|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના રાયધણઝરમાં બે ભાઈને ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, મારકૂટ કરીને ૫૦ હજાર રૂપિયાની માંગણી કરવાના ગુનામાં કોઠારા પોલીસ સ્ટેશનના ૭ પોલીસ કર્મચારી સામે FIR કરવા નલિયા કૉર્ટના હુકમને સેશન્સ કૉર્ટે રદ્દ કર્યો છે. ૧૬-૧૨-૨૦૨૫ના રોજ નલિયા કૉર્ટે હિંગોરા અસલમ ઝકરીયાની અરજીના આધારે આ હુકમ કર્યો હતો. જેની સામે ભુજ સેશન્સ કૉર્ટમાં કોઠારાના હેડ કોન્સ્ટેબલ રવિરાજ પ્રતાપસિંહ જાડેજાએ રિવિઝન અરજી દાખલ કરેલી. જાણો, શો હતો પોલીસ કર્મચારીઓ પર આરોપ
રાયધણઝરમાં મગફળીની વાડીમાં રખોપું કરી રહેલા ખીરસરા (વિંઝાણ)ના ૩૯ વર્ષિય અસલમ હિંગોરાએ આરોપ કર્યો હતો કે ૨૧-૧૦-૨૦૨૫ની રાત્રે વાડીએ રખોપું કરતો હતો ત્યારે મધરાતે દોઢ વાગ્યે કોઠારા પોલીસ સ્ટેશનના રવિરાજસિંહ જાડેજા સહિત કુલ સાત કર્મચારી વાડીએ આવેલાં.
પોલીસવાળાઓએ તેને પકડીને ‘બંદુક અને દારુગોળો ક્યાં છે?’ તેવું પૂછી લાકડી, રબરના પટ્ટા અને મુક્કા લાતોથી તેને સખત માર મારી તેનો ફોન ઝૂંટવી લીધેલો.
બાદમાં નજીકની વાડીએ રહેલા તેના ભાઈ સલીમને પણ પકડી લાવેલાં. બેઉ ભાઈઓને ગાળો ભાંડીને જીપમાં બેસાડી પોલીસવાળા થોડેક આગળ આવેલા વકાસ જુસબના બકરાંના વાડા પર લઈ ગયેલાં.
રસ્તામાં પોલીસ કર્મચારીઓએ અસલમ પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી કરેલી. બેઉને પરોઢે પાંચ વાગ્યા સુધી વાડામાં ગોંધી રાખેલાં.
ત્યારબાદ રવિરાજે અસલમના ભાગીદાર લાલજી રાઠોડના પુત્ર ભરતને ફોન કરી જણાવેલું કે ‘આજે મૂકી દીધેલ છે સંબંધ ખાતર. બીજી વખત ગમે તેવા કેસમાં ફસાવી દઈશું’ પોલીસવાળા મોબાઈલ પરત આપીને ચાલ્યાં ગયેલાં. સખત મારના લીધે શરીરમાં પીડા થતી હોઈ અસલમને સગાં સંબંધીઓ જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
૧૮-૧૦-૨૦૨૫ના રોજ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો. હોસ્પિટલ ચોકીએ એમએલસી દાખલ થઈ હોવા છતાં પોલીસ તેની ફરિયાદ લેવા માટે આવી નહોતી. આ મામલે ૨૧-૧૦-૨૦૨૫ના રોજ અસલમે કોઠારા પીએસઆઈને ઉદ્દેશીને ફરિયાદ નોંધવા અરજી કરેલી. કોઠારા પોલીસે ફરિયાદ દાખલ કરી નહોતી કે અરજી કામે તેનું નિવેદન પણ લીધું નહોતું.
જેથી અસલમે પશ્ચિમ કચ્છને એસપીને ૧૩-૧૧-૨૦૨૫ના રોજ આ મામલે કોઠારા પોલીસને ફરિયાદ નોંધવાનો હુકમ કરવા અરજી કરેલી. ફરિયાદ દાખલ ના થતાં અસલમે નલિયાના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કૉર્ટમાં અરજી દાખલ કરેલી. કૉર્ટે અરજીને મંજૂર કરીને, અરજીમાં દર્શાવેલી હકીકત જોતાં પ્રથમ દ્રષ્ટિએ કોગ્નિઝેબલ ગુનો બન્યો હોવાનું જણાઈ આવતું હોઈ તેના આધારે ગુનો દાખલ કરવા અને ૬૦ દિવસની અંદર કૉર્ટ સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો હતો.
સેશન્સમાં આ મુદ્દે રિવિઝન અરજી દાખલ કરાયેલી
રિવિઝન અરજીમાં અરજદાર પોલીસ કર્મચારી વતી રજૂઆત કરાઈ હતી કે એમએલસી જોતા તેના આધારે કોગ્નિઝેબલ ગુનો બનતું હોવાનું ફલિત થતું નથી. સામાન્ય માર મરાયાનો આરોપ હતો. ત્યારબાદ, અસલમે કરેલી અરજી અન્વયે તેને નિવેદન નોંધાવવા માટે પીએસઆઈએ બોલાવેલો પરંતુ તે આવ્યો નહોતો.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૭૫ (૪)ની જોગવાઈ મુજબ કલમ ૨૧૦ હેઠળ સત્તા ધરાવતા કોઈપણ મેજિસ્ટ્રેટ, રાજ્ય સેવક વિરુધ્ધ તેની સત્તા અને ફરજ નીભાવતી વખતે ઉદભવેલ ફરિયાદ હોય તો તેનાથી ઉપલા અધિકારી પાસેથી બનાવની વિગતો અને સંજોગો વર્ણવતો અહેવાલ મેળવવો જોઈએ.
ત્યારબાદ રાજ્ય સેવક વિરુધ્ધ કથિત ઘટના તરફ દોરી જતી પરિસ્થિતિ અંગેના નિવેદનોને ધ્યાનમાં લીધા પછી કલમ ૧૭૫ (૧, ર,૩)ની જોગવાઈને આધીન પોલીસ તપાસનો હુકમ કરી શકાય. અરજી સંબંધે કોઈપણ પ્રકારની તપાસ કરાઈ નથી કે ઉપલા અધિકારીઓ પાસેથી કોઈ અહેવાલ મેળવાયો નથી. જેથી નીચલી કૉર્ટનો હુકમ ભૂલભરેલો અને ટકવાપાત્ર નથી તેવી દલીલ કરાઈ હતી.
સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ નલિયા કૉર્ટનો હુકમ રદ્દ કરીને કાયદાકીય જોગવાઈ મુજબ અરજી સંબંધે આગળની કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.
આ કેસમાં અરજદાર તરફે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હેમસિંહ સી. ચૌધરી, દીપક ઉકાણી, કુલદીપ જીતેન્દ્રભાઈ મહેતા, હેતલ બી દવે અને પ્રશાંત રાજપૂતે હાજર રહી દલીલો કરી હતી.
Share it on
|