કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) ભુજના રુદ્રમાતા ડેમસાઈટ પર ડેમનું પાણી મોટરોથી ખેંચવા માટે ગેરકાયદે બે ટ્રાન્સફોર્મર સાથેની વીજલાઈન ખેંચી ૩૪.૨૫ લાખની વીજચોરી કરવાના ગુનામાં જબ્બર વળાંક આવ્યો છે. GEB પોલીસની અઢી મહિના લાંબી ગહન તપાસમાં ચોરીની ફરિયાદ નોંધાવનારા PGVCLના ભુજ ગ્રામ્યના નાયબ ઈજનેર જિજ્ઞેશ ગુમાનભાઈ ચૌધરી અને અન્ય બાર લોકોની સંડોવણી બહાર આવી છે. ડેપ્યુટી એન્જિનિયર ચૌધરીએ ૬૦ હજાર રૂપિયાની ‘પ્રસાદી’ લઈને તાબાના માણસોને ગેરકાયદે વીજ જોડાણ લેવા મંજૂરી આપી હતી!
૧૩-૦૬-૨૦૨૨ના રોજ બાતમીના આધારે PGVCLના ડેપ્યુટી એન્જિનિયર જિજ્ઞેશ ચૌધરીએ રુદ્રમાતા ડેમસાઈટ ખાતે ચેકીંગ હાથ ધરી ઢોરી ફિડરમાંથી ૧૧ KVAની વીજલાઈનમાંથી ખેંચાયેલાં ગેરકાયદે વીજ જોડાણનો પર્દાફાશ કર્યો હતો. ડેમનું પાણી ગેરકાયદે ખેંચવા વીજચોરોએ ૬૩ KVA અને ૨૫ KVAના બે વીજ ટ્રાન્સફોર્મર લગાડ્યાં હતા. સ્થળ પરથી ૬ સબમર્સિબલ મોટરો પણ જપ્ત થઈ હતી. જે વીજ ટ્રાન્સફોર્મર લગાડાયેલાં હતા તે PGVCL દ્વારા જ ભૂતકાળમાં બે માન્ય કોન્ટ્રાક્ટરોને ઈસ્યૂ થયાં હતા. જેથી ચૌધરીએ જે.કે. કોન્ટ્રાક્ટર અને ઈસુબ હસન ઈશાકાણી નામના બે કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ રીતે કૌભાંડ આચરવામાં આવેલું
GEB પોલીસે કૌભાંડની તપાસ હાથ ધરતાં રેલડિયા (મંજલ)ના જાકબ કાસમ મંધરા અને માધાપર સબ ડિવિઝનના કોન્ટ્રાક્ટર પાસે કામ કરતાં ચિરાગ પુષ્કરભાઈ જેઠી (રહે. માધાપર)ના નામ સામે આવ્યાં હતા. જાકબ અગાઉ જે.કે. કોન્ટ્રાક્ટર પેઢીમાં કામ કરતો હતો પરંતુ પેઢીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતાં તેને છૂટ્ટો કરી દેવાયેલો. દરમિયાન, ડગાળા નજીક આવેલી મિનરલ્સ કંપનીના પાર્ટનર દેવકરણ પાંચા ચાડે તેના સંપર્કમાં આવેલાં ચિરાગ જેઠીને રુદ્રમાતા ડેમમાંથી પાણી ખેંચવા માટે વીજ જોડાણ મળે કે નહીં તેવું પૂછતાં ચિરાગે જાકબને પૂછ્યું હતું. જાકબે આ અંગે ભુજ ગ્રામ્યના ઇજનેર ચૌધરી અને લાઈનમેન કનુ કલાંસવાનો સંપર્ક કરી ગેરકાયદે વીજ જોડાણ આપવાનું કાવતરું રચેલું. ચૌધરીએ જાકબના ખભે ટ્રાન્સફોર્મરનો મેળ કરવાની જવાબદારી નાખી લીલી ઝંડી આપી દીધી હતી.
બોગસ સર્વે કરી એલસી ઈસ્યૂ કરાયાં
આરોપીઓએ એકબીજાની મિલિભગતમાં વીજ કનેક્શન કાયદેસર રીતે અપાતાં હોવાનો ખેલ પાડ્યો હતો. દેવકરણે તેના ભાઈ શિવજી પાંચા ચાડના ખેતરમાં વીજ કનેક્શન મેળવવા માટે અરજી કરી કોલ ભર્યો હતો. દેવકરણના ઈશારે સુમરાસરના દામજી કરમણ ચાડે તેની માતા રાજીબેનના નામે ખેતરમાં વીજ જોડાણ માટે કોલ ભર્યો હતો. લાઈનમેન કલાંસવાએ બોગસ સર્વે કરી આપ્યાં બાદ વીજ તંત્ર દ્વારા તેમને એલસી ઈસ્યૂ થઈ હતી. પ્રથમ બે ગ્રાહકને જોડાણ આપવા જાકબે કોન્ટ્રાક્ટર ઈસુબ ઈશાકાણી પાસે પડેલું ૨૫ KVAનું એકસ્ટ્રા ટ્રાન્સફોર્મર મેળવી ત્યાં ફીટ કરી આપ્યું હતું. ઈશાકાણીએ ખરેખર તો આ ટ્રાન્સફોર્મર PGVCLને પરત કરવાનું રહેતું હોવા છતાં તેણે જાકબને આપી દીધું હતું.
પ્રથમ બે જણને કનેક્શન મળ્યાં બાદ સુમરાસરના અન્ય ચાર જણે પણ વીજ જોડાણ મેળવવા માટે જાકબનો કોન્ટેક્ટ કર્યો હતો. જાકબે ફરી તેમની પાસે અરજીઓ કરાવી, કોલના નાણાં ભરાવી તેમને પણ ૬૩ KVAનું ટ્રાન્સફોર્મર લગાડી આપી ગેરકાયદે કનેક્શન આપી દીધાં હતા.
જાકબે પ્રથમ ૨૫ KVA ટ્રાન્સફોર્મર ૧૩-૦૧-૨૦૨૨ના રોજ લગાડેલું અને ૬૩ KVAનું બીજું ટ્રાન્સફોર્મર ૨૫-૦૫-૨૦૨૨ના રોજ લગાડેલું. ૬૩ KVAનું ટ્રાન્સફોર્મર વાત્રા ગામના વિભા પચાણ રબારીને ૨૦૧૭માં ઈસ્યૂ થયું હતું. પરંતુ, વીજ બિલના નાણાં ના ભરતાં વિભા રબારીનું જોડાણ કટ કરી વીજ તંત્રએ મીટર કાઢી લીધું હતું. આ બાબતથી વાકેફ જાકબ ભાડે ટ્રેક્ટર કરીને વિભા રબારીની રેંઢી વાડીમાંથી બારોબાર ટ્રાન્સફોર્મર કાઢી લાવ્યો હતો અને રુદ્રમાતા પર લગાડી દીધું હતું. તે સમયે વિભા રબારી મહારાષ્ટ્ર ગયો હોઈ વાડીએ કોઈ હાજર પણ નહોતું. ગેરકાયદે વીજ જોડાણ આપવા માટે જરૂરી ૧૫-૧૬ મીટરના વાયર આરોપીઓએ કોન્ટ્રાક્ટરના વાડામાંથી મેળવી લીધાં હતા.
પ્રથમ બે ગેરકાયદે વીજ જોડાણ બદલ આરોપીઓએ ૧.૬૦ લાખ અને બીજીવાર વધુ ચાર જણને જોડાણ આપવા પેટે ૧.૪૦ લાખ રૂપિયા મેળવ્યાં હતા. જેમાંથી જિજ્ઞેશ ચૌધરીને કુલ ૬૦ હજાર રૂપિયા મળ્યાં હતા. લાઈનમેન કનુને ૪૦ હજાર રૂપિયા મળ્યાં હતા. જ્યારે બાકીના રૂપિયા જાકબે વાપર્યાં હતા.
પોલીસે જાકબ, કલાંસવા, ચિરાગ જેઠી, ચૌધરી વગેરેના ફોનની કૉલ ડિટેઈલ્સના રેકર્ડ સહિતના સજ્જડ પૂરાવા એકઠાં કરી લીધાં છે. આગામી દિવસોમાં આ મામલે ગેરકાયદે વીજ જોડાણ લેનારાં સુમરાસરના દેવકરણ અને જોડાણ લેનાર ૬ ગ્રાહકો, નાયબ ઈજનેર ચૌધરી, લાઈનમેન કલાંસવા, જાકબ મંધરા, ચિરાગ જેઠી, કોન્ટ્રાક્ટર ઈશાકાણી સહિતના લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે. આ મામલે સિંચાઈ વિભાગે પોલીસને જણાવ્યું હતું કે ડેમમાં પાણીનો જથ્થો જ ખલાસ થઈ ગયો હોઈ સિંચાઈ માટે કોઈને મંજૂરી આપવાનો સવાલ જ ઉપસ્થિત થતો નહોતો.
Share it on
|