click here to go to advertiser's link
Visitors :  
07-Feb-2026, Saturday
Home -> Bhuj -> Gulf Job Racket Busted in Bhuj Fraudsters Used Dummies to Clear Visa Medical Tests
Friday, 06-Feb-2026 - Bhuj 2479 views
વિદેશોમાં નોકરી માટે ડમી માણસ મોકલી મેડિકલ સર્ટી. મેળવવાના કારસાનો પર્દાફાશ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મધ્યપૂર્વના અખાતી દેશોમાં કામ ધંધાર્થે જવું હોય તો આ દેશોના વિઝા મેળવવા માટે ગલ્ફ કો-ઓપરેટિવ કાઉન્સિલ (GCC) માન્ય હોસ્પિટલમાં ચેક-અપ કરાવી મેડિકલી ફીટ હોવાનું પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે. રાજસ્થાની ગેંગ દ્વારા પાસપોર્ટ અને આધાર કાર્ડમાં ડમી માણસનો ફોટો ચોંટાડી, ડમી માણસને હોસ્પિટલમાં મોકલી, મેડિકલી ફીટ હોવાનું પ્રમાણપત્ર મેળવી આપવાના ષડયંત્રનો સ્પેશિયલ ઓપરેશન ગૃપે પર્દાફાશ કર્યો છે.

આ મામલે ભુજમાંથી SOGએ મેડિકલ ચેક અપ કરાવવા આવેલા ડમી શખ્સને નકલી દસ્તાવેજો સાથે ઝડપી પાડીને મુખ્ય સૂત્રધાર અને મૂળ પાસપોર્ટધારક વિરુધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે પાસપોર્ટ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે.

બનાવટી પાસપોર્ટ, આધાર સાથે યુવક ઝડપાયો

બાતમીના આધારે SOGએ ભુજના રેલવે સ્ટેશન પાસે આવેલી દેવરાજ હોટેલ પાસેથી સંજયકુમાર નટવરલાલ લુહાર (ઉ.વ. ૪૩, રહે. ડુંગરપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. સંજયની અંગજડતીમાંથી પટેલ દિનેશકુમાર નામ લખેલો પાસપોર્ટ અને આધાર કાર્ડની કલર કોપી મળી આવેલાં. પાસપોર્ટ અને આધાર કાર્ડની કોપીમાં ફોટો સંજયકુમારનો લાગેલો હતો. સંજય પાસેથી તેનું ઓરિજિનલ આધાર કાર્ડ પણ મળી આવેલું.

સંજયની પૂછતાછમાં કારસાનો થયો ઘટસ્ફોટ 

SOGએ સંજયને કચેરીએ લાવીને સઘન પૂછપરછ કરતાં તેણે જણાવેલું કે તેનો પિતરાઈ ભાઈ સંદિપ શાંતિલાલ લુહાર પાસપોર્ટ વિઝાને લગતી કામગીરી કરે છે. તેની પાસે આવેલ દિનેશકુમાર પટેલ નામનો યુવક મેડિકલી અનફીટ હોઈ, તેના પાસપોર્ટ અને આધારમાં ચેડાં કરીને સંજયનો ફોટો લગાડી તેને ભુજમાં GCC માન્ય હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવી સર્ટીફિકેટ મેળવવા માટે મોકલ્યો હતો.

બનાવટી પાસપોર્ટ અને આધાર કાર્ડ સંદિપે તૈયાર કરીને સંજયને આપેલા. આ કામ માટે સંદિપને એક લાખ રૂપિયા મળવાના હતા અને પ્રમાણપત્ર મળી ગયા બાદ સંદિપ સંજયને ‘ખર્ચો પાણી’ આપવાનો હતો. પ્રમાણપત્ર મળી ગયાં બાદ સંદિપ તેમાં દિનેશનો ઓરિજીનલ ફોટો લગાવી દેવાનો હતો.

SOGએ સંજય લુહાર, સૂત્રધાર સંદિપ લુહાર અને દિનેશ પટેલ વિરુધ્ધ અસલ દસ્તાવેજોમાં ચેડાં કરવા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. પીઆઈ એ.ડી. પરમારે તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત, બહેરીન, ઓમાન વગેરે અખાતી દેશોમાં નોકરી ધંધાર્થે જવું હોય તો ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલની માન્યતાપ્રાપ્ત હોસ્પિટલમાંથી તબીબી રીતે સ્વસ્થ હોવાનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.
Share it on
   

Recent News  
માર મારી ૫૦ હજાર માગવાના બનાવમાં કોઠારાના ૭ પોલીસવાળા સામે FIR કરવાનો હુકમ રદ્દ
 
૪.૧૮ કરોડની દાણચોરીમાં પકડાયેલાં ઈન્દોરના માસ્ટર માઈન્ડની જામીન અરજી રીજેક્ટ
 
મુંદરાના ભોરારા નજીક નર્મદા કેનાલમાં ૧૭ વર્ષના બે મિત્રોના ડૂબી જવાથી મોત