કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના નવા બસ સ્ટેશનમાં એસટીમાં બેસવા જતી વખતે ભીડનો લાભ લઈ અજાણ્યો શખ્સ યુવાન પરિણીતાના પર્સમાં રાખેલા અઢી લાખના સોનાના ઘરેણાં સેરવી લઈને ફરાર થઈ ગયો છે. ગઈકાલે સાંજે સાડા 6ના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી 25 વર્ષિય સોનલ પ્રતીક આહીર માંડવી રહે છે અને માવતરે માધાપર આવી હતી. ગઈકાલે સાંજે સોનલ તેની ચાર વરસની દીકરી અને બહેન જોડે માધાપરથી છકડામાં બેસી ભુજ બસ સ્ટેશન આવેલી અને અહીંથી માંડવી જતી બસમાં ચઢી હતી. દીકરી સાથે બસમાં ચઢતી વખતે સોનલે તેનું પર્સ ગળામાં લટકાવી રાખ્યું હતું. બસમાં પ્રવેશ્યાં બાદ પર્સ જોતાં તેની ચેઈન ખૂલ્લી હતી અને પર્સમાં રાખેલી સોનાની બે બંગડી તથા 6 વીંટી મળી અંદાજે અઢી લાખની કિંમતના 30 ગ્રામના દાગીના ગાયબ હતાં. પર્સમાંથી દાગીના ચોરાતાં જ સોનલ અને તેની બહેન બસમાંથી નીચે ઉતરી તપાસ કરવા માંડ્યાં હતાં. દાગીનાની કોઈ ભાળ ના મળતાં અંતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
બારોઈના રહેણાંકમાં લાખ્ખોના ઘરેણાંની ચોરી
મુંદરાના બારોઈ રોડ પર આવેલા વિજય પાર્કમાં ઉપરના રૂમમાં સૂઈ રહેલાં પરિવારની નિદ્રાવસ્થાનો લાભ લઈને અજાણ્યો ચોર નીચેના રૂમમાંથી પાંચ હજાર રોકડાં રૂપિયા મળી લાખ્ખોની મૂલ્યના સોનાના ઘરેણાં ચોરી ગયો છે. 26 અને 27 એપ્રિલની રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો.
ફરિયાદી જીતેન્દ્રસિંહ જાડેજા મુખ્ય પ્રવેશદ્વારને અંદરથી લૉક કરી પત્ની પુત્ર સાથે ઉપરના માળે સૂતાં હતાં. પરોઢે પાંચ વાગ્યે નીચે આવ્યા તો નકુચા સાથે લૉક તૂટેલું હતું અને દરવાજો ખૂલ્લો હતો.
અજાણ્યો ચોર ઈસમ નીચેના રૂમના ડ્રેસિંગ ટેબલના ખાનામાં રાખેલું 3 તોલાનું મંગળસૂત્ર, એક તોલાની સોનાની ચેઈન, ઍરિંગ્સ સહિતના ઘરેણાં અને પાંચ હજાર રોકડાં મળી 1.93 લાખ રૂપિયાની માલમતા ચોરી ગયો હતો. પોલીસ ચોપડે સોનાના દાગીનાની કિંમત અને વર્તમાન વાસ્તવિક મૂલ્ય જોતાં ચોરાયેલાં દાગીનાના કિંમત પોલીસ ચોપડાથી અધિક થાય છે.
Share it on
|