|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોમ્પ્યુટર પાર્ટસની આડમાં ટીવી પાર્ટસની આયાત કરીને ૪.૧૮ કરોડની દાણચોરી કરવાના ગુનામાં ઈન્દોર DRIએ પકડેલાં માસ્ટર માઈન્ડ ત્રિલોક સિંઘ નારાયણ સિંઘની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. છ મહિના સુધી DRIના છથી સાત સમન્સને અવગણીને નાસતા રહેલા આરોપી ત્રિલોક સિંઘની ૧૦ જાન્યુઆરીના રોજ ઈન્દોર DRI ઝોનલ યુનિટે ધરપકડ કરી હતી. વિદેશથી આયાત થતા કોમ્પ્યુટર પાર્ટસ પર કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ મળેલી છે. કોમ્પ્યુટરના બદલે ટીવી પાર્ટસનું સ્મગલિંગ
ગત જૂન માસમાં DRIએ દિલ્હીની અંશિકા એન્ટરપ્રાઈઝ દ્વારા કોમ્પ્યુટર પાર્ટસના નામે આયાત કરેલા કન્સાઈન્મેન્ટને જપ્ત કરી તપાસ હાથ ધરતાં તેમાંથી ટેલિવિઝન પાર્ટસ મળી આવ્યાં હતા. ચોપડાં પર માલની કિંમત ૮૮.૭૫ લાખ દર્શાવાઈ હતી પરંતુ સત્તાવાર એજન્સી મારફતે માલનું વાસ્તવિક મૂલ્યાંકન કરવામાં આવતા આ માલ ૪.૬ કરોડની કિંમતનો હોવાનું સ્પષ્ટ થયું હતું.
DRIએ આકલન કરીને ૪.૧૮ કરોડની દાણચોરીનો ગુનો નોંધીને અંશિકા એન્ટરપ્રાઈઝના માલિક અંબર ભારદ્વાજ (રહે. દિલ્હી)ની ગહન પૂછપરછ કરીને ૯ જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી.
DRIની પૂછતાછ દરમિયાન ભારદ્વાજે ભૂલથી ટીવી પાર્ટસ આયાત કર્યાં હોવાનું કબૂલીને દાણચોરી બદલ એક કરોડ રૂપિયા જમા કરાવીને ચૂકવવા પાત્ર બાકીની રકમ ભરી દેવાની તૈયારી દર્શાવી હતી.
ભારદ્વાજની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે અંશિકા એન્ટરપ્રાઈઝના નામે વાસ્તવમાં બિષ્ટ ઈલેક્ટ્રોનિક્સ નામની કંપનીનો માલિક ત્રિલોકસિંઘ જ વિદેશથી માલ આયાત કરતો હતો. આયાત થયેલો માલ ત્રિલોક ચાર મોટાં વેપારીઓને વેચતો હતો. પ્રત્યેક કન્સાઈન્મેન્ટદીઠ વીસથી પચ્ચીસ હજાર રૂપિયા ત્રિલોક અંશિકા એન્ટરપ્રાઈઝના માલિક અંબર ભારદ્વાજને ચૂકવતો હતો.
માલ ખરીદતાં ચારે વેપારી ભારદ્વાજને ઓળખતાં સુધ્ધાં નહોતા તેવું તેમના નિવેદન પરથી સ્પષ્ટ થયું હતું. ત્રિલોકે અગાઉ પણ ચોપડાં પર કોમ્પ્યુટર પાર્ટસના નામે વિદેશથી મોટો માલ આયાત કર્યાનું ખૂલ્યું હતું. ૯ જાન્યુઆરીના રોજ જ્યારે અંશિકા એન્ટરપ્રાઈઝના માલિક અંબર ભારદ્વાજ DRI સમક્ષ હાજર થયા ત્યારે ત્રિલોક પણ સાથે આવેલો પરંતુ DRI અધિકારીઓ સમક્ષ હાજર થયો નહોતો.
આરોપી છ માસ સુધી DRIથી નાસતો રહેલો
ત્રિલોકની સંડોવણી ખૂલ્યાં બાદ DRIએ છ માસના સમયગાળા દરમિયાન તેને છથી સાત સમન્સ પાઠવેલાં. પરંતુ, ત્રિલોક સમન્સની અવગણના કરીને પૂછપરછથી સતત નાસતો રહ્યો હતો. એ તો ઠીક, તેના ઈશારે માલ ખરીદતાં વેપારીઓએ ત્રિલોક સાથેની વોટસએપ ચેટ ડિલિટ કરી નાખેલી અને DRIને સહકાર આપવાનું બંધ કરેલું. ભારદ્વાજે ભાંડો ફોડતાં DRIએ બીજા દિવસે તેને ઈન્દોરમાંથી ઝડપી પાડેલો. તપાસમાં બહાર આવેલું કે ત્રિલોકે તેના મોબાઈલ ફોનનો નાશ કરેલો કે જેમાં ઘણાં મહત્વના પુરાવા હતા. ત્રિલોકની જામીન અરજી મંજૂર કરવા માટે તેના વકીલોએ વિવિધ મુદ્દે કૉર્ટ સમક્ષ લંબાણભરી દલીલો રજૂ કરી હતી.
સામા પક્ષે સેન્ટ્રલ એક્સાઈઝ, કસ્ટમ્સ એન્ડ ડીઆરઆઈના વિશેષ વકીલ કલ્પેશ ગોસ્વામીએ પણ તપાસમાં બહાર આવેલા ત્રિલોકસિંઘના કારનામાનો કાચો ચિઠ્ઠો રજૂ કરીને જામીન આપવા સામે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો.
સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ બેઉ પક્ષની લંબાણભરી દલીલો સાંભળી, કાયદાકીય કલમો અને તેની જોગવાઈઓ, તપાસમાં બહાર આવેલાં તથ્યો પૂરાવાને અનુલક્ષીને આ એક ગંભીર આર્થિક ગુનો હોવાનું, આવા ગુનાથી અર્થતંત્ર પર દુષ્પ્રભાવ પડતો હોવાનું, સુઆયોજિત ષડયંત્ર ઘડીને ગુનો આચરાયો હોવાનું, ગુનામાં આરોપીનું પ્રાઈમા ફૅસી, એક્ટિવ ઈન્વોલ્વમેન્ટ જણાઈ આવતું હોવાનું, તપાસ નાજૂક તબક્કે હોઈ કસ્ટડી જરૂરી હોવાનું, જે રીતે ઈરાદાપૂર્વક સમન્સની અવગણના કરીને નાસતો રહ્યો તે વર્તણૂક જોતાં જો જામીન પર છૂટે તો નાસી જવાની દ્રઢ શક્યતા હોવાનું જણાવીને અરજી રીજેક્ટ કરી દીધી છે.
Share it on
|