએ આપ્યો હોવાનું ખૂલેલું
♦૩૦-૧૨-૨૦૨૨ના રોજ દયાપર પોલીસે ભાડરા મોટા ગામે ૨૪૫૦ રૂપિયાની કિંમતની દારૂની સાત બાટલી સાથે એક યુવકને ઝડપેલો. આ દારૂ રાસુભાએ સપ્લાય કર્યાનું ખૂલેલું
♦૦૪-૦૭-૨૦૨૧ના રોજ નારાયણ સરોવર પોલીસે બાલાપર ગામે રહેણાંક મકાન અને વાડામાં દરોડો પાડી એક લાખનો શરાબ ઝડપેલો. રાસુભા સહિત ત્રણ જણ પર ગુનો દાખલ થયેલો પરંતુ એકેય આરોપી સ્થળ પર હાજર મળ્યાં નહોતાં.
Share it on
|